Sunday, 28 April 2013

"અનંત" ના વાર્તા સંગ્રહ માંથી....



ઉર્મિલા....
સુંદર, નાજુક ,ગોરી, નમણી કાયા ધરાવતી ઉર્મિલા.....
ગામના જ એક મધ્યમ વર્ગના છોકરા રમેશ સાથે પ્રેમ લગ્ન કરી લીધા ...
રમેશની ઘરડીમાંનો થોડા જ સમય પહેલા લાંબી બીમારી બાદ દેહ વિલય થયેલો....
ઉર્મિલા પણ ગરીબ પરિવારમાં જ ઉછરેલી ....
રમેશ કાપડની મિલમાં માંડ માંડ ઘર ચાલે એટલા પગારમાં નોકરી કરતો.
એ રમેશની પત્ની ઉર્મિલા ...
એ ઉર્મિલ, જે થોડા સમય પહેલા,
નાની એવિ ઝર્ઝરિત ઓરડીમાં ગરીબી અને લાચારીમાં જીવીતી હતી.
જીવતી જ હતી..! હાં પણ ! લાશ માફક....
બે દીકરા અને એક દીકરી....
એમ કુલ ત્રણ બાળકોની માં ઉર્મિલા....
ટૂંકી આવક ધરાવતા પતિ ની પત્ની ઉર્મિલા ....
ઘણી વાર મનમાં  વિચાર કરતી ઉર્મિલા .....
બેકારી, ભૂખ અને દૂ:ખ માનવીની સૌથી મોટી લાચારી....
ત્રણ ત્રણ બાળકો ફાટેલી જિંદગી, ફાટેલા કપડાં ......
અને પાંસળી ગણી શકાય એવિ છાતી, પેટમાં ઊંડા ખાડા....
ખાવાના જ્યાં વાંધા હોય ત્યાં ત્રણ ત્રણ બાળકોને ભણવાની વાત....???
અને રમેશ જે મિલમાં કામ કરતો એ બંધ થઈ ગઈ ...
રમેશ બેકાર થઈ ગયો ...
ગરીબીએ વધુ ભરડો લીધો....
ફરી એજ વિચારતી ઉર્મિલા....
હાં એ જે પણ વિચારતી મજબૂરીમાં વિચારતી....
ત્રણ ત્રણ ભૂલકાં બેકાર પતી....
છતાં પુરુષ નામનો એક આધાર પતી ...
રમેશ છૂટક મજૂરી કરવા લાગ્યો પણ...
એક દિવસ રમેશ અચાનક હાંફવા લાગ્યો ....
નિદાન કરાવતા માલૂમ થયું રમેશને શ્વાસની બીમારી લાગુ પડી છે....
ઉર્મિલા માથે આભ ફાટયું ....
પણ છતાં તે હીમત ના હારી....
બાહોશ અને હીમતવાન ઉર્મિલા....
ઉર્મિલા પારકા કામ કરવા લાગી....
બેકાર પતિ હવે બીમાર પણ  છે.
બીમાર પતિના ઈલાજમાં ધીરે ધીરે બધુ વેચાતું ગયું ..
બસ, એક “આબરૂ” સિવાય.....
અને હવે ..!
જો બે પૈસા વધુ રળે તો સાવ પતી ગયેલા જેવા પતિનો ઈલાજ થાય....
એ વિચારે ઉર્મિલા દિવસ રાત દર દર ભટકે છે.
કોઈના ઘરમાં વાસણ માંજે તો કોના કપડાં ધોવે ...
વળી કોઇની ઓફિસમાં,  પણ .....!
સ્ંદર સુડોળ.. નમણી કાયા...પણ....!
રૂપ હમેશા ખુશી અને સુખ નથી આપતું .....
ક્યારેક રૂપ જ અડચણ રૂપ બને છે, દૂ:ખી કરે છે….
“પુરુષ ને પણ ...”
“કિન્તુ સ્ત્રી માટે ક્યારેક આશીર્વાદ પણ સાબિત થાય છે.”  
રૂપ..”
અને ઉર્મિલા માટે,  પણ.... !
એનું રૂપ... સુડોળ, ગોરી, નમણી કાયા...
ઓફિસમાં ક્યારેક છેડતીનું કારણ બનતી.
તો પણ ચૂપ ઉર્મિલા....
ભૂખે ટળ વળતા ત્રણ ત્રણ ભૂલકાં નજર સામે તરવરે...
ઘેર આવે ત્યારે માંની મમતાની  રાહ જોઈ જોઈ,
પેટ અને માના હેત પ્રેમના ભુખા બાળકો પોઢી ગયા હોય ...
ફરી મનમાં એજ વિચારે કરે ઉર્મિલા...
“કાશ....  પ્રેમથી પેટ ભરાતું હોત ....”
આસું નીતરતી આંખે ફાટેલ કપડામાં ત્રણે ભૂલકાં ....
એના નિર્દોષ ચહેરા સામે જોતી ને રોતી ઉર્મિલા ....
ઊંઘતા ભૂલકાને વારા ફરતી વારા ચૂમી લેતી ઉર્મિલા....
ઊર્મિલાને વારંવાર એજ  વિચાર આવી જતો.....
પતિના ઇલાજમાં થોડા ઘણા જે દાગીના હતા તે પણ વેંચાઈ ગયા....
સમજોને બધુજ વેચાય ગયું એક “આબરૂ સિવાય...”
અંતે પતિ રમેશ...
પતી ગયો....!
અને વિધવા થઈ ગઈ ઉર્મિલા.....
થોડા વર્ષો બાદ..... 
આજે એ ઉર્મિલા ગરીબ નથી , લાચાર નથી ....
હાં એ ઉર્મિલા ધનવાન થઈ ગઈ.....
એના બાળકો પણ હવે શહેરમાં મોટી સ્કૂલમાં ભણે છે......
તૂટેલી ફૂટેલી ઝર્ઝરિત સાકડી ઓરડીની જ્ગ્યાએ વિશાળ બંગલો છે, .....
અને એ બગલાના વિશાળ આંગણમાં મોટર કાર પણ છે.
ઊર્મિલાની સખી હંસા જે પરણીને વિદેશ સ્થાયી થઈ ચૂકી હતી ....
તે આજે પોતાના વતનમાં પ્રસંગોપાત આવી ....
અને આવતા વેંત તેને યાદ આવી બચપનની સખી ઉર્મિલા....
કિન્તુ હંસા ઘણા વર્ષો બાદ પોતાના વતનમાં આવી હતી...
તેને સરનામું પણ બરોબર યાદ નથી , કેમ શોધવી ઊર્મિલાને ...?  .
જો કે હંસાને ઊર્મિલાનું ઘર શોધવામાં જાજી તકલીફ ના પડી ...
કેમકે ખૂબ આબરૂ હતી ઊર્મિલાની એના ગામમાં...
એવું એને રિક્ષા વાળા પાસેથી જાણવા મળ્યું...
મોટા મોટા માલદારો પણ ઉર્મિલાને સારી રીતે ઓળખતા...
બસમાંથી ઉતરી હંસાએ  રિક્ષા વાળા યુવાનને ઊર્મિલાના પિતા જીવણલાલ ભગતનું નામ અને  સરનામું  આપ્યું ઉર્મિલાના પિતાને ગામના લોકો ભગતના નામે ઓળખતા ગરીબ હતા,ભલા આદમી હતા.
પણ રિક્ષા વાળો ના ઓળખ્યો. કેમકે એ આ ગામમાં નવો હતો,
હંસા રિક્ષા વાળાને સરનામું સમજાવી રહી હતી, ત્યાં જ બાજુમાં ઊભેલી બીજી રિક્ષા વાળના કાને ભગતનું નામ પડતાં એ ઓળખી ગયો કેમકે એ આ ગામમાં વર્ષોથી રહેતો.. તુરંત પેલા યુવાન રિક્ષા વાળાને કહ્યું .
આ બેન પેલી ઊર્મિલાના પિતાનું પૂછે છે...
ઓહ ઊર્મિલા..!  રિક્ષા વાળો બોલ્યો ..
હંસા .. ઉત્સાહમાં આવીને “ હા હા એજ એ મારી બચપનની સખી છે. “
“ઓહ ચાલો ચાલો બેસો રિક્ષામાં” કહેતા રિક્ષા વાળાએ રિક્ષા ચાલુ કરી...
“અચ્છા તો આપ ઓળખો છું ઊર્મિલાને એમ કે ?”
રિક્ષામાં બેસતા હંસાએ પૂછ્યું.
“અરે એને તો આખું ગામ ઓળખે છે, ખાખી વર્દી થી લઈ મોટા મોટા નેતાઓ, જમીનદારો, માલેતુજારો બધાજ ઓળખે છે ઊર્મિલાને...”
હંસા ચકરાવે ચડી... ઉર્મિલા...? એક ગરીબ ઘરની સીધી સાદી છોકરી...અને..?
“હા... બની શકે રૂપવતી તો હતી જ..! કદાચ  કોઈ પેસાદાર માણસ સાથે પરણી  હશે.”
આમ હંસા મનમાં વિચારતી હતી... ત્યાં રિક્ષા વાળાએ બ્રેક મારી.
રિક્ષા એક મોટા બાંગ્લા પાસે ઊભી રાખી, લ્યો આવી ગયું આપની સખી ઊર્મિલાનું ઘર....રિક્ષા વાળાએ રિક્ષા ઊભી રાખતા કહ્યું.
હંસાના વિચારોને પણ બ્રેક લાગી. રિક્ષામાથી ઉતરી હંસાએ રિક્ષા ભાડું ચૂકવ્યું ....
હંસા સામે વિચિત્ર હાસ્ય રેલાવી રિક્ષા વાળો રવાના થઈ ગયો.....
બંગલો જોઈ હંસા આભી જ બની ગઈ .....
આવડો મોટો આલીસાન બંગલો ... હંસા સ્વગત બોલી.
બંગલાના ગેઇટ પાસે આવી હંસાએ બેલની સ્વિચ દબાવી .
ડિંગ ડોંગ.  બેલ વાગી...
અને ઉર્મિલા દરવાજે આવી સુંદર પિન્ક સાડીમાં સજ્જ એજ જાજરમાન વ્યક્તિત્વ એજ સૌંદર્ય એકવડિયો બાંધો.
દૂરથી જ ઉર્મિલા હંસાને અને હંસા ઊર્મિલાને ઓળખી ગઈ...
ઓહ .. ઉર્મિલા તું...! આવ આવ...ઝડપ ભેર ગેઇટ તરફ જતાં ઉર્મિલા બોલી....
ગેઇટમાં પ્રવેસતા જ બંને સખી ભેટી પડી...
વર્ષો પછી મળી હતી ને... બંનેના ખંભા થોડા થોડા ભીના થયા ...
આવ હંસા અંદર આવ.. હંસા તો હજુ આશ્ચર્ય માથી બહાર જ નથી આવી કેમકે એને તો ઊર્મિલાની ગરીબાઈ જ જોઈ હતી ..
અને આજે આ જાહો જલાલી..?
હંસાના મનમાં અસંખ્ય પ્રશ્નો ઊઠે છે. પણ એતો ઉર્મિલાને પૂછ્યા પછી ખબર પડે એની આ જાહો જલાલીનું રાજ....
“તું પણ એજ  વિચારે છે ને  હંસા... ? કે આ બધુ ... હોલમાં પ્રવેશતા ઊર્મિલાએ સવાલ કર્યો ....
હંસાના વિચારો ઉર્મિલા કળી ગઈ તેથી હંસા ... “હાં . હાં.. બસ એજ..!”
સોફા પર હંસાને બેસવાનો ઈસારો કરતાં ..
તું અહી બેસ હું પાણી લઈ આવું .. અને પછી શું પીશે ચાય, કોફી, કે ઠંડુ....?’
“કોફી... કોફી જ બનાવ ને... જરા કડક બનાવજે ને ..” ચારે બાજુ  નજર ફેરવતા હંસા બોલી...
હંસાને પાણી આપી ઉર્મિલા કોફી બનાવના કિચનમાં ગઈ ...
ઉર્મિલા કોફી લઈ આવી ...ટ્રે  ટીપોય પર મૂકી એક કપ હંસાને આપી એક કપ પોતે લઈ સામેના સોફા પર ઉર્મિલા ગોઠવાઈ ગઈ...
કોફી ની ચૂસ્કી ભરતા .... શું ચાલે છે હંસા કેટલા વર્ષે તું વતન આવી તારો પતિ બાળકો બધા આનંદમાં ને ...? ઊર્મિલાએ હંસાને પૂછ્યું.
“હાં.... બધા જ ખૂબ આનંદમાં છે . હવે અહી આવવાનું તો થતું નથી તેથી અહીનું ઘર વહેચવાનું હોય હું અહી આવી છું, અને તને મળવાની પણ ઘણા સમયથી ઈચ્છા હતી જ તો થયું ચાલો બન્ને કામ સાથે જ પતાવી દઉં.” કોફી પિતા પિતા હંસાએ અહી આવવાનું કારણ કહ્યું .....
“ઉર્મિલા તને કોઈ માલેતુજાર મળી ગયો લાગે છે હે ને? અને તારી આબરૂ તો કહેવું પડે હો બાકી તારું નામ પડતા જ રિક્ષાવાળાએ રિક્ષા સીધી તારા બાંગ્લા પાસે જ ઊભી રાખી ..
શું કરે છે તારો પતિ ? કેટલા બાળકો છે  ..?” હંસાએ હસતાં હસતાં મસ્તી કરતાં એક સામટા ઘણા પ્રશ્નો  ઊર્મિલાને પૂછી નાખ્યા  ... !
ઉર્મિલાના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ.
ત્રણ બાળકો છે, બે દીકરી એક દીકરો,
ત્રણેયને  શહેરમાં ભણવા મોકલ્યા છે.
ઊર્મિલાએ ધીમા અને ઉદાસ સ્વરે હંસાના પ્રશ્નનો ઉતર આપ્યો.
“અને પતિ....?” હંસાએ પૂછ્યું .....
“એ નથી...” ઉર્મિલા ઉદાસ સ્વરે બોલી.
“ઓહ માફ કરજે ....” હંસાએ અફસોસ જાહેર કર્યો...
ઉર્મિલા ખાલી કપ કિચનમાં મૂકવા ચાલી ગઈ ....
ફરી હંસાનું મન વિચારે ચડી ગયું. પતિ નથી, છતાં ઊર્મિલાના આ સાજ સણગાર....?”
ઉર્મિલા કિચનમાં કપ મૂકીને આવી,  સામેના સોફા પર બેઠી ....
“તો શું તે બીજા લગ્ન કર્યા ?” હંસાએ ફરી સવાલો શરું કર્યા,….
ના ? ઊર્મિલાએ નીચી નજરે ટૂંકમાં જવાબ આપ્યો .
શું તારા પતિ મોટા બીજનેસ મેન હતા.. ?
ફરી એ જ જવાબ .... “ના ?”
“જો ઉર્મિલા માઠું ના લગાડજે પણ મને એક પ્રશ્ન થાય છે.” 
હંસાએ સંકોચ સહ કહ્યું.
“એક તને જ નહીં હંસા, પણ..!
તને જે પ્રશ્ન થાય છે, એજ પ્રશ્ન બધાને થતાં,
અને એક નહીં હંસા..! અનેક પ્રશ્ન થતાં,  જેણે જેણે મારી ગરીબી અને લાચારીની અવસ્થા જોઈ છે..પણ હવે નથી થતાં“
તને થાય..! કેમકે તું કશું જાણતી નથી ને ..!
“અને કેમ ના થાય,  એક ગરીબ , બેકાર બીમાર પતિની લાચાર પત્ની અચાનક અમીર  થઈ જાય ત્યારે હર કોઈને પ્રશ્ન થાય જ એમાં તારો દોષ નથી હંસા...”ઊર્મિલાએ ખિન્ન સ્વરે કહ્યું .
પણ ઉર્મિલા ....?
હંસા આગળ કઈ પૂછે એ પહેલા ઉર્મિલા,
 મનમાં ખાલીપાના ભાવ સાથે આગળ બોલી ....
હંસા જ્યારે સ્ત્રી કઈ નથી કરતી કે શકતી ને ...!
ત્યારે એ સમાધાન કરતી હોય છે, કરી લેતી હોય છે, કરવું પડતું હોય છે.
એ સમાધાનમાં સ્વાર્થ ઓછો અને સમર્પણ વધારે હોય છે.
જો કોઈ એકના સમાધાનથી પોતાના અનેકને આનંદ અને સુખ આપી શકાતું હોય. અને એ પણ જો પોતાના પેટ જણ્યા માટે કરેલું હોય ત્યારે કરેલું સમાધાન પણ સાર્થક થતું હોય છે. બસ કરવાનું પછી શું થશે એ વિચારીએ તો ક્યારેય સમાધાન ના થાય,
ઊર્મિલા જાણે પોતાને જ દિલાસો આપતી હોય એમ બોલી....
હંસા ચૂપ ચાપ ઊર્મિલાને સાંભળી રહી હતી....
પોતાના પર જે વિતેલી એની આખી વાત વર્ણવતા ઉર્મિલા ....
અને હું પારકા કામ કરી મોડી ઘેર આવતી ત્યાં સુધીમાં તો માર ત્રણે માસૂમ બાળકો, માં ના  હેત પ્રેમથી વંચિત ભૂખ્યા દુખ્યા સૂઈ જતાં....
અને અંતે બેકાર, બીમાર, લાચાર પતિ અમને લાચાર અવસ્થામાં છોડી ગયો...
અને તું જે આબરૂની વાત કરે છે ને હંસા ....!
બસ એ એકજ ચીજ મારી પાસે બચી હતી....
એ પણ મે મજબૂરીમાં વહેંચી નાખી ....
તું જે આબરૂની વાત કરે છે ને હંસા....!
એ બે આબરૂ થયા પછીની આબરૂ છે હંસા...!
બે આબરૂ થયા પછીની છે...ઊર્મિલાના ગળે ડૂમો બાજી ગયો...
જેમ જેમ ઊર્મિલા પોતાની આપ વીતી કહેતી જાય છે.
તેમ તેમ ઊર્મિલાની આખો ચોધાર વહેતી જાય છે.
બીજું કશું જ હતું નહીં મારી પાસે ....
થોડા ઘણા જે ઘરેણાં હતા એ પણ પતિના ઈલાજ પાછળ ખર્ચાઈ ગયા....
હું પારકા કામ પણ કરતી, સાહેબોની ઓફિસો માં પણ હું ઝાડુ પોતા કરવા જતી...
પણ એમાએ મારુ સ્ત્રી હોવું. અને પુરુષોની ડંખતી નજર...
શું કરું હું..! હંસા શું કરું...!
અને મને એક વિચાર કાયમ આવતો , પણ ના..!
શક્ય તેટલા પ્રયાસો કરવા હતા મારે કે.. મને મજબૂરીમાં, લાચારીમાં આવતા એ વિચારને મારે અમલમાં મૂકવો ના પડે.
અગર જો થોડા ઘણા પૈસા પણ બચ્યા હોત તો..
હું  ઘરમાં નાની દુકાન ખોલી નાખત..
પણ ફૂટી કોડી પણ ના હતી મારી પાસે ...
હંસાની આંખો પણ ઊર્મિલાની વાત સાંભળતા સાંભળતા ઉભરાઇ રહી હતી....
અને ... અને...  ઉર્મિલા ધ્રુશ્કે ધ્રુશ્કે રડી પડી....અને અંતે....
હંસા ઊભી થઈ ઊર્મિલાની બાજુમાં જઈ તેને હ્રદય સરસી ચાંપી .....
ઉર્મિલા રડતાં રડતાં બોલી...
અંતે મે મારુ શરીર ખોલી નાખ્યું હંસા.. મે મારુ શરીર ખોલી નાખ્યું.....
મે મારા શરીરને જ દુકાન બાનાવી નાખ્યું...
હંસા શરીરને જ દુકાન બનાવી નાખ્યું.....

ને ઉર્મિલા ધ્રુશ્કે ધ્રુશ્કે રડી પડી.... 
“અનંત”

No comments:

Post a Comment