Saturday, 27 December 2025

એવું કશું જ નથી હોતું.






અંતિમ પ્રેમ...

અંતિમ પ્રેમ પત્ર...

અંતિમ ક્ષણ

અંતિમ શબ્દ

અંતિમ સત્ય

અંતિમ શ્વાસ

અંતિમ જન્મ

અંતિમ મૃત્યુ

અંતિમ યાત્રા

એવું કશું જ નથી હોતું.

"તો કેવું હોય છે?"

દરવાજે ઊભા ઊભા જ ઘોઘીએ ઘોઘાને સવાલ કર્યો. આમ તો કાયમ ઘોઘી સીધી જ ઘોઘાના ઘરમાં આવતી રહેતી... આજે પણ એમ જ કાયમ માફક આવવા જતી હતી પણ, ના આવી, કારણ કે આંગણે આવતા જ ઘોઘીએ જોયું કે, આદત મુજબ સોફાને ટેકે માથું અઢેલી, સામે પડેલી ટીપોય પર ઘોઘો પગ લંબાવીને બેઠો હતો. ઘોઘાના હાથમાં જર્જરિત કાગળ હતો અને એ કાગળ ઘોઘો બોલી-બોલીને વાંચી રહ્યો હતો!

એ જોઈ ઘોઘી દરવાજે જ ઊભી રહી ગઈ અને સાંભળવા લાગી હતી. પણ, ઘોઘો જ્યારે "એવું કશું જ નથી હોતું" એ વાક્ય બોલ્યો એટલે ઘોઘીએ સવાલ કર્યો, "તો કેવું હોય છે..?"

ત્યારે ઘોઘાને ખબર પડી કે ઘોઘી ક્યારની આવીને દરવાજે ચૂપચાપ ઊભી હતી. ઘોઘી સામે જોઈ ઘોઘાએ કહ્યું, "શું કેવું હોય છે...!"

"અરે, તે હમણાં કાગળ વાંચતા-વાંચતાં અંતમાં કહ્યું ને કે..." એમ કહી ઘોઘી, ઘોઘો કાગળમાંથી જોઈને જે બોલેલો એ ફરી બોલી (ઘોઘીની યાદશક્તિ બહુ તેજ!). એ જ..! અંતિમ પ્રેમ, અંતિમ પ્રેમ પત્ર, અંતિમ ક્ષણ, અંતિમ શબ્દ, અંતિમ સત્ય, અંતિમ શ્વાસ, અંતિમ જન્મ, અંતિમ મૃત્યુ, અંતિમ યાત્રા... આવું કશું જ નથી હોતું.

આમ કહી ઘોઘી હળવેકથી સોફા પર ઘોઘાની બાજુમાં બેસી ગઈ. ઘોઘીનો સવાલ કાગળ સંબંધી હતો એ જાણી ઘોઘાએ કહ્યું, "અચ્છા... હા હા એ... એ તો આગળ કાગળ વાંચું પછી ખબર પડે ને!"

"હા તો વાંચને! પણ જલ્દી." ઘોઘી કાગળમાંની આગળની વાત જાણવા અધીરી થઈ ગઈ હતી. ઘોઘાએ કહ્યું, "હા વાંચું છું ભાઈ! પણ કંઈ ઉકલવું તો જોઈએ ને? એક તો કાગળ જૂનો ને જર્જરિત અને ઉપરથી ગરબડિયા અક્ષર!"

"હા પણ તારી પાસે આ કાગળ આવ્યો ક્યાંથી, પહેલાં તું મને એ કહે."

"ભાઈ, એ તો આપણો ભાઈબંધ કાલે રાતે આવેલો અને અમે બંને સાથે બેસીને આપણા ભાઈબંધના ભાઈબંધનો કાગળ ઉકેલતા હતા. પણ પછી એને ઊંઘ આવવા માંડી એટલે એ આ કાગળને તકિયા નીચે મૂકી ચાલ્યો ગયો... અને પછી હુંય સૂઈ ગયો... ખોટું શું!"

"'હુહ', બેઉ સરખા ઊંઘણસી! કોણ જાણે કેટલા ભવના ઉજાગરા આંખમાં લઈને જાગો છો ખબર નહીં." ઘોઘી છણકો કરતાં ઘોઘાને વઢી. ઘોઘાએ આંખો ચોળતા ચોળતા કહ્યું, "લે તો સવાર પડ્યે ઊંઘ તો આવે જ ને!"

"હા હવે બહુ લપ ના કર અને કાગળમાં આગળ શું લખ્યું છે એ વાંચ! પછી ચા લઈ આવીશ."

"તો પહેલાં લઈ અવાય ને!"

"લઈ જ આવી હતી."

"તો ક્યાં છે લાય?"

"મારા પેટમાં."

"પણ રોજ તો તું કપ-રકાબીમાં ચા લઈ આવે છે!"

"અક્કલ વગરના સાવ ઘોઘો જ છે તું..!"

"હા હા ખબર છે, તું બહુ હોશિયાર છે એ!"

"હા, પણ તો એટલી ખબર ના પડે કે કોઈ પેટમાં ચા લઈને થોડી ના આવે!"

"લે પણ હું ક્યાં એમ કહું છું? એ તો મેં ચા ક્યાં, એમ તને પૂછ્યું ત્યારે તેં જ તો કહ્યું કે 'મારા પેટમાં'."

"ડોબા! હું ચા લઈને જ આવેલી પણ તું કાગળિયો વાંચતો હતો એટલે હું તને સાંભળવા ઊભી રહી ગઈ. પછી મેં વિચાર્યું કે આમેય ચા ઠરી જશે એના કરતાં અત્યારે હું ચા પી જાઉં, પછી તારા માટે પાછી ગરમાગરમ ચા લેતી આવીશ. એમ વિચારી તારી ચા હું પી ગઈ, એટલે મારા પેટમાં વઈ ગઈ!"

"હા તો જા હવે પહેલાં મારા માટે ચા લેતી આવ...!"

"અહં, પેલા કાગળ આગળ વાંચ! પછી કરજે ચાની વાત...!"

"ના! એક તો આમેય ઉકલતું નથી અને હવે તો સાવ નહીં ઉકલે ચા પીધા વગર..."

ઘોઘીએ પોતાની નાજુક આંગળી અને અંગૂઠો ભેગા કર્યા અને ઘોઘાની સાથળ તરફ લઈ ગઈ. ઘોઘાએ ઘોઘીના ચીંટિયાના ચચરાટના ડરને કારણે આઘા ખસતા કહ્યું, "અહહ રહેવા દે... રહેવા દે ઘોઘી... તું આ તારો હાથ છેટો રાખ!" એમ કહેતા તેણે ઘોઘીનો હાથ પકડી ખસેડી લીધો.

"હા તો પહેલાં કાગળ વાંચ!"

"વાંચું છું શાંતિ રાખ, રાડો ના નાખ!" અને પછી ઘોઘો અટક્યો હતો ત્યાંથી શરૂ થયો. (જો કે ઘોઘીએ જ વચ્ચે સવાલ કરીને અટકાવેલો નહીં તો તારે કે મારે આટલું ખેંચાવું ના પડત).

"હા તો, આવું કશું જ નથી હોતું."

"કેવું કશું જ નથી હોતું?"

"લે પણ, એ જ તો ઉકેલું છું."

"એમ અડધેથી નથી ઉકેલવું, પહેલેથી વાંચ!"

ઘોઘીએ આદેશ કર્યો એટલે ઘોઘો ચૂપચાપ વાંચવા માંડ્યો.

"આ શું ઘોઘા, તું ખાલી હોઠ ફફડાવે છે?"

"વાંચું છું, કેમ?"

"હા, પણ જરા ઊંચા અવાજે મને સંભળાય એમ તો વાંચ!"

"જો ઘોઘી, તને કહી દઉં છું, તું મને બહુ પરેશાન ના કર, કોઈ પણ એક વાત કર."

"એક જ વાત તો કરી કે તું કાગળ વાંચ!"

"હા તો એ જ તો કરતો હતો!"

"પણ મને સંભળાય એમ!"

"જો વળી... ઘોઘી ઘડીક તું કહે છે ચૂપચાપ વાંચ, ઘડીક કહે છે ઊંચા અવાજે વાંચ!"

"ઓહો, જાણે મારી બધી વાત તું કાયમ માને છે કેમ!"

"હા તો તું ચીંટિયાનો ડર બતાવે તો હું શું કરું, માનું જ ને!"

અંતે ઘોઘી કંટાળી અને કહ્યું, "ભૂલ થઈ ગઈ બાપ! હવે એક જ વાત કહું છું ધ્યાનથી સાંભળ. તું કંઈ બોલમા, બસ તું મને સંભળાય એ રીતે આ ક્યારનો હાથમાં ઝાલીને બેઠો છે એ કાગળ પહેલેથી વાંચ, બસ!"

"હા પણ તો તું પણ વચ્ચે કંઈ બોલજે નહીં કે ના સવાલ કરજે." શરારતી ઘોઘાએ પણ શરત રાખી અને ઘોઘી માની ગઈ. ઓકે કહી ઘોઘાએ ફરી પહેલેથી શરૂ કર્યું:

અંતિમ પ્રેમ...

અંતિમ પ્રેમ પત્ર ...

અંતિમ ક્ષણ

અંતિમ શબ્દ

અંતિમ સત્ય

અંતિમ શ્વાસ

અંતિમ જન્મ

અંતિમ મૃત્યુ

અંતિમ યાત્રા

આવું કશું જ નથી હોતું.

"તો કેવું હોય છે...?" સવાલ થયો, ઘોઘી ભૂલથી વચ્ચે બોલી ગઈ. ઘોઘો તેની સામે ક્ષણભર તાકી રહ્યો અને પછી ચૂપ થઈ ગયો.

"સોરી... સોરી... સોરી..." એક કાન પોતાનો અને બીજો ઘોઘાનો પકડી ઘોઘીએ માફી માંગી. "પ્લીઝ ઘોઘા, આજે કાયમની માફક તું અધૂરું ના છોડતો."

"હા, ક્યારેક આપણે ધારી લઈએ છીએ, ક્યારેક માની લઈએ છીએ, ક્યારેક જાતે તો ક્યારેક કોઈ કહે ત્યારે... પણ અંતિમ કશું જ હોતું નથી. ના અંતિમ પ્રેમ, ના અંતિમ પ્રેમ પત્ર, ના અંતિમ ક્ષણ, ના અંતિમ શબ્દ, ના અંતિમ સત્ય, ના અંતિમ શ્વાસ, ના અંતિમ જન્મ, ના અંતિમ મૃત્યુ, ના તો અંતિમ યાત્રા..."

ઘોઘો હવે કાગળમાં જોઈને એકધારો આગળ બોલે છે. "હું આજે નક્કી કરું કે હવે પછી હું ક્યારેય જૂઠું નહીં બોલું."

"છતાં તું તો રોજ બોલે જ છે ને!" ઘોઘી વચ્ચે બોલે છે, પણ ઘોઘો તેની વાત પર ધ્યાન આપ્યા વગર સળંગ વાંચે છે.

"હું આજે બોલ્યો કે બોલાઈ ગયું એ 'અંતિમ જૂઠ'... પણ તો પણ હું જૂઠ બોલીશ. મારી કોઈ મજબૂરી યા તો લોકો મને જૂઠ બોલવા મજબૂર કરશે. 

અકલે હું જીવતો હોઈશ તો પણ હું મરી જઈશ... 

"અનંત" મગર મર્યા પછી પણ હું જીવતો રહીશ ...

ઘોઘીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. કાંપતા હોઠે તે બોલી, "ઘોઘા... તું શું બોલે છે, કેમ તું આજે આવું આવું બોલે છે!" ઘોઘો લગીરે ઘોઘી તરફ જોતો નથી, બસ કાગળમાં માથું ઘાલી અવિરત વાંચે છે.

"હજારો વાર, લાખો વાર, કરોડો વાર હું મરીશ મનથી. સેંકડો મરે છે, જીવે છે એ જ રીતે મનથી. શરીરની વાત તો હું સાવ છેલ્લે કરીશ. હજુ પ્રેમ બાકી છે, હજુ પ્રેમ પત્ર બાકી છે, હજુ ક્ષણ બાકી છે, હજુ શબ્દ બાકી છે, સત્ય બાકી છે અને હજુ શ્વાસ બાકી છે... એ પ્રેમ જે પ્રથમ હોય છે, કોઈને પણ કોઈની પણ સાથે, અને બસ એ જ પ્રેમ અંતિમ છે, એવું કોઈ માને તો માને, હું નથી માનતો."

ઘોઘીના મનમાં ફાડ પડે છે, તે કંઈક પૂછવા માંગે છે પણ કંઈ બોલી શકતી નથી. ઘોઘો તલ્લીન છે:

"ડાળી પર કોઈ ફૂલ અંતિમ ફૂલ નથી હોતું. ડાળી પર રોજ અનેક ફૂલ ખીલે છે અને ખરે છે, ફરી નવા ફૂલ ખીલે છે. એ જ રીતે પ્રેમ પણ ક્યારેય અંતિમ નથી હોતો, તો પછી પ્રેમ પત્ર અંતિમ કેવી રીતે હોઈ શકે? કોઈ પણ ક્ષણ અંતિમ કેમ હોઈ શકે? એક પછી એક ક્ષણ જન્મે છે, હરેક ક્ષણ અલગ અલૌકિક અનુભૂતિ અને નવો જ અનુભવ દઈને જાય છે. શબ્દો પણ ક્યાં કદી ખૂટે છે? અનંતકાળથી ગ્રંથો લખાઈ ચૂક્યા છે અને લખાતા જ રહેશે. હરેક શબ્દ બ્રહ્મ! કોઈ પણ શબ્દ અંતિમ નથી."

"અને એ સત્ય જેને લોકો અંતિમ માને છે... કોઈ પણ સત્ય અંતિમ સત્ય નથી જ. તે પણ નહીં, આ પણ નહીં. સત્ય પળ પળ બદલાતું હોય છે, પણ અંતિમ હોતું નથી. અને રહી વાત શ્વાસની, તો એ તો અવિરત ચાલે છે, અનંતકાળથી... શરીરમાં રહીને પણ અને શરીરથી છૂટીને પણ."

પ્રેમ અનંત છે...

પ્રેમ પત્ર અનંત છે...

ક્ષણ અનંત છે...

શબ્દ અનંત છે...

સત્ય અનંત છે...

શ્વાસ અનંત છે...

જન્મ અનંત છે...

મૃત્યુ અનંત છે...

યાત્રા અનંત છે...

"સમજાય એટલું તું સમજ આ જન્મ અનંત... ના તો મૃત્યુ અંતિમ હોય, ના જન્મનો અંત. સાલું આ શું લખ્યું છે? ઉકલતું નથી..." ઘોઘો સ્વગત બોલ્યો. થોડું મથ્યા પછી ફરી તેને ઉકલ્યું.

"હમ, અંત તરફ આગળ વધતાં ભાઈબંધે લખ્યું છે કે - ચાલ 'અનંત' હવે તું અંતહીન અંતિમ યાત્રા માટે તૈયાર થઈ જા..."

ઘોઘો કાગળના અંતે ઝાંખા પડી ગયેલા અક્ષરો ઉકેલવા મથતા ફરી અટક્યો. "લે ઘોઘી, આ જો તો જરા, તને આમાં કંઈ ઉકલે છે?" એમ કહી તેણે કાગળ ઘોઘી તરફ ધર્યો. છેક ત્યારે તેણે જોયું કે ઘોઘી તો ક્યારની ઘોઘા સામે તગતગતી આંખે તાકીને તાકી ને જોતી હતી અને રડતી હતી.

બ્લાસ્ટ :-

પીળા પડી ચૂકેલા ઝાંખા કાગળના અંતમાં લખ્યું હતું:

હે "અનંત", હોય છે બધું જ અનંત... શરૂઆત પણ ક્યાં શરૂઆત હોય છે? ના અંતિમ અંતિમ હોય છે, ના શરૂઆત શરૂઆત હોય છે!

"અનંત"

આ પણ અંત નથી, છતાં અંતમાં એટલું જ કહેવાનું કે હોય છે બધું હોય છે અનંત.! 

શરૂઆત જેવું કંઈ નથી કે નથી હોતુ કંઈ અંત કે અંતિમ જેવું હોય છે "અનંત" બધું હોય છે. "અનંત" 

"અનંત"

https://www.facebook.com/share/p/189UUfDYdo/


No comments:

Post a Comment