Tuesday, 5 May 2026

પછી તો જો કે ઘોઘી ને નાક ઉગી ગયુ...



ઘોઘી ઘોઘાના ઘેર ચાય લઈને ગઈ,

ઘર ખુલ્લું પણ ઘોઘો ઘરમાં નૈ...

થોડી વાર પછી ફરી ગઈ ઘરમાં ડોકિયું કરી જોયું, હજુય આવ્યો નૈ...

કોણ જાણે ક્યાં ગયો હશે ઘોઘો, ખબર નૈ...

ક્યાં જાય છે, ક્યારે આવશે, કહીને જવાની તો ખબર જ ના પડે!

ગયા પછી આવવાના ઠેકાણા ના હોય...

એટલીય ભાન નથી પડતી કે કોઈ રાહ જોતું હોય...

ઘોઘાના ઘર કને ઊભી ઊભી મનોમન ધુવાફુવા થતી ઘોઘી, આમ બબડતી હતી...

ઘોઘી બે ત્રણ વાર ચક્કર મારી ગઈ, ઘોઘો દેખાયો નૈ...

અંતે કંટાળીને ઘોઘી ઘર ભેગી થઈ ગઈ...

અને ઘોઘો આવ્યો...

ઘોઘાને અગમના એંધાણ આગોતરા જ થઈ ગયેલા...

હાં હાં થાય, ક્યારેક એવું થાય કે,

અચાનક માણસની છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થઈ જાય...

અને આવનારી ક્ષણમાં શું થવાનું છે એ ખબર પડી જાય!

ઘોઘાને એવું જ થયું...

જોકે આવું કઈ કારણ વગર તો ના જ થાય એ પણ હકીકત છે.

ઘોઘો જાણતો જ હતો, કહ્યા વિના આવવું-જવું ઘોઘીને પસંદ નથી...

છતાં આદતથી મજબૂર ઘોઘો, કહેવાનું કાયમ ભૂલી જ જાય!

તો એમાં એનો શું વાંક હેં...!

આજુબાજુ નજર કરી ક્યાંક ઘોઘી છુપાઈને ઊભી તો નથી ને?

ઘોઘી દેખાણી નૈ એટલે આ ભૈ... ઝડપથી ઘરમાં ઘૂસીને...

એ જ જર્જરિત સોફા પર બંધ આંખે, સામે પડેલી ટીપોય પર પગ લંબાવી,

આરામથી, બંને હાથ માથા પાછળ રાખી બેસી ગયો...

પણ સાથળ પર તકિયો રાખીને... જોખમ હતું!

સાથળ પર ગમે ત્યારે હુમલો થઈ શકે એમ હતું...

જ્યારે ઘોઘી ગુસ્સે થાય ત્યારે...

ઘોઘીની પાતળી નાજુક આંગળીના તીક્ષ્ણ ચીટિયાનો શિકાર...

આખરે ઘોઘાની સાથળ થતી!

ઘોઘાની હરકતોની સજા કાયમ ઘોઘાની સાથળને મળતી...

એટલે તો ઘોઘાએ અગાઉથી જ અગમના એંધાણને પારખી,

સાથળ પર તકિયો રાખી દીધો હતો.

પર "હોની તો હોકર હી રહેતી હૈ"...

અને ઘોઘી પગ પછાડતી આવે છે...

છંમ, છંમ, છંમ ઘોઘીના પગની પાયલ બાજે છે...

સીધી જ ઘરમાં ઘૂસવાને બદલે ઘોઘી દરવાજે અટકે છે...

આંખો બંધ કરી આરામથી બેઠેલા ઘોઘાને, ઘોઘી દરવાજે ઊભીને જુએ છે.

ગુસ્સાની મારી હોઠ ભીંસે છે...

ઘોઘો હલ્યા-ચલ્યા વિના જાણે ભર નીંદરમાં હોય એમ બેઠો છે...

પણ અંદરખાને ફફડે છે!

તેથી એક આંખ જરીક ઝીણી કરીને જુએ છે,

ઘોઘી દરવાજે ઊભી છે એ જોયું...

ઘોઘીનું રૌદ્ર સ્વરૂપ જોઈને ઘોઘો ફરી બેઉ આંખ જોરથી ભીંસે છે,

જેમ ઘોઘીએ હોઠ ભીંસ્યા છે એમ...

ઘોઘીના ઝાંઝરના ઝંકારે ઘોઘાનું હ્રદય ઝંકૃત થવાને બદલે...

ભયનું માર્યું ધડક ધડક થાય છે, મનમાં ફડક પેસી જાય છે!

પણ સાથળ પર તકિયો દાબ્યો હોય, મનમાં એટલી રાહત છે કે—સાથળ પર વાર નૈ થાય...

અને ઘોઘી એક પણ શબ્દ બોલ્યા વિના વાવાઝોડાની જેમ આવી,

અને આવીને સીધી જ ઘોઘાના બંને ગાલ પર વ્હાલ વરસાવે છે...

વ્હાલ અર્થાત... ઘોઘાના બે હાલ!

ઘોઘી બે હાથે બધી આંગળીઓ વડે ઘોઘાના ગાલ પકડીને,

જોરદાર ચીટિયા ભરીને ઘોઘાને ઝકઝોરે છે...

સોફા પરથી પડું-પડું થતો ઘોઘો...

ઘોઘીના બંને હાથ પકડી જાતને સંભાળતા,

પોતાના ગાલને છોડાવવા મથામણ કરતાં થોથવાતા સ્વરે ઘોઘીને કહે છે...

"અરી... ઓ, ઓ, આ, આ, ઇ, ઇ.... પ,પ,પણ ઘોઘી... મ,મ. મારો વ,વ, વાંક શ,શ શું છે... અ, એ, તો કે'!"

ઘોઘી કારણ નથી આપતી...

ઘોઘો જેમ જેમ છૂટવા મથે છે તેમ તેમ...

ઘોઘીની ઘોઘાના ગાલ પરની પક્કડ વધુ મજબૂત થાય છે...

પીડાના માર્યા ઘોઘાના ઉહકારા ચાલુ છે, ઘોઘીનું મોઢું બંધ છે!

પણ ગુસ્સાના માર્યા હોઠ ખુલી જાય છે...

અને અચાનક જાણે આકાશવાણી થાય છે...

જાણે "આકાશ" માંથી...

ચારે કોરથી અનેક ઘોઘીઓના અવાજ પડઘાય છે...

"બરોબર છે, બરોબર છે... એ જ લાગનો છે... છોડજે નૈ આજે તો...

નક્ટો, નાલાયક, વાયડીનો, લુચ્ચો, સ્વાર્થી... એ જ લાગનો છે... છોડજે નૈ!"

પછી શું થયું એ મને ખબર નથી હોં..

કૈ દઉં છું...

https://www.facebook.com/share/p/1CqiNQyyqY/





No comments:

Post a Comment