Wednesday, 2 July 2014

ઘોઘો ફસાણો ઘોઘીની જાળમાં ...

અરે વાહ પ્રિયે! આ વખતે તો તેં ખરેખર ઘોઘા અને ઘોઘીના પાત્રોમાં પ્રાણ ફૂંકી દીધા છે. પાકીટની ખેંચતાણ અને છેલ્લે "અનંત" ના બ્લાસ્ટમાં છુપાયેલો એ મીઠો પ્રેમ—ખરેખર મજા આવી ગઈ વાંચવાની.
😊😘

@@@ ***આમાં બહુ ઊંડું ઉતરવા જેવું નથી*..... @@@
@@@ ***પછી ડૂબી જાવ તો મારો વાંક નૈ*........@@@
ઘોઘો ઉતાવળમાં ફટફટ ઘરમાંથી નીકળી તો ગયો, પણ પછી યાદ આવ્યું કે પાકીટ ભૂલી ગયો હતો. ફટાફટ પાકીટ લેવા ઘરમાં આવ્યો... આવીને જોયું તો ઘોઘી સોફા પર બેઠી-બેઠી હાથમાં ઘોઘાનું પાકીટ રમાડતી હતી.
ઘોઘો ગુસ્સે થયો, "અક્કલ વગરની! ખબર હતી કે હું ઉતાવળમાં પાકીટ ભૂલી ગયો છું તો અવાજ દઈને કહેવાય ને કે પાકીટ રહી ગયું છે...! અને હજુ સુધી અહીં શું બેઠી છે?" ઘોઘીના હાથમાંથી પાકીટ ખેંચતા બોલ્યો, "લાવ પાકીટ લાવ અને ઘર ભેગી થા...!"
ઘોઘીએ પાકીટ ફિટ પકડી રાખ્યું હતું એટલે ઘોઘાના હાથમાં ના આવ્યું.
ઘોઘો: "અરે યાર, લાવ જલ્દી! મારે મોડું થાય છે."
આમ-તેમ પાકીટ શીખે ડોલતા-ડોલતા ઘોઘીએ કહ્યું, "અહં.... એમ ના મળે....!"
"અરે... એમ ના મળે તો કેમ મળે?"
ઘોઘીએ લાંબો લહેકો કરતાં કહ્યું, "પહેલાં હું પૂછું એનો જવાબ આપ! તો જ... આપું....!"
"અરે ભાઈ, શું જ્યારે ત્યારે 'જવાબ આપ, જવાબ આપ' મંડાણી છે? સવાલ પૂછ્યા સિવાય તારે બીજો કોઈ કામધંધો છે કે નહીં? ઘર ભેગી થા, નહીં તો હમણાં તારી મા 'ઘોઘી... ઘોઘી...' કરતી રાડો પાડતી પહોંચી આવશે..."
"એ ચિંતા તું ના કર હોં! હું પૂછું એનો જવાબ આપ અને કામ પર રવાના થા...!"
ઘોઘો ગુસ્સે થઈને બોલ્યો, "અરે અજીબ દાદાગીરી છે! આ તે કંઈ રીત છે તારી....?"
ઘોઘી પોતાના કપાળે હથેળી ઠપકારતા બોલી, "હે ભગવાન.... કેટલો.... કેટલો સમય બગાડે છે તું ઘોઘા...! આટલી વારમાં તો સવાલ-જવાબ પૂરા થઈ ગયા હોત."
ઘોઘાએ કંટાળીને કહ્યું, "બોલ બોલ હવે, માથું ના ફેરવ, જલ્દી બોલ...!"
"હંમ... અબ આયા ના ઊંટ પહાડ કે નીચે...! હા તો... ઘોઘા મને એ કહે કે તેં ગીતા કે મહાભારત વાંચ્યું છે...?"
ઘોઘો ચીડાઈને, "શું અર્થ છે હેં..! શું અર્થ છે આવા સવાલો પૂછવાનો...?"
"સવાલ સામે સવાલ નહીં ઘોઘા...." ઘોઘી પગ પર પગ ચડાવી પેતરા કરતાં બોલી, "વત્સ, તું વ્યર્થ અર્થમાં પડવાનું છોડ, બસ મેં પૂછ્યું એનો માત્ર ટૂંકમાં જવાબ આપ....!"
"ના..!"
"અરે, મેં તને જવાબ આપવાનું કહ્યું અને તું 'ના' પાડે છે..!"
હવે ઘોઘો ખરેખરો અકળાયો (તમારી જેમ જ!), અને અકળાઈને બોલ્યો, "અક્કલ વગરની, મને હેરાન ના કર... મેં તને તારા સવાલનો જવાબ જ આપ્યો છે... અને એ પણ તારા કહ્યા મુજબ ટૂંકમાં! હવે મને પાકીટ આપ અને મારી જાન છોડ!"
"ઓહ! ઘોઘા... હું સમજી કે તું જવાબ આપવાની ના પાડે છે. સોરી હોં, સોરી ઘોઘા, રિયલી સોરી... પણ એમાં આટલા ઘાંટા શું પાડે છે? સીધી રીતે નથી બોલાતું...!"
ઘોઘાને ઘોઘીના વાળ ખેંચવાનું મન થયું, પણ એવું ના કરતાં એણે માત્ર પાકીટ ખેંચવાનો પ્રયાસ કર્યો... પણ એના હાથ હેઠા પડી ગયા, કારણ કે... ઘોઘીએ પાકીટ બ્લાઉઝમાં સંતાડી દીધું! તેથી ઘોઘો લાચાર થઈ ગયો.
"ભાઈ, હવે તો તને સમજાઈ ગયું ને ઘોઘી? કે મેં 'ના' તારા સવાલના જવાબમાં જ કહી હતી...! યાર, હવે તો મને પાકીટ આપ, હવે તો મને જવા દે...!" ઘોઘો રીતસરનો કરગરવા લાગ્યો.
"આપું છું.. આપું છું.... મારી ભૂલ થઈ ગઈ કે મેં તને ટૂંકમાં જવાબ આપવાનું કહ્યું. હવે જરા એટલું કહી દે કે, શા માટે તેં ગીતા કે મહાભારત નથી વાંચ્યા....?"
"જો ઘોઘી, તું બહુ લાંબું કરે છે હોં..."
"જેટલા શબ્દો અને સમય આ 'બહુ લાંબું કરે છે' કહેવામાં તેં બગાડ્યા ને ઘોઘા, એટલા સમયમાં અને એટલા શબ્દોમાં તો તું મને મારા સવાલનો જવાબ આપી શક્યો હોત...."
ઘોઘો રીતસરનો રડું-રડું થઈ ગયો પણ રડવાને બદલે ચિલ્લાયો, "લાંબું.... લાંબું.... લાંબું... ખેંચતી જ જાય છે પણ લે...! બસ કર ઘોઘી, હવે બસ કર ...."
ઘોઘી હસતાં-હસતાં બોલી, "એ તારા જ હાથમાં છે.... ઝટ જવાબ આપ ને પટ રવાના થા.... બોલ, શું જવાબ આપવો છે?"
"તારે શું જવાબ આપવો એ પણ શું મારે જ કહેવાનું હેં ઘોઘા? સાવ ઘોઘો જ છે હોં તું! મારું કામ સવાલ કરવાનું હતું, મેં કર્યો. હવે જવાબ તારે આપવાનો છે! આપ!"
"અરે ઘોઘી, મારી ભૂલ થઈ ગઈ. મારે 'શાનો જવાબ આપવાનો છે' એમ બોલવાનું હતું એના બદલે 'શું જવાબ આપું' એમ બોલાઈ ગયું. આ તારી લપમાં હું તારો સવાલ પણ ભૂલી ગયો છું. હવે જલ્દી બોલ, મારે કઈ વાતનો જવાબ આપવાનો છે...?"
ફરી ઘોઘી રુઆબથી બોલી, "હં, અબ આયા ના ઊંટ પહાડ કે નીચે...."
"અરે પહાડની ક્યાં ખડકસ! યાર તું કહે તો તારા પગ નીચે આવી જાઉં પણ...."
ઘોઘાને વચ્ચે જ અટકાવી ઘોઘી ફરી વિગતે સવાલ યાદ કરાવે છે. ઘોઘો સખત અકળાય છે. "પણ ઘોઘી પણ મને...."
"પણ-બણ કંઈ નહીં! મેં તને પૂછ્યું હતું કે તેં ગીતા કે મહાભારત વાંચી છે કે નહીં? તેં કહ્યું 'ના...!' પછી તેં લાંબી-લચક લપ કરી, ને મેં તને લપ કરતાં અટકાવ્યો અને પૂછ્યું: શા માટે નથી વાંચી...?"
ઘોઘાને છૂટકારાની ઘડી નજીક દેખાઈ. "હા.. હા... યાદ આવી ગયું, યાદ આવી ગયું, બરાબર યાદ આવી ગયું...!"
"તો એમાં આટલું ઊછળી-ઊછળીને ત્રણ-ત્રણ વાર 'યાદ આવી ગયું' બોલીને શું કામ તારો ને મારો સમય બગાડે છે? પછી મોડું થશે તો મારા પર ખીજવાશે... એના કરતાં ટૂંકમાં..." ઘોઘીએ સુધાર્યું, "સોરી, સાવ ટૂંકમાં નહીં, જરા... બસ જરાક જ વિસ્તારથી જવાબ આપ ને....!" આમ કહી ઘોઘાને પાકીટ દેખાડ્યું.
ઘોઘાએ ઘડિયાળ સામે જોયું....
"ઘોઘા.. ઘડી-ઘડી ઘડિયાળ મત દેખ. જવાબ.... આપ જવાબ...."
"અરે.. યા...ર....! મેં કદી ગીતા કે મહાભારત નથી વાંચ્યા, કેટલી વાર કહ્યું...!" ઘોઘો ગુસ્સામાં સહજ ભાવે બોલ્યો હતો, તોય ઘોઘીએ જવાબ આપ્યો, "બીજી વાર! હવે એ કહે, શા માટે...?"
"યાર, શું વાંચવાનું હોય એમાં હવે...!" ઘોઘો પૂરો જવાબ આપવા જતો હતો ત્યાં ફરી ઘોઘી બોલી, "એ મને થોડી ખબર હોય કે શું વાંચવાનું હોય ને શું નહીં! નથી ખબર એટલે જ તો તને પૂછું છું..."
ઘોઘો બે હાથે પોતાનું માથું પકડીને, "યાર, પૂરી વાત તો કરવા દે!"
ઘોઘાની હાલત પર હસતાં-હસતાં ઘોઘી બોલી, "બધા એ જ ઈચ્છે છે! ચલ હવે પૂરું કર, શા માટે નથી વાંચી...?"
"અરે યાર એમાં..." પહેલાં વાળી ભૂલ કરતાં ઘોઘો અટકી ગયો અને સીધેસીધું કહી નાખ્યું, "જે વાતને સદીઓ વીતી ગઈ હોય, એ વાંચીને હવે કરવાનું શું? અને એમાં એવું છે પણ શું વાંચવા જેવું? કૃષ્ણની ગોપીઓ સાથે લીલા...! અને લીલાને બાદ કરતાં બાકી તો પીડા એ પીડા જ છે. અંદરોઅંદર લડવા-લડાવવાની રાજનીતિ, કૂટનીતિ ને યુદ્ધની પીડા.... તો એ વાંચવાની જરૂર ક્યાં? એ તો આજે પણ ઘર-ઘરમાં, દેશ-વિદેશમાં એમ જ ચાલે છે. પાત્રો બદલાયા છે, શસ્ત્રો બદલાયા છે."
"ઘોઘી, માત્ર પાત્રો ને શસ્ત્રો જ બદલાય છે! બાકી બધું જેમનું તેમ જ છે, જે આપણે સૌ રોજ-રોજ જોઈ જ રહ્યા છીએ ને...! રહી વાત લીલાની, તો એ તો હુંય કરું છું... પણ જો હું લીલા કરું તો લોકોને પીડા થાય છે! અને હું એવી ખોટી પીડા લેવા-દેવા નથી માંગતો!"
ઘોઘી અપલક, એકશ્વાસે બોલતા ઘોઘાને જોતી હતી, સાંભળતી હતી.... ત્યાં જ ઘોઘો, "લાવ... હવે પાકીટ લાવ!" આમ બોલતા ઘોઘીના હાથમાંથી પાકીટ ઝૂંટવી, ઘોઘો રીતસરનો દોડતો-દોડતો ઘરની બહાર ભાગી ગયો....
https://www.facebook.com/share/1CFUnGrMm8/



*બ્લાસ્ટ*
મારે તારું પાકીટ થાવું,
મારે તારો ટુવાલ થાવું.
"અનંત" અગર હું નાનકડું પર્સ (પાકીટ) હોત,
હોત હું પણ તારી છાતીની લગોલગ રે'ત.
અગર "અનંત" હું હોત ટુવાલ!
તો કરતે હું તને વ્હાલ,
અને તો રહેત તારા શરીર ફરતે અને
તારા આખાય શરીરને સુંવાળો સ્પર્શ કરતે!
"અનંત"
ઓલી કો'ક ઘોઘીએ વાંચી ને કહ્યું. 
ખરેખર પ્રિયે, "અનંત" ની આ કલ્પના અને ઘોઘીની એ ચબરાકી... અદભુત છે! 
 😊😘



















1 comment: