Sunday, 15 June 2025

मेरा खयाल रखना.



ઘોઘો આરામથી એજ એની આદત મુજબ સોફાયપર આંખો બંધ કરી માથા પાછળ હાથ રાખી સામે છેડે પગ લંબાવી લાંબો થઈને આરામ.. થી સૂતો હતો . 

છમ્મ છમ્મ છમ્મ છમ્મ..  છમ્મ છમ્મ છમ્મ છમ્મ.. કરતાં પગલાંનો અવાજ ધીએ ધીરે ઘોઘાની નજીક ને નજીક આવતો હતો .... એવું બંધ આંખે ઘોઘાને મહેસુસ થતું હતું. અચાનક  છમ્મ છમ્મ નો અવાજ થંભી ગયો.. 

બંધ આંખે જાગતો ઘોઘો પાછો જંપી ગયો . 

ત્યાંજ કમર માં કોઈએ ચોંટિયો ભર્યો હોય એમ ઘોઘો ઓહ ઓહ આહ એમ ઉહકારા કરતો સફાળો બેઠો થઈ ગયો.. 

" જ્યારે જુઓ ત્યારે સોફા પર લાંબો થઈને પડ્યો હોય છે આળસુનો પીર તેમાં" ઘોઘીએ આવતા વેંત ઘોઘાને ઘાઘલાવી નાખ્યો. 

ચચચરતી કમર પર હાથ ફેરવતા ફેરવતા ઘોઘાએ ગુસ્સે થઈ ઘોઘી ને કહ્યું.  

"સાવ આમ હોય અક્કલ વગરની માંડ મસ્તીની આંખ લાગી હતી અને ઓલી,,,,"

 આટલું બોલી ઘોઘો અટકી ગયો..  

"કોણ ? ઓલી એટલે કોણ..?" શંકાયેલી ઘોઘી એ ઘોઘાને પૂછ્યું. 

આંખ ચોરતા ચોરતા ઘોઘાએ ફેરવી તોડ્યું "તારા પહેલા એક તો ઓલી ભૂરી બિલાડીએ ખકડાટ કરી મારી ઊંઘ બગાડી હતી અને જ્યાં માંડ માંડ આંખ મીંચાણી ને એ આવી ને તરત,,," ઘોઘાએ ફરી લોંચા માર્યા. 

"શું કહ્યું.? માંડ માંડ આંખ મીંચાણી ને એ આવી ને તરત,,,? શું ? કોણ ? 

આમ શંકાયેલી ઘોઘીએ ગુસ્સે થઈ ઘોઘાની આંખ સામે તાકી ને પૂછ્યું. 



"નિંદર ઘોઘી નિંદર હું એમ કૌવ છું. કે  માંડ માંડ આંખ મીંચાણી ને આંખ અંદર ઓલી નિંદર આવી કે તરત મારી કમર પર કોકે, જો કે તે ચોંટિયો ભર્યો. આમ મનઘડત વાત ઘડી ઘોઘાએ ઘોઘીને હાથ પકડી પોતે થોડો આઘો ખસી ઘોઘી ને કહ્યું.  

"બેસ બેસ, આમ ઊભી ઊભી ઊભીજ રહીશ તો તું થાકી જઈશ."

"ખબર નૈ શું ને શું બોલે છે " મનોમન ઘોઘી બબડી. 

"ઘોઘા તારી બાજુમાં છેટી છેટી બેસી બેસીને આમ પણ હું થાકી ગઈ છું ." ઘોઘી ના અધૂરા અરમાન.... 

 ઘોઘાએ સાંભળ્યું ના સાંભળ્યું જો કે સમજ્યું ના સમજીને પાણિયારા તરફ નજર કરી કે તરત ઘોઘી ઊભી થઈ પાણિયારે ગઈ પાણી નો ગલાસ ભરી ઘોઘાના હાથમાં આપતા કહ્યું "લે પકડ ..!" ઘોઘી નો ગુસ્સો હાથ પર સવાર થયેલો હતો એવું પાણી નો ગ્લાસ જરા છલકી ગયો એના પરથી ઘોઘાને જો કે સમજાઈ ગયું. 


"પાણી સિવાય પણ બીજી કૈં કેટલીય તરસ છોકરીઓને હોય છે એ આ અક્કલ વગરનાને ક્યારે સમજાશે..?" 


આવું ઘોઘી મનોમન બબડી. અને ઘોઘાની નજીક ઘોઘીને સાવ અડી અડીને અકલે કે અડોઅડ ઘોઘાની બાજુમાં બેસવાની અતી ઝંખના હોવા છતાં ઘોઘી ઘોઘા ની બાજુમાં ઘોઘાથી થોડી છેટી બેઠી. અને ઘોઘા સામું જોઈ બોલી. 

"ઘોઘા હું તને માત્ર એટલું કહેવા આવી છું કે હું પંદર દિવસ માટે મારા માસી ને ઘેર જાઉ છું."

આટલું કહી ઘોઘી ઊભી થઈ ગઈ. 

છમ્મ છમ્મ છમ્મ છમ્મ..  છમ્મ છમ્મ છમ્મ છમ્મ..અવાજ  ઘોઘાને પોતાનાથી દૂર થતો જણાયો .. 

અચાનક જાણે ઘોઘો તંદ્રા માંથી જાગ્યો અને જોયું તો ઘોઘી દરવાજા સુધી પહોંચી ગયેલી. ઘોઘાએ તરતજ ઘોઘીને રોકવા કહ્યું . "અરે ઘોઘી એક મિનિટ, આમ આવતા વેંત થોડી જવાનું હોય?"

"બેસી ને પણ કશું ના થવા કરવાનું ન હોય તો બીજું શું કરવાનું .?" ગુસ્સા ભર્યું લજવાઈ આવું ઘોઘએ મનોમન ઘોઘાને કહ્યું. 

જો કે પછી દરવાજા પાસેજ ઉભી ને કહ્યું. 

બોલ ..! શું કામ છે ?

"ઘોઘી તું પંદર દિવસ માટે દૂર જાય છે "

કહેવાનું જે પણ હોય પણ "મારાથી"  એટલું બોલવામાં ખબર નૈ આનું શું જાય છે.

બોલવા ચાહે તો બોલી શકે કે, 

"ઘોઘી તું પંદર દિવસ માટે મારાથી દૂર જાય છે "

જો કે આવું બધુ ઘોઘી વાસ્તવમાં બોલી શકી નહીં તેથી મનમાં જ બબડી. 

" ઘોઘીએ પેની ઈચ્છા મુજબ ઘોઘો ન બોલ્યો એ ગુસ્સા સાથે ઘોઘાને કહ્યું. 

" હાં હું પંદર દિવસ દૂર જાઉ છું તો..?

" તો ઘોઘી મારે તને જ્યારે કોઈ દૂર જાય ત્યારે જે ન જતો હોય એ કહે એવું કાં'ક કહેવું છે."

"હેં હેં હેં શું ..?"  "આમ હેં હેં હેં કરતી ઘોઘી દરવાજેથી પાછી ઘોઘા પાસે આવી હેં શું કહ્યું..?" 

ઘોઘાએ ફરી દોહરાવ્યું. 

"ઘોઘી  મારે તને જ્યારે કોઈ દૂર જાય ત્યારે જે ન જતો હોય એ કહે એવું કાં'ક કહેવું છે."

 "ઘોઘા તું શું બોલે છે મને કાઈજ સમજાતું નથી."

"પણ ઘોઘી એ તો તારો વાંક કહેવાય ને ..?" 

ઘોઘીએ વ્યંગમાં કહ્યું. " હાં તારી એ વાત સાચી હોં ઘોઘા એ તો મારો જ વાંક કહેવાય ." 

ઘોઘાએ ભોળા ભાવે કહ્યું " તો પછી..!"  

" શું તો પછી શું તો પછી... 

ઘોઘા તારે જે કહેવું હોય એ સીધી રીતે સાફ સાફ અને જલ્દી કઈદે મારે મોડું થાય છે..? 

ઘોઘી  ગુસ્સે થઈ એટલે ઘોઘો થોથવાઈ ગયો થોથવાતા સ્વરે ઘોઘાએ ઘોઘીને કહ્યું . 

"સાંભળ ઘોઘી મારે તને જ્યારે કોઈ દૂર જાય અથવા જતુ હોય દૂર ત્યારે જે ન જતો હોય એ કહે એવું કાં'ક મારે તને કહેવું છે પણ, પણ એ લોકો જે જતાં હોય એને જે ન જતાં હોય એ જે કહેતા હોય અને એ જે રીતે કહેતા હોય છે એ રીતે કહેતા મને નથી આવડતું અકલે હું મારા ભાઈબંધ ના ભાઈબંધ ના ભાઈબંધ ના શબ્દો જે એને એની કોઈક ચહિતીને જ્યારે એ દૂર જતીતી ત્યારે જે કહેલું એ એનાજ શબ્દોમાં તને કહીશ. તો તને વાંધો ન હોય તો કહું... બોલ કહું ..?"

ઘોઘો ઍક સામટું અટપટું એટલું બધુ બોલ્યો કે ઘોઘીને એમાનું કાંય કરતાં કાંય સમજાયું નહીં એક માત્ર " ચહિતી" શબ્દ સિવાય અને કદાચ એ "ચહિતી" શબ્દને કારણે ઘોઘીને બીજું કાંય સંભળાયું નહીં. 

ઘોઘો ઘોઘી ના જવાબની રાહ જોતો હતો કે ઘોઘી હાં કહે તો કહું પણ ઘોઘી તો દરવાજા પાસે ચુપચાપ ઉભી ઉભી ઘોઘાના મોઢે "ચહિતી" શબ્દ સાંભળી મનોમન ભીતરથી બહાર સુધી માથાના વાળ થી પગની પાની સુધી ઝણઝણી ઉઠી હતી.  

આજ સુધી ઘોઘી, એ જાણી નહોતી શકી કે, આખરે ઘોઘાના મનમાં ઘોઘાના હ્રદયમાં પોતાનું સ્થાન ક્યાં છે ? કયું છે ? અને શું છે.? 

ગમે તે રીતે આજે ઘોઘાના મોઢામાં જેની યુગો યુગોથી રાહ જોતી હતી એ ચાહત ભર્યો શબ્દ "ચહીતી" ઘોઘાના મોઢે સાંભળવા મારા કાન તરસતા હતા એ શબ્દ  "ચહિતી" આજે ઘોઘાના મોંમાં આવ્યો છે. એટલે ઘોઘો જે બોલ્યો અને તેને જે સમજાયું ના સમજાયું એ બધી વાત પડતી મૂકી ઘોઘીએ ઘોઘાને પહેલા જે કહેવું હતું પૂછવું હતું એ પૂછી લીધું અને પછી પૂછીજ લીધું. 

"હેં ઘોઘા તારા ભાઈબંધ ના ભાઈબં નો ભાઈબંધ એટલે ઓલો "અનંત" જ ને ..?

હાં ઘોઘી મારી પાસે એ એની પાસે એ અને ઓલા પાસે અમે બે એ સિવાય બીજું કોણ છે ? કોઈ નથી એનું કે મારું .!

ઘોઘો જે મનમાં આવે એ બોલ્યે જાય છે એને ખબર નથી હોતી કે એના આવા શબ્દોથી કોઈને શું અસર થાય છે. 

ઘોઘાના આવા વેણ સાંભળી અનેક વાર ઘોઘી નું હૈયું ચિરાય છે એકાંતમાં ઘોઘાના આવા બધા વેણ યાદ કરીને ઘણીવાર ઘોઘીની આંખો ભીંજાય છે. ઘણી વાર હાં ઘણી વાર .... 

હવે પછી આ  ઘોઘા સાથે વાતજ નથી કરવી, હવે પછી આ ઘોઘાને ક્યારેય મળવું જ નથી.! સાવ કરતાં સાવ અક્કલ વગરનો છે. 

આવું બધુ અનેક વાર મનોમન નક્કી કર્યા પછી પણ ખબર નૈ કેમ મારુ સમગ્ર અસ્તિત્વ ઘોઘા તરફ ખેંચાય છે. ? 

આમ દરવાજે ઉભી ઉભી ઘોઘી મનોમન ઘોઘાને કોશે છે તેમ છતાં ખબર નૈ તે ઘોઘામાં કંઈક શોધે છે જે તેને મળતું નથી. 

ખૈર...    

ઘોઘો પોતે પહેલા શું બોલ્યો હતો એ ભૂલી ગયો હતો એટલે ફરી મનમાં ગોઠવતો હતો તેથી ઘોઘી શું પૂછ્યું એ થોડી વારે સમજાયું એટલે થોથવતા ગોઠવાતા કહ્યું. 

હં,હ હ હા,હા એજ ઘોઘી એજ ..!

ઘોઘી એ મનોમન લજવાતા મનમાં પૂછવા ધારેલું તે અંતે પૂછી નાખ્યું.   

"હેં ઘોઘા.! એટલે તું પણ તારા ભાઈબંધ ના ભાઈબંધ નો  ભાઈબંધ  જે કોઈને પોતાની ચહિતી માનતો હતો એમ તું પણ મને તારી " ચહિતી" માને છે ?"       

એવી બધી મને ખબર નથી થોડી વાર પૂરતું. તારે એવું માનવું હોય તો માની શકે છે. 

હવે તું કે તો હું પહેલા કહેવા ચાહતો હતો એ કહું. 

ચૂપ અને સુન્ન થઈ ગયેલી ઘોઘીની આંખો કોરી  હતી મગર ઘોઘી ભીતરથી ભીની ભીની થઈ ગઈ. ઘોઘી પોતાની તમામ સંવેદનાઓ ને સંકેલી ઘોઘી ધીરે ધીરે ઘોઘા પાસે આવી સોફા પર ઘોઘાની બાજુમાં બેસી ગઈ અને ઘોઘાને કહ્યું. 

"ઘોઘા મને નથી સમજાયું પહેલા તે જે કહ્યું એ માટે ફરી થી કે તું શું કહેવા માંગે છે ?" 

ઘોઘાએ બાજુમાં ટીપોય પર રાખેલી નોટબુક હાથમાં લઈ કહ્યું. 

સાંભળ ઘોઘી મારે તને જ્યારે કોઈ દૂર જાય ત્યારે જે ન જતો હોય એ કહે એવું કાં'ક કહેવું છે પણ, એ પણ એ લોકો જે જતાં હોય એને જે ન જતાં હોય એ કહેતા હોય અને એ જે રીતે કહેતા હોય છે એવુ કે એ રીતે મને કહેતા નથી આવડતું અકલે હું મારા ભાઈબંધ ના ભાઈબંધ ના ભાઈબંધ ના શબ્દો, જે એને એની કોઈક ચહિતીને જ્યારે એ દૂર જતીતી ત્યારે એને જે કહેલું એ એનાજ શબ્દોમાં હું તને કહીશ. જો એમાં તને વાંધો ન હોય, તો હું કહું, બોલ કહું .?"

અંદરથી ઉદાસ થયેલી ઘોઘીને ઘોઘાની અટપટી ઉટપટાંગ વાતો અને અક્કલ વગરના જેવી ભાઈબંધ ના ભાઈબંધ ના ભાઈબંધ ના જેવી એક ના એક અટપટી વાત સાંભળી મનમાં ગુસ્સો પણ આવતો હતો. ખબર નથી પડતી શું ને શું બોલે છે. આમ ઘોઘાના બોલવા પર ઘોઘી ને હસવું પણ આવતું હતું મગર ભીતરના તમામ ભેદ અને ચહેરાના ભાવ છુપાવી ઘોઘીએ ઘોઘાને કહ્યું.  " બોલ.."

ઘોઘાએ ઘોઘી સામે જોઈ ભાઈબંધ ના  ભાઈબંધ ના ભાઈબંધ ના શબ્દોમાં કહ્યું. 

ઘોઘી  "अनंत" तुम मेरा खयाल रखना. 

ઘોઘાની વાત સાંભળી ઘોઘી ગુસ્સે થઈ. 

ઘોઘાઆઆઅ... તું તારો ભાઈબંધ અને તારા ભાઈબંધ નો ભાઈબંધ પેલો અનંત...

તમે બધા સાવ કરતાં સાવ અક્કલ વગરના છો.! 

અરે કોઈ તમારા થી દૂર જતું હોય ત્યારે ગુજરાતીમાં ચાહે હિન્દીમાં કહેવું હોય તો એમ કહેવાય... 

"તારું સારી રીતે ધ્યાન રાખજે "

"तुम अपना अच्छे से ख्याल रखना" 

સમજ્યો અક્કલ વગરના ..

અને હાં ઘોઘા તું ને તારો ભાઈબંધ અને તારા ભાઈબંધનો ઓલો અક્કલ વગરનો ભાઈબંધ અનંત .. 

સ્વાર્થી છો તમે બધા જ સ્વાર્થી.... 

પાછા દૂર જનાર માથે પણ જવાબદારી નાખો છો અને બે શર્મ થઈ કહો છો કે, 

"अनंत" तुम मेरा अच्छे से खयाल रखना." 

પાછા અનંત નામ અને શબ્દ નો ઉપિયોગ કરી ને  અંત સુધી પોતાનું ધ્યાન રાખવા બાંધી લો છો.! 

નિષ્ઠુર ,સ્વાર્થી , બે શરમ... એમ કહી ઘોઘી સોફા પરથી ઉભી થઈ જાય છે...

ઘોઘાએ ઘોઘીનો હાથ પકડી હળવેકથી સોફા પર બેસાડી વ્હાલ ભર્યા સ્વરે કહ્યું. 

"અરે ઘોઘી એવું કશું નથી ..?"

ઘોઘી એ ગુસ્સે થઈ કહ્યું . "કેવું કશું નથી ..?"

" તું સમજે છે એવું કશું નથી ઘોઘી..." 

ઘોઘી એક વાત કૌ.? 

ઘોઘી ના જવાબની રાહ જોયા વગર ઘોઘાએ આગળ ચલાવ્યું. 

ઘોઘી ભાઈબંધે જ્યારે એની ચહિતી આ વાત કરી હતી ને ત્યારે એ પણ અસ્સલ તારી જેમ જ ગુસ્સે થઈ ગૈ તી... 

તો થાય જ ને.! "ઘોઘી ઘોઘા પર ગુસ્સે થઈ ફરી સોફા પરથી ઉભી થઈ છમ્મ છમ્મ કરતી ચાલતી પકડી... 

" પણ ઘોઘી તું સમજી નહીં." 

"તારી વાત માં સમજવા જેવુ છે શું..? "

જતા જતા પાછુ ફરી ઘોઘી બોલી. 

હાં ઘોઘી તારી વાત સાચી સાવ કરતાં સાવ સાચી છે. 

એકલે તો હું મારા ભાઈબંધ ના ભાઈબંધ ના ભાઈબંધ ની વાત દ્વારા એણે એની ચહીતીને જ્યારે એ તેનાથી દૂર જતી હતી ત્યારે કહ્યું હતું એ હું પણ તને એની જેમ એનાજ શબ્દોમાં કહેવા માંગુ છું...

ફરી ઘોઘાના મોઢે "ચહીતી" સાંભળી ઘોઘી ક્ષણભર ભીતરથી ઝણઝણી મગર પછી એક ઉંડા નીશ્વાસ સાથે મનમાં બોલી એ ક્યાં મારા માટે બોલે છે.!

જો કે એ વાતનો ગુસ્સો ઘોઘીના હોઠો પર પ્રગટે છે. 

"નથી સાંભળવું માર્રે કાંયજ તારૂ કે પછી તારા ભાઈબંધ ના ના ભાઈબંધ ના ભાઈબંધ ઓલા અનંતનું,બધા એક સરખા અક્કલ વગરના છો..!" 

" અર્રે ઘોઘી પણ પુરી વાત સાંભળ તો ખરી" એમ કહેતા ઘોઘાએ ઘોઘીને હાથ પકડી ખેંચી... 

" હજુ ક્યાં ભાઈબંધની વાત પૂરી થઈ છે કે તું આમ નારાજ થઈ ભાગે છે.!"

સોફા પરથી ઉભી થૈ રીસાઈને ભાગવા જતી ઘોઘાએ ઘોઘી ને સોફા પર બેસાડવા ખેંચી હતી પણ ઘોઘીએ આનાકાની કરતા થોડી ખેંચા ખેંચી થૈ પછી અચાનક ઘોઘીને શું વીચાર આવ્યો કે ઘોઘીએ પોતાનુ તન મનથી ઢીલું છોડી દિધું એ કારણે ઘોઘાએ ઘોઘીને જોરથી ખેંચી એમાં ઘોઘી ઘોઘાના ખોળામાં પડી અને ઘોઘીનો જટકો લાગ્યો એટલે ઘોઘો સોફા પર આડો થૈ ગ્યો અને ઘોઘી ઘોઘા ઉપર ચતી પડી... 

પડી તો પડી પણ પછી ઘોઘીને ઉભી થવાની ઈચ્છા ન થઈ ઘડી બે ઘડી નુ આ અવર્ણીય સુખ માંડ નસીબ થયું હતું. 

हम जब सिमट के आप की बाँहों में आ गए

लाखों हसीन ख़्वाब निगाहों में आ गए

हम जब सीमट के आपकी बाहों में आ गए 


https://youtu.be/iClAhZPOeuE?si=wVSXFdyooXcXhiti

ઘોઘી નુ માથુ ઘોઘાની છાતી પર હતુ અને ઘોઘીની બંને છાતી ઘોઘાની નામી પર... 

આ સ્થિતિમાં ઘોઘો પણ આખેઆખો ઝણઝણી ઉઠ્યો થોડી ક્ષણોમાં તો ઘોઘો જાણે બ્રહ્માંડમાં પહોંચી ગયો અને પછી પાછો સોફા પર આવી ઘોઘાએ ઘોઘીના બંને ખભા પકડી હળવેકથી પોતાની છાતી પરથી ઉઠાડી પોતે પણ હળવેકથી ઉઠીને સ્વસ્થ થઈ બેઠો મગર ઘોઘી થી થોડો છેટો. 

ઘોઘી તો ઘોઘાની છાતી પર માથુ ઢાળીને ચીરનીંદ્રા માં પોઢી જવાની ઝંખના સેવતી હતી પણ ઘોઘો., 

વર્ષો થી મનમાં સેવેલી મંછા મુજબ નો અવસર મળતા મનોમન લજવાતી ઘોઘીને ઘોઘાએ પોતાની છાતી પરથી હટાવી અકલે ગુસ્સે થઈ કહ્યું.! 

" કાયમ અધુરી વાત કરનાર આજે તું વાત પુરી કરવાં માંગે છે એમ..?" 

ઘોઘીને હળવેકથી બાજુ ખસેડી ઘોઘાએ કહ્યું. "હાં" 

ઘોઘાએ ઘોઘી ને પોતાના ખોળા પરથી ઉભી કરી એ આમેય ગમ્યું નહોતું એટલે ઉભી થઈ છમ્મ છમ્મ કરતી "તો કર.." એમ કહી ચાલતી પકડી... 

ઘોઘી તું દૂર જાય છે ભલે જા પણ 

"સાંભળતી તો જા ઘોઘી મારે તને જ્યારે કોઈ દૂર જાય ત્યારે જે ન જતો હોય એ કહે એવું કાં'ક કહેવું છે પણ, એ પણ એ લોકો જે જતાં હોય એને જે ન જતાં હોય એ કહેતા હોય અને એ જે રીતે કહેતા હોય છે એ રીતે મને કહેતા નથી આવડતું અકલે હું મારા ભાઈબંધ ના ભાઈબંધ ના શબ્દો જે એને એની કોઈક ચહિતીને જ્યારે એ દૂર જતીતી ત્યારે જે કહેલું એ એનાજ શબ્દોમાં તને કહી દૌ પછી તું તારે પંદર દિવસ નહીં એક મહિનો તારી માસી ના ઘેર રોકાજે બસ..!"

ઘોઘી દરવાજા આગળ ઊભી રહીને કહ્યુ. 

" ઘોઘા તારે જે કહેવું હોય ને એ જટ્ટ કૈ દે" 

"अनंत" मेरा खयाल रखना." 

એ તો તે પહેલાંજ કહી દિધું છે સ્વાર્થી... 

ઘોઘો બીજી લાઈન ભુલી ગયો... 

અકલે ઘોઘાએ સોફા ની બાજુમાં રાખેલ ટીપોય પર પડેલી નોટ હાથમાં લીધી તેમાંથી વચ્ચે સાચવી રાખેલા થોડા ઝરઝર્રીત કાગળીયા કાઢી ફંફોસ્યા તેમાંથી એક ફાટુ ફાટુ થતો કાગળીયો સાચવીને બહાર કાઠ્યો.. 

કોણ જાણે શુંય કહેવુ હશે એમ વીચારતી ઘોઘીને જાણવાની ઝંખના પણ હતી તેથી ઘોઘી દરવાજે ઉભી ઉભી ચુપચાપ ઘોઘાની મુંઝવણ ભરી હાલત અને હરકત બંને જોતી હતી. 

ફાટુ ફાટુ થતો કાગળીયો હાથમાં લઈ ઘોઘાએ દરવાજે ઉભેલી ઘોઘીને અપલક નજરે જોઈ કહ્યું. 

"સાંભળ ઘોઘી શબ્દો ભલે ભાઈબંધના હોય પણ," 

એમ કહી ઘોઘો અટકી ગયો. 

"પણ શું.? " ઘોઘી પુછ્યું. 

ઘોઘાએ કહ્યું. "એ કાંય નૈ તું સાંભળ" 

"તું તારે મજાથી તારી માસીને ઘેર જા પણ" 

"अनंत" तुम मेरा अच्छे से ख्याल रखना"

ऐसे जैसे मे तेरा ख्याल रखता हु अपने लिए। 

"अनंत" 

બીજી લાઈન નો ઊંડો ગુઢાર્થ ઘોઘી ને છેક ભીતર સુધી અસર કરી ગયો દરવાજે ઉભી ઉભી ઘોઘી પોતાના બે કાનની બુટ પકડી નીતરતી આંખે અપલક ઘોઘાને જોતી હતી.

મન તો ઘણુ થતું હતું દોડીને ઘોઘાને છાતી સરસો ચાંપવાનુ બસ ઘોઘો સામે જોવે એની રાહ હતી. 

પણ ઘોઘો તો નીચું ઘાલીને બુકમાંથી બહાર કાઢેવા ઝરઝર્રીત કાગળીયા  ફરી સાચવી સાચવીને  બુકમાં મુકી રહ્યો હતો. 

અને એમજ નીચું ઘાલીને બોલ્યો. 

"ઘોઘી મારે જે કહેવું હતું તે કહી દિધું હવે તું તારે જવુ હોય તો જા" 

મગર નીતરતી આંખે ઘોઘી હજુ કોઈ ઊંડી છુપી ઝંખના લૈને દરવાજે ઉભી હતી. 

ઘોઘો બુકમાં કાગળ મુકી એક બાજુના હાથ ટેકણ પર  માથા પાછળ હાથ રાખી પાછો સોફા પર સામેના હાથ ટેકણ પર પગ લંબાવી આડો પડી ગયો.... 

ડુસકુ નીકળી ન જાય એટલે ઘોઘીએ મોંં પર ઉપરા ઉપરી બંને હાથની હથેળી મુકી દિધી... 

છમ્મ છમ્મ છમ્મ છમ્મ નો ઝાંઝરી નો રણકાર ઘોઘાના કાનથી દૂર જેવો દૂર થયો તેવો ઘોઘો ઘાંઘો થઈ આસપાસ રૂમાલ શોધવા લાગ્યો.... 









    

 

No comments:

Post a Comment