Sunday, 7 June 2026

લપાઈ છુપાઈને બહુ જોયું.!

 ઘોઘી અને ઘોઘો: બેમતલબની બબાલ

ઘોઘી... ઓ,ય..... ઘોઘી...

"ભીતર આઈ જા હવે..."

"ચલ, લપાઈ છુપાઈને બહુ જોયું, અંદર આઈ જા..."

સોફા પર આડા પડેલા ઘોઘાએ આળસ મરડી, બેઠા થઈને દરવાજા પાસે ઊભેલી ઘોઘીને અંદર આવવા કહ્યું.

અધખુલ્લા દરવાજે ઊભી ઊભી, ઊંઘતા ઘોઘાને છુપાઈને જોતી ઘોઘી, જાગતી ઝડપાઈ ગઈ... બે અર્થમાં.

અર્થાત્: (૧) ઘોઘો જાગતો નીંદમાં. (૨) ને જાગતી ઘોઘી ઊંઘમાં.

અને પછી, બંને વચ્ચે, બે મતલબની બબાલ શરૂ થઈ.

પગ પછાડતી ઘોઘી અંદર આવી. વાત બદલાવી, ગુસ્સે થઈ બોલી: "ઘોઘા... તું જાણ્યા-જોયા વિના જે મનમાં આવે એ ના બોલ હોં... પછી મને તારા પર બહુ ગુસ્સો આવે છે..."

"જાણવાનું શું હોય એમાં ઘોઘી... જે જોયું એ જ તો કહ્યું..."

"શું જોયું, શું જોયું તે હેં બોલતો?" ઘોઘાનો કાઠલો પકડી ઘોઘીએ ગુસ્સે થઈ કહ્યું.

પોતાના કાઠલાને ઘોઘીના નાજુક પંજામાંથી છોડાવતા ઘોઘાએ કહ્યું: "શું જોયું શું! મેં એ જ જોયું કે તું મને છુપાઈને જોતી હતી."

"અક્કલ વગરના...... હું શા માટે તને છુપાઈને જોઉં! જ્યારે કે તું સતત સામે હોય... હોય નૈ... છે જ! તો પછી! છુપાઈને કેમ?"

"અરે પણ... હું શા માટે તને છુપાઈને જાઉં! ઘોઘા, હું તો એટલા માટે બહાર ઊભી હતી કે..."

ઘોઘી જુઠ્ઠો ખુલાસો પૂરો કરે એ પહેલાં જ ઘોઘાએ કહ્યું: "લે, બોલ...! એ મને શું ખબર કે તું શા માટે મને છુપાઈને જુએ."

"અરે...."

"મેં તને પૂછ્યું નથી... હું તને કહું છું!"

"શું...?"

"અરે પણ શું! શું! પૂરું સાંભળવું તો છે નૈ તારે..."

"જા જા હવે, બેઉ કાન ખુલ્લા છે મારે...."

"તારે એક જ કાન હોવો જોઈતો હતો..."

"હે, એવું..!"

"તારી માફક એક આંખે જોવા જેવું નૈ...."

"શું બોલે છે તું કંઈ ખબર નથી પડતી...."

"સીધું જ તો કહું છું લે પણ, જેમ તું અધખુલ્લા દરવાજે ઊભી મને એક આંખે જોતી હતી એમ જ ને..!"

"અરે પણ હું તને જોવા નહોતી આવી... કે ના તો છુપાઈને તને જોતી હતી, અક્કલ વગરના, પૂરી વાત તો સાંભળ...."

"ના પૂરું બોલવું, ના સાંભળવું... જે મનમાં આવે એ બાફવું... કાચું તે નૈ ખાવાતા હોય કંઈ..."

"હાં હાં હવે... એ તો ખબર છે બધી..."

"હાં તો પછી, છુપાઈને એક આંખે કેમ જોતી હતી.."

"અરે... પણ..."

"પણ-બણ કંઈ નૈ, અંદર આવીને જુએ કે બહાર ઊભી છુપાઈને, એક આંખે જુએ કે બંધ આંખે... હું દેખાતો હોઈશ એટલો જ દેખાઈશ, સમજી! કદાચ બંધ આંખે પૂર્ણ....."

"ક્યાંથી ક્યાં વાત લઈ જાય છે ખબર નથી પડતી!"

હું આ અક્કલ વગરનાને સૂતેલો જોઈ, તેની ઊંઘ ના બગડે એટલા માટે અંદર ના ગઈ... અને હજુ ઘેર પાછું જવાનું વિચારતી હતી ને અક્કલ વગરનો જાગી ગયો... બસ મને દરવાજે ઊભેલી જોઈ ગયો અને... ઘોઘી મનોમન આવું બબડે! એનાથી ભલા ઘોઘાને શું ફરક પડે! એ તો માથા પાછળ હાથ રાખી, ટીપોય પર પગ લંબાવી બસ બોલ્યે જાય છે... શું વાત હતી, શું નહીં, એ કંઈ નૈ... બસ મનમાં જે આવ્યું એ બોલ્યે જાવું એ જ એની મસ્તી...

ઘોઘી ઘોઘા સામે ક્યારની ઊભી છે, પણ બકબક કરતો ઘોઘો ઘોઘીને બેસવાનુંય નથી કહેતો... અંતે ઊભા ઊભા અકળાઈ ગયેલી ઘોઘીએ ટીપોય પરથી ઘોઘાના બેઉ પગ ઉપાડી ઝટકા સાથે નીચે મૂક્યા અને બોલી: "અક્કલ વગરનો તેમાં! પોતે તો આરામથી બેઠો છે! હું ક્યારની સામે ઊભી છું તો બેસવાનું પણ કહેતો નથી..."

આમ બોલી ઘોઘી ઘોઘા સામે, ટીપોય પર ધબ્બ દઈને બેસી ગઈ.

ઘોઘો કહે: "ઘોઘી... તૂટી જશે હો..! ખાવાપીવા એક ટીપોય છે, સાચવજે નૈ તો પછીથી, ચાય કે ભોજનની થાળી તારા ખોળા પર રાખવી પડશે..."

ઘોઘાની વાત સાંભળી ઘોઘીને ટીપોય તોડી નાખવાની ઈચ્છા થઈ આવી... મનોમન કલ્પના કરી કેવી મજા આવે જો એવું થાય....

થોડી ક્ષણ બબાલ ભૂલી ઘોઘી ઘોઘા સામે ટગર ટગર જોવા લાગી...

વાત કરતા કરતા ઘોઘો ઊભો થઈને ખુલ્લી બારી પાસે જતો રહ્યો... બારીમાંથી ખુલ્લા વિશાળ આકાશને અને આકાશી તેજને તાકી રહ્યો...

બારી પાસે આકાશ સામે જોઈને ઘોઘો બોલ્યે જતો હતો: "ઘોઘી, ક્યારેક બારી-દરવાજા બંધ કરી, કોઈ એકાદ ઝીણા છિદ્રમાંથી બહાર જોજે..! તને વિશાળ ખુલ્લું આકાશ દેખાશે... 'ને બંધ આંખે દેખાશે બ્રહ્માંડ.... પણ ઘોઘી, બંધ ઘરની બહાર થોડે જ દૂરથી જોજે..! તને એ ઝીણું છિદ્ર પણ નૈ દેખાય...."

હવે તો ઘોઘી બાકી બધી બબાલ સાવ ભૂલી ગઈ. ઘોઘાના સોફા સામે પડેલી ટીપોય પર બેઠેલી ઘોઘી, અપલક એક ધ્યાને એકધારું બોલતા ઘોઘાને સાંભળતી હતી..

ઘોઘો વાત કરતા કરતા ક્યારે ખુલ્લી બારી પાસે ગયો, ઘોઘીને ખબર ના રહી... બારીની બહાર "આકાશી તેજ" તરફ તાકતો ઘોઘો અંતે ચૂપ થયો... અને સન્નાટો....

થોડીવાર ઘોઘીને ઘોઘો સાવ પાસે છે એવો ભાસ થયો... એ હદે ઘોઘી ઘોઘામાં કે પછી તેની વાતોમાં, ખબર નૈ, તલ્લીન થઈ ગયેલી...

ઘોઘી તંદ્રામાંથી જાગી... જોયું તો ઘોઘો પાસે પણ ના હતો અને સામે પણ ના હતો.... એ તો હજુ બારી પાસે ઊભીને આકાશને તાકી રહ્યો હતો...

ઘોઘીના મનમાં ઊંડે ઊંડે ઘોઘાના શબ્દો પડઘાતા હતા...

ઘોઘી મનોમન બબડે છે: "ખબર નથી ક્યાંથી ક્યાં વાત લઈ જાય છે! વાતો સાથે જાણે ખુદ ક્યાંક વહી જાય છે..! સમજાતું નથી આ ઘોઘો શું બોલે છે, શું કહે છે? ઘોઘો કાયમ બસ આમ જ ના સમજાય એવી, બે મતલબની ગોલ ગોલ, બોલ બોલ કરતો હોય."

એકવાર ઘોઘીએ ઘોઘાને પૂછ્યું, કહ્યું: "ઘોઘા, તને ભાન હોય છે..? ક્યારે તું શું બોલે છે, બાફે છે..?"

ત્યારે ઘોઘાએ, ભાઈબંધના ભાઈબંધે વર્ષો પહેલા તેની કોઈ ચહીતીને આપેલો એ જ જવાબ આપ્યો: "ઘોઘી, જ્યારે ભાનમાં આવીશ ને... ત્યારે ભાઈબંધના ભાઈબંધની જેમ હું મૌન થઈ જઈશ...."

ઘોઘીની છાતીમાં ફાળ પડી..... ક્ષણભર ભીતર સુનકાર થઈ ગયો..... "હે, ઘોઘા, તું કદિ ભાનમાં ના આવે..." અનાયાસે ઘોઘીના મુખેથી પ્રાર્થના સરી પડી: "ઈશ્વર તને કદિ ભાનમાં ના લાવે... હે, ઈશ્વર, તું આ ઘોઘાને કદિ ભાનમાં ના લાવજે..."

એ જૂની વાત યાદ આવતા, ઘોઘીએ ઘોઘાને કોઈ જ સવાલ ના કર્યો... અને બસ મનોમન આટલું જ બોલી: "ખેર, જે બોલે, જે કહે, પણ સાલી મજા પડે છે..."

બારી પાસે ઊભી આકાશને તાકતા, બોલતા બોલતા અચાનક ચૂપ થઈ ગયેલા, ઘોઘા પાસે ઘોઘી હળવા પગલે, દબાતા પગલે ઘોઘા પાસે ગઈ... અને ઘણા સમય પછી ઘોઘી ઘોઘાને પાછળથી ગળે વળગી... અને ઊછળી ઊછળીને ઘોઘી ઘોઘાને કહે છે: "ઘોઘા તું, સી,ગ્રેટ...'તું સીગરેટ'"

ઘોઘો પાછો ફરી, બે હાથે ઘોઘીને ખભેથી પકડી, ઘોઘીની આંખો સામે તાકીને ઘોઘાએ ઘોઘીને કહ્યું: "હાં હાં, હું સીગરેટ અને તું માચીસ... ચાલ હવે ઝટ ચેતાવ... અર્થાત્ પેટાવ...."

"એટલે કસકસાવીને ખેંચી લઈએ એક જોરદારનો કસકસતો કસ જિંદગીનો....."

(માચીસ અર્થાત્ દીલ, માચીસ અર્થાત્ બાહો, સ્પર્શ, ચુંબન, આલિંગન....)

(પેટાવ અર્થાત્ ફેલાવ)

આવા અનેક અર્થ કાઢવા હોય, ચાહતા હોય, તો નીકળે... પણ ચાહવા છતાં આવા સવળા અર્થ કાઢ્યા વગર ઘોઘાએ ઘોઘીને એક લૂ જ કહ્યું.

"હાં હાં, હું સીગરેટ અને તું માચીસ... ચાલ હવે ઝટ પેટાવ.... એટલે કસકસાવીને ખેંચી લઈએ એક જોરદારનો કસકસતો કસ જિંદગીનો..... રસજરતો કસ જિંદગીનો..."

બ્લાસ્ટ

છુપાઈ છુપાઈને મને જુવે છે તું..!

એ લપાઈ છુપાઈને જોઉં છું હું..!

એટલે મારાથી પૂછાઈ ગયું "અનંત"

આખરે ક્યાં સુધી સંતાઈને રહેશું.?

પ્રેમ 'ને સુરજ બેઉ સરખા હોય છે.

ક્યાં સુધી ઢાંકશું ને ઢંકાઈને રહેશું.?

"અનંત"

https://www.facebook.com/share/p/18ti5Q9nox/

No comments:

Post a Comment