Monday, 4 September 2017

પરણવુ કે લગનવુ ? 1







ઘણા દિવસ પછી ઘોઘી ઘોઘાને મળવા આવી.
ઘોઘો હંમેશની જેમ એ જ અદામાં બેઠો છે, સામે પડેલી ટીપોય પર પગ મૂકીને અને માથા પાછળ હાથ રાખીને.
અને ઘોઘી આવી.
આવીને ઘોઘાની બાજુમાં સોફા પર બેસી ગઈ.
ઘોઘી બાજુમાં બેઠી એટલે, ઘોઘો જરા ખસી ગયો.
અને બંને ઝઘડ્યા.
"ખાઈ નહીં જાઉં કંઈ તને?"
"હાં, એ તો ખબર છે મને!"
"તો પછી મારા બાજુમાં બેસતા જ, તારું દૂર ખસી જવાનું કારણ?"
"ચૂંટીયો."
"ફટ્ટુસસસ... સાવ કરતા! સાવ ફટ્ટુસસસ... છે તું હોં ઘોઘા, સાચ્ચે! ફટ્ટુસસસ!" 
ઘોઘીએ ખનખન ખનનન હસતાં હસતાં, ઘોઘાને "ફટ્ટુસ" કહી દીધું!
અને જૂના ખાધેલા ચૂંટિયાની ચચરાટી... ઘોઘાની જીભેથી ઝરવા લાગી.
"હાં ભલે તું જે સમજે એ! ચૂંટિયાની પીડા એ શું જાણે જે ચૂંટિયો ખણે! એ તો એ જ જાણે જે ચૂંટિયો ખમે."
"હાં, હાં, બસ હોં હવે! તું કેટલો ડાયો છે એ મને ખબર છે!"
"શું ખબર છે? બોલ, બોલ, શું ખબર છે તને!?" ઘોઘો ગુસ્સે થઈ ગયો.
"એ જે હોય તે સમય આવ્યે કહીશ..." ઘોઘીએ ઘોઘાને ગૂંચવી નાખ્યો અને કહ્યું.
"અત્યારે તું મને એ કહે મારે પેલીનું શું કરવું!?"
"કેવીનું?" ઘોઘાએ પૂછ્યું.
"અરે ઓલી મારી સહેલી..."
ઉત્સુકતાથી ઘોઘાએ પૂછ્યું, "કઈ સહેલી હેં? શું કરવાનું છે એનું? બોલ, હું કાંઈ કરી શકું એના માટે!? તારી સહેલી એ, મારી સહેલી..."
એવું ઘોઘો બોલવા જતો હતો ત્યાં જ ઘોઘીએ ઘોઘાને ઘઘલાવ્યો. 
"બસ હોં, બંધ થા હવે... તારા લખ્ખણ હું બરાબર જાણું જ છું! એટલે વધારે ઝળકાઈશ નહીં! ગમે તે બોલે છે તું!"
"લે પણ હું તો ગમે તે બોલું છું ને!"
"ના!" ઘોઘીએ ટૂંકમાં કહ્યું.
એટલે ઘોઘો કહે, "ખોટું બોલ માને હવે... કેટલી ખોટાળી છે તું!"
"તે જ તો કહ્યું હમણાં કે, તું ગમે તે બોલે છે! તો હું તો ગમે તે જ બોલું છું. છતાં તને ના ગમે તો એમમાં હું શું કરું લે પણ  !"
આવું ઘોઘાએ સાવ ધીમેકથી ઘોઘીને કહ્યું.
અને ઘોઘી એ સહેલીનું શું કરવું, જે પરણવાની ના કહે છે એ વિચારતી હતી એટલે, ઘોઘો શું બોલ્યો, એ ઘોઘીને સંભળાયું સમજાયું નહીં.
ઘોઘી ચૂપ થઈ એટલે ઘોઘાએ વ્યવસ્થિત પૂછ્યું, "ઘોઘી, તું કંઈક તારી સહેલીની વાત કરતી હતી ને! શું થયું છે એને?"
ઘોઘીએ ઘોઘા સામે જોઈ કહ્યું, "ઘોઘા! થયું તો કશું નથી! પણ, જે થવા જઈ રહ્યું છે, જે થવાનું છે તે એને થવા દેવું નથી."
ઘોઘીએ જે કહ્યું, જે અંદાજમાં કહ્યું, એ સાંભળી ઘોઘાને અચરજ થયું, એટલે હસતાં હસતાં ઘોઘાએ ઘોઘીને કહ્યું, "લે આ લે આલે લે, તું આવું અટપટું બોલતા ક્યારથી શીખી!?"
"જ્યારથી તારે પનારે પડી ત્યારથી!"
"લે આ લે આલે લે! આ પણ નવું કહ્યું. હું તો કાયમ સીધું સરળ જ બોલું છું."
"હાં હાં, ખબર છે હવે, બહુ હોશિયારી ના માર..."
"એક તરફ પેલી સહેલી..."
"હાં હાં, કહે કહે, તારી સહેલીનું તું શું કહેતી હતી?"
ઘોઘી ઘોઘાને એની સહેલીની વાત કરે છે!
"જો સાંભળ ઘોઘા! મારી એક સહેલી છે!"
"પણ અઘરી છે એમ જ ને!" ઘોઘાએ સહેલી સાથે અનર્થ કર્યો. (અર્થાત્: ઘોઘાએ સહેલીનો બીજો અર્થ, "અઘરો" કર્યો એમ...!)
ઘોઘો વચ્ચે બોલ્યો એટલે ઘોઘીએ ગુસ્સે થઈ કહ્યું, "ઘોઘાઆઆઆ, તું વાત તો પૂરી સાંભળ..."
ઘોઘાએ કહ્યું, "હાં બોલ, આંખ ખુલ્લી જ છે!"
"અક્કલ વગરના, આંખ નહીં, કાન ખુલ્લા રાખ!"
"તો આંખો બંધ કરવી પડશે, બોલ શું કરું?"
"હાં તો કરી દે!"
ઘોઘાએ બાજુમાં બેઠેલી ઘોઘીની આંખ પર પોતાની હથેળી દાબી. એટલે ઘોઘી છંછેડાઈ.
ઘોઘાની હથેળી હડસેલી ઘોઘી ગુસ્સે થઈ બોલી, "ઘોઘાઆઆઆ, આ શું કરે છે પણ! મારી આંખ કેમ બંધ કરાવે છે!"
"લે બોલ, મેં જ્યારે તને પૂછ્યું કે, 'તો આંખો બંધ કરવી પડશે, બોલ શું કરું?' ત્યારે તેં જ તો કહ્યું 'હાં તો કરી દે', એટલે મેં કરી. તો મારા પર શું કામ ચિલ્લાય છે હવે?"
"પણ હું એમ સમજી કે..."
આટલું બોલી ઘોઘીને ભાન થયું કે, આ ભાન વગરના સાથે, લપ કરવા જઈશ તો લપસી જઈશ. એટલે જીભાજોડી ટૂંકાવી, ઘોઘીએ ઘોઘા સામે આંખો કાઢી ટૂંકમાં કહ્યું, "ઘોઘા, તું કહે તો જ વાત કરું, નહીં તો હું જાઉં!"
"અરે પણ તો કરને વાત, હું ચિત્ત ધરીને સાંભળું તો છું."
"હાં તો સાંભળ ઘોઘા, મારી એક સહેલી છે..."
"હં, અને એ બહુ અઘરી છે!" આવું ફરી ઘોઘો બોલ્યો પણ મનમાં જ અને પછી... "એક જ!" (આદત એમ આસાનીથી કેમ છૂટે.)
એટલે ઘોઘો ફરી બોલ્યો, "એક જ!"
અને ઘોઘી છટકી.
અને અંગૂઠો ને આંગળી ભેગી કરી, ઘોઘા સામે ધરતાં બોલી, "ઘોઘા, હવે તું તારી વાયડાઈ મૂકે છે કે પછી...!"
ઘોઘો ચૂંટિયાના ડરથી ડરી ગયો.
"હાં... હાં... ના... ના! હાં... ના! ના હવે કંઈ નહીં બોલું, બસ! તું તું તું તારી આ ચપટી ખોલી નાખ."
ડરના માર્યા ઘોઘાએ ઘોઘીની ચપટી છોડાવી. પછી ઘોઘો ચૂપ થઈ ગયો.
"તો હું આગળ વાત કરું?"
"હાં પણ એક વાત કહું."
"ના, બીજી બધી વાત મૂક!"
"ભલે ચાલ! પડી જ નથી તો પણ મૂકું છું, બસ! બોલ, આગળ બોલ!" ઘોઘાએ આદતવશ બે અર્થમાં કહ્યું.
"હાં તો, મારી એ સહેલીને પરણવું નથી!"
"હાં તો બરાબર જ છે! ના જ પરણાય, ગમે તે થાય... પરણવું તો જોઈએ જ નહીં!" ઘોઘાએ પૂરું જાણ્યા વિના જાણી ગયો હોય એમ વચ્ચે જ વીંટો વાળી દીધો.
એટલે વળી ઘોઘી ગુસ્સે થઈ. એટલે ઘોઘા સામે આંખો કાઢી બોલી, "ઘોઘાઆઆઆ!"
ઘોઘીની આંખો ને અવાજથી ડરીને ઘોઘાએ કહ્યું, "હાં ચાલ, હવે નહીં બોલું વચ્ચે, બસ! બોલ! તું આગળ બોલ!"
પોતાનાથી ડરેલા ઘોઘા પર ઘોઘીને હસવું આવ્યું. પણ બતાવ્યું નહીં અને વાત આગળ વધારતાં કહ્યું, "હવે શાંતિથી સાંભળ ઘોઘા! મારી એ સહેલીને પરણવું નથી!"
"તો તું પરણી જા એમાં શું!" આ વખતે પણ ઘોઘો વચ્ચે બોલ્યો.
તોય ઘોઘી ગુસ્સે ના થઈ, બોલો! ઉપરથી ખુશ થઈ, લજવાતાં લજવાતાં બોલી... અને મૂળ વાતથી ભટકી ગાડી અવળે પાટે ચડી ગઈ.
ઘોઘી કહે, "મેં તો કે'દીના લગન કરી લીધા છે ઘોઘાઆઆઆ... મનોમન..."
પણ ઘોઘાના ધ્યાનમાં ઘોઘી છેલ્લે "મનોમન" બોલી એ વાત ના આવી.
પણ ઘોઘાના મનમાં એ જ વાત આવી, જે ઘોઘાએ ધ્યાને લીધી. એ વાત જે ઘોઘાને કલેજે કટારી જેમ સીધી વાગી. ઊંડે ઊંડે જો કે એ પણ રહી રહીને... કેમકે એના મનમાં પરણવા અને લગનવા વચ્ચેના, ભાઈબંધે વર્ષો પહેલાં કહેલા ભેદ ઘુમરાતા હતા.
એટલે, પહેલાં તો જેવું ઘોઘીએ કહ્યું કે મેં લગન કરી લીધા, કે તરત ઘોઘો બોલ્યો, "હં, હું એ જ તો કહું છું! લગન જ કરાય, પરણાય તો નહીં જ!"
"તે અક્કલ વગરના, એમાં શું ફરક પડે!? પરણે કે લગન કરે! બંને વાત તો એક જ થઈ ને!" ઘોઘીએ ઘોઘાને ઘઘલાવ્યો.
"ભૂલ! ભૂલ! એ જ તો ભૂલ છે ઘોઘી, એ જ ભૂલ છે! 'પરણવું' અને 'લગનવું' અર્થાત્: લગન કરવા. એ બંનેમાં બહુ તફાવત હોય છે!"
"મારા ભાઈબંધના ભાઈબંધે! વર્ષો પહેલાં કહ્યું હતું કે...!"
"ઓહોહોહો હો! થઈ ગયો હાજર પાછો ભૂત! ભાઈબંધનો ભાઈબંધ!"
ઘોઘીને ઘણું બધું કહી દેવાનું મન થયું પણ કંઈ બોલી નહીં. બસ ઘોઘીએ પોતાના કપાળે હથેળી ઠપકારતાં કહ્યું, "હાં બોલ હવે જલદી બોલ, શું કહેતો હતો એ તારા ભાઈબંધનો ભાઈબંધ!?"
"કહું છું, શાંતિ રાખ! જરા યાદ તો કરવા દે!" એમ કહી ઘોઘાએ ચૂપ થઈ આંખ બંધ કરીને, સોફાને ટેકે માથું ઢાળી દીધું. જાણે દૂર ક્યાંક ખોવાઈ ગયો હોય.
ઘોઘી બેઠા બેઠા ઓઢણીના એક છેડાને આંગળી પર વીંટે છે, ખોલે છે, વીંટે છે, ખોલે છે. વળી થોડી થોડી વારે છેડો મોંમાં લઈ ચાવે છે.
"હમણાં ઘોઘો કંઈક કહેશે, ખબર નહીં મોં ખોલશે ત્યારે શું બોલશે." આમ વિચારતી પોતાની ઓઢણી સાથે ખેલતી ઘોઘી. ઘડીક ઘોઘા સામે જુએ છે તો, ઘડીક ઘડિયાળ સામે. આમ ને આમ દસ મિનિટ વીતી ગઈ. પણ ઘોઘાની આંખ બંધ ને હોઠ ચૂપ!
ઘોઘીને એ જાણવાની ઈચ્છા પ્રબળ હતી કે, આખરે પરણવા અને લગનવા બંનેમાં એવો તો શું બહુ ફરક હશે? આ ઘોઘો કંઈ બોલે તો ખબર પડે! આમ વિચારના અંતે, અકળાયેલી ઘોઘીએ ઘોઘા સામે જોયું તો...!!! ઘોઘો ઊંઘી ગયો હોય એવું ઘોઘીને લાગ્યું.
એટલે સખ્ત અકળાયેલી ઘોઘીએ ઘોઘાને ઢંઢોળ્યો, "ઊઠ ઘોઘા, ઊઠ!"
ઘોઘીના ઢંઢોળવાથી ઘોઘો, જાગવાને બદલે સોફા પર ઢળી ગયો.
"લે! આ અક્કલ વગરનો તો સાચ્ચે જ પોઢી ગયો છે... હમણાં ઝલક બતાડું ઊંઘણસીને!" એમ બબડતી ઘોઘી ઊભી થઈ પાણિયારે ગઈ. પાણીનો ગ્લાસ ભરી અડધું પોતે પીધું ને બાકી જે બચ્યું એ લઈ ઘોઘા સામે ગઈ. અને પાણી હથેળીમાં લઈ ઘોઘાના મોં પર જોરદારની છાલક મારતાં બોલી, "ઊઠ અક્કલ વગરના, ઊઠ!"
ઘોઘો પડખું ફરી ગયો.
એટલે, ફરી બીજીવાર હથેળીમાં પાણી લઈ ઘોઘીએ ઘોઘાના અવળા ફરેલા મોંને, જે હાથમાં પાણી હતું એ નહીં, પણ જે હાથમાં પાણી નહોતું તે હાથે ઘોઘાનું મોં સીધું કરી ફરી ઘોઘાના મોં પર જોરદાર છાલક મારી અને ચિલ્લાઈ, "ઊઠ! હવે તો ઊઠ! માણસ છે કે જાનવર!?"
થોડીક અમથી આંખ ખોલી ઘોઘાએ પોતાની પૂંઠે હાથ ફરાવી, ઘોઘી સામે ઝીણી નજરે જોઈ, આળસ મરડતાં ઊભા થતાં થતાં, આળસુ સ્વરે કહ્યું, "ઘોઘી...! અફસોસ પૂંછડી તો નથી ઊગી હજુ, એટલે કદાચ હું હજુ માણસ છું એવું લાગે છે!"
ફરી બંને બે મતલબની વાતો કરવા લાગ્યા. ઘોઘાએ છાંટેલા પાણીથી જ ઘોઘાનું મોં ધોવાઈ ગયું. એટલે ઘોઘો પણ હવે ફ્રેશ થઈ ગયો હતો.
ઘોઘાએ જ્યારે કહ્યું કે, "પૂંછડી તો નથી ઊગી હજુ, એટલે કદાચ હું..." એટલે ઘોઘી કહે છે, "ઘોઘા, એવું તો હરેક જાનવરને લાગે છે કે એ માણસ છે!"
"ઘોઘી, જાનવરને બદનામ ના કર! એ એવું હલકું ક્યારેય ના વિચારે!"
"ઓહોહોહો હો! બહુ જાનવરનું પેટમાં બળે છે ને! તારા સગા લાગે છે!"
"હાં, એ જ તો, પૂંછડી ગયાની પીડા કોરી ખાય છે!"
"તને શું ફરક પડે છે તો પણ!"
"અરે ગાંડી, એક મને જ નહીં... આખી માનવ જમાતને ફરક પડે છે, બધાને નડે છે!"
"શું પૂંછડી?"
"ના!"
"તો...?"
"પૂંછડીનું ના હોવું..."
"હાં, પૂંછડીનું ન હોવું એ જ ખરી નડતર."
"અને બીજું?"
"બીજું શું હોય! માણસ ને માત્ર માણસ નહીં! બલ્કે, માણસ જાતને માણસ અને, પોતાનું માણસ હોવુંય નડે છે!"
"પણ એનાથી એવો તે શું ફરક પડે છે કે, એવું તે શું નડે છે ઘોઘા?" ઘોઘીએ ફરી સવાલ કર્યો.
"લાજ, શરમ! સંબંધ, બંધન આ બધું...!" વાત વાતમાં ગૂઢાર્થમાં ઘોઘાએ મોટી ફિલોસોફી ઠોકી.
ઘોઘીને અચાનક યાદ આવ્યું, આ તો ખોટી લપ થઈ રહી છે...! અગર જો ઘોઘો શરૂ થશે તો સવાર પડી જશે...! પરણવું ને લગનવું વાળી વાત ભૂલાઈ જશે... એ વાત રાત પહેલાં હાથથી છૂટી જાય એ પહેલાં, એ વાત પકડવી જરૂરી છે.
આમ વિચારી ઘોઘી ઘોઘાને કહે છે, "ઘોઘા...!"
"હં..."
"ઓલું યાદ આવ્યું...?"
"હેં હેં હાં હાં, તું શું કહેતી હતી તે લગન કરી લીધા છે!"
ઘોઘાને એકનું બીજું યાદ આવી ગયું. એ જે એ સમયે દિમાગમાં નહોતું આવ્યું પણ... દિલમાં ઊંડે ઊતરી ગયેલું. ઘોઘીએ જ્યારે સહેલીની પરણવાની વાત કરતાં કહેલું કે, એ પરણવા નથી માગતી ત્યારે... ઘોઘાએ કહેલું, "તો તું પરણી જા એમાં શું!" અને ત્યારે ઘોઘીએ કહ્યું હતું, "મેં તો કે'દીના લગન કરી લીધા છે ઘોઘાઆઆઆ... મનોમન..."
ઘોઘીના એ શબ્દો ઘોઘાને યાદ આવતા જ, ઘોઘાએ ઘોઘીને પૂછ્યું, "શું ઘોઘી, તેં સાચ્ચે જ લગન કરી લીધા છે?"
"હાઆઆઆઆ...." ઘોઘીએ લજવાઈને, લાંબો લચક લહેકો કરીને કહ્યું.
એટલે, હેબતાઈ ગયેલા ઘોઘાએ ઘોઘીને, એક સામટા અનેક સવાલ કર્યા, "હેં! કે'દી? ક્યારે? કોની સાથે? તેં મને પહેલાં કેમ ના કહ્યું?"
ઘોઘાને અચાનક જાણે આંચકો લાગ્યો. થાય એવું પણ થાય... ક્યારેક લાગી આવે...! એવા આંચકા પણ લાગે જો ઓચિંતા આવે...! એ જાણવા છતાં...! કે આખરે જવાનું છે! વિખૂટું પડવાનું જ છે...! તેમ છતાં સમય પહેલાં... એ જે નજીક હતું...! ભલે ક્ષણિક હતું...! છતાં એને દૂર જતું જોતાં...! તકલીફ તો થાય જ...! હોય ક્ષણિક તો પણ એનું આવાગમન હસાવે, રડાવે, જીતાડે, હરાવે...! છતાં પણ એ બધું જે પ્રેમથી પચાવે... પણ મરે નહીં! અને જીવી બતાવે! એ ખરો બહાદૂર કે બહાદૂરી... બહાદૂર એટલે છોકરો અને બહાદૂરી એટલે છોકરી. આ અસલ પેલા લોકો ને લોકી જેવું. લોકી એટલે દૂધી નહીં બલ્કે "સ્ત્રી". ખેર...
ઘોઘાની દશા જોઈ ઘોઘીને મનમાં મજા પડી! પણ દેખાવા ના દીધી. અને ઘોઘીએ ઘોઘાને વઢીને કહ્યું, "તું પૂરું સાંભળે છે જ ક્યાં, કે, હું ક્યારે શું કહું છું, શું બોલું છું!"
લડખડાતાં સ્વરે ઘોઘાએ કહ્યું, "સાંભળ્યું ને મેં બરાબર જ સાંભળ્યું..."
"નથી સાંભળ્યું ઘોઘા, તેં બરોબર નથી સાંભળ્યું!"
"હાં પણ તો હવે કહી દે! હવે તો કહી દે કે તેં લગન કોની સાથે કર્યા!?"
"હજુ એ જ રટણ કરે છે તું ઘોઘા!"
કાયમ બધી ઘોઘીને મુંઝવતો ઘોઘો... આજે ખુદ મુંઝાઈ ગયો... કાયમ ઘોઘાની વાત કોઈ નહોતું સમજતું. અને આજે ઘોઘો... ઘોઘી શું કહેવા માંગે છે એ સમજી નથી શકતો.
આખરે ઘોઘાની હાલત પર રહેમ કરી ઘોઘી ઘોઘાને કહે છે, "હવે ધ્યાનથી સાંભળજે ઘોઘા...!"
"મેં જે પહેલાં કહ્યું હતું એ જ ફરીવાર કહું છું!"
"હાં બોલ હવે જલદી બોલ ને! તું આટલું લાંબુ શા માટે ખેંચે છે ઘોઘી...!"
"હજુ તારા જેટલું નથી ખેંચતી, સમજી લેજે ઘોઘા! અને મારી વાત પૂરી નથી થઈ હજુ!"
ઘોઘો આજ બરોબરનો ભીડાઈ ગયો હતો. ઘોઘાના હૃદયના ધીમા ધબકારા ધમણ થઈ ગયા.
"અરે યાર પણ તું ઝઘડે છે શું કામ મારી સાથે!"
"એ તો તને એવું લાગે છે ઘોઘા! બાકી હું ઝઘડતી નથી! હાં, તારા પર ગુસ્સો જરૂર આવે છે મને! કેમકે એક તો તું કદી પૂરું સાંભળતો નથી! અને પછી તું ચિડાય છે, પીડાય છે!"
ઘોઘો ચૂપ!
"હવે મેં પહેલાં જે કહ્યું હતું તે ફરીથી કહું છું! ધ્યાનથી સાંભળજે! અને પછી પણ વિશ્વાસ ના આવે તો, ઉપર લખ્યું જ છે એના પર ફરી એક નજર મારી લેજે અને વાંચી લેજે!"
દયામણી નજર ને તગતગતી આંખે, ધ્રૂજતા હોઠ અને, કપકપાતાં સ્વરે... ઘોઘો ઘોઘી સામે જોઈને કહે છે... "હ,હ,હ, હાં ભ, ભ, ભ ભલે પણ હવે ક,ક,ક કહે તો ખરી.."
એટલે ઘોઘી કહે છે, જો કે કહેતા કહેતા, પોતાની એક મજાક માત્રથી તૂટી ગયેલા ઘોઘાનું ભોળું દયામણું સ્વરૂપ જોઈ, ઘોઘીની આંખો પણ તગતગે છે. આંસુને માંડ માંડ રોકી ઘોઘી ઘોઘાને કહે છે, "ઘોઘા, મેં ત્યારે એમ કહ્યું હતું કે, 'મેં તો કે'દીના લગન કરી લીધા છે ઘોઘાઆઆઆ... મનોમન... મનોમન... મનોમન... મનોમન... મનોમન...'"
ભલે આંખો ઉદાસ થઈ... પણ હૈયામાં હાશ થઈ...
હવે ઘોઘાને છેલ્લા શબ્દો સ્પષ્ટ સંભળાય છે! માત્ર સંભળાતા જ નથી પણ પડઘાય છે! અને ઘોઘી સામે તાકી તાકીને જોતા, ઘોઘાની ક્યારની લાલ થઈ ગયેલી તગતગતી આંખોમાંથી ધોધ છૂટે છે! નાક પણ ધાર ધાર...
ઘોઘો નીચું મોં કરી, પોતાના જ ખભાનો આસરો લે છે. આંસુ સાથે ધારધાર વહેતું લાલ નાક, ઘોઘો શર્ટની બાય થી  લૂછે છે... આંખ સાથે ઘોઘાનું નાક પણ વધુ લાલ થઈ જાય છે.
ઘોઘાની હાલત જોઈને ઘોઘી રળી પડે છે અને ઢળી પડે છે! ઘોઘાના ખોળામાં... ઘોઘી ઘોઘાને વળગી પડે છે!
ઘોઘાનો ચહેરો... પોતાની બંને હથેળીમાં પકડી ઊંચો કરે છે... "ઘોઘા, ઘોઘા... ઘોઘા! એય ઘોઘા...! આમ જો તો ખરો મારી સામું..."
નથી જોઈ શકતો... ઘોઘો ઘોઘી સામે નથી જોઈ શકતો. ઘોઘાનું માથું ઘોઘીના ખભે ઢળી પડે છે.
મજાકમાં ને મજાકમાં ઘોઘાને તકલીફ આપ્યાની પારાવાર પીડા ઘોઘીને થાય છે! "ઓહ મારા ઘોઘા...!"
એમ કહી ઘોઘાને વળગી ઘોઘી પણ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડે છે! એકબીજાને વળગીને બંને હિબકે ચડે છે! અનરાધાર આંખો નીતરે છે અને બંને...
ક્રમશઃ 




*બ્લાસ્ટ* 
મધુર રાતની તૈયારી સવારથી કરવી પડે.! 

જી હાં.! 

લગ્ન જીવન માં રાત્રે પરમ ચરમ અખંડ અનંત અલૌકિક આનંદ પામવાની અને પવાની તૈયારી સવારથી કરવી પડે.! 

"અનંત" 















No comments:

Post a Comment