Thursday, 29 August 2024

તૂટવું પણ એક લ્હાવો હોય છે.



એ વખતે 

જ્યારે દાબ્યાં'તાં તેં 

મારાં કાંડા, 

બંગડીઓ નહોતી પહેરી મેં.

લાલ, લીલી, સોનેરી, જાંબલી...

બહુ શોખ હતો મને ખનખન કરતી

ઢગલો બંગડીઓ 

પહેરવાનો.

રાતે જ્યારે એ ખણકતી 

તો જાગી ઉઠતો મારો સ્વપ્નલોક

દીપી ઉઠતાં મારાં ઓછા ગોરાં ને ઓછા ભરાવદાર

કાંડા

પણ બંગડીઓને મારાં કાંડા

ગમ્યાં નથી બહુ !

ઊંચીનીચી થતી બંગડીઓ

ઝઘડ્યાં જ કરતી પરસ્પર

મને ક્યારેય નથી સમજાયું કે એ બધીઓને

શું વધુ ખટકતું'તુૃં?

મારાં કાંડા

કે એકબીજાનો સાથ?

ગમે તે રીતે એ બધીઓનું જાણે એક જ

લક્ષ્ય હતું

એકબીજાને તોડી પાડવી...

હું ખનકારમાં રાચતી 

ને બધીઓ

અથડાતી, લડતી, તૂટતી...

એક એક કરીને કે બે-ત્રણ ભેગી

પણ ધીમે ધીમે બધી 

તૂટી જતી

તૂટીને પડતી ત્યારે પણ

મનને ઝંકૃત કરતો ખનકાર કરવાનું

એ ભૂલતી નહીં

છેલ્લે જ્યારે એક, એકલી બંગડી રહી જતી

ત્યારે અમે ત્રણેય ગમગીન થઈ જતાં.

એકલા તો તૂટીય નથી શકાતું, નહીં !

થાકી હારીને આખરે એ પણ

એક ચીરો મૂકી દેતી પોતાના પર

મમ્મી કહેતી, નંદવાયેલી બંગડી ન પહેરીએ

પછી તો એનેય હું દૂર કરતી કાંડા પરથી

અને દૂર થવાની ક્ષણે

એ નંદવાયેલી બંગડીના બે ટુકડા થઈ જતા

માંહોમાંહ્ય લડી લડી

બંગડીઓ કદી ન થાકી

પણ હું ને મારાં કાંડા થાકી ગયાં

તારી હથેળીમાં ભીંસાઈને કદી તૂટી હોત

તો ખબર પડત બંગડીઓને

કે તૂટવું પણ એક લ્હાવો હોય છે.

#અણિજિષ્ણુ


https://www.facebook.com/share/p/n2xEffNfwYVnRscA/?mibextid=oFDknk


જેણે પણ લખી છે આ ઉતમ રચના, 

એનાજ નામ સરનામા સમેત મુકી છે.

આ લખનાર "અનંત" ના સપના મુજબ

અંદર બહાર થી આખેઆખી સ્ત્રી છે.

અર્થાત્ નખશીખ નારી... 

No comments:

Post a Comment