Friday, 31 March 2023

અધ્યાત્મ એટલે..?

*બ્લાસ્ટ*
"અનંત" કુંડળી કદિ' કર્મ ન બદલી શકે.! 
મગર કર્મ ચોક્કસ કુંડળી બદલી શકે છે.! 
"અનંત" 




વર્ષો પહેલાં મધરાતે ખંડેર મધ્યે ચાયની ચુસ્કી ભરતા-ભરતા મેં દાઢીધારી ભાઈબંધ અજ્ઞાનીને જિજ્ઞાસાવશ પૂછી નાખ્યું, "હેં ભાઈબંધ, અધ્યાત્મ એટલે શું?"

ચાયનો ઘૂંટ ભરી લાંબી દાઢી પર આંગળા પસરાવતા એક ઊંડો શ્વાસ લઈ ભાઈબંધે કહ્યું, "હું કશું જ જાણતો નથી."

મેં કહ્યું, "હું જાણું છું."

ભાઈબંધે કહ્યું, "તો તું જ જણાવ."

મેં કહ્યું, "યાર્ર, મારો કહેવાનો મતલબ એ નથી કે હું જાણું છું!"

"તો?"

મેં એમ કહ્યું કે, "એ હું જાણું છું કે તું કશું જ જાણતો નથી!"

સુર્રરરરર કરતાક ચાયની ચુસ્કી ભરતા-ભરતા ભાઈબંધ અનંતે કહ્યું, "પરીયા... બસ એક અક્ષરના કારણે અર્થ બદલાઈ ગયો ને!"

મેં કહ્યું, "હાં."

ચાયની એક ચુસ્કી ભરી મેં કહ્યું, "અનંત, શું તું જાણે છે? અધ્યાત્મ એટલે શું?"

અનંતે કહ્યું, "એક અલૌકિક અનુભૂતિ!"

"બરોબર!" અજ્ઞાનીએ કહ્યું, "જેનું શબ્દોમાં વર્ણન કરવું કદાચ શક્ય નથી!"

મેં કહ્યું, "તેમ છતાં તમારી ઘણી વાતો એવી હોય છે કે એવું લાગે કે—"

"અજ્ઞાની" લાગે-વળગે લોહીની ધાર...

"અનંત" આપણા ઉપર વાંક નહીં...

હું આગળ કંઈ બોલું એ પહેલાં બંને ભાઈબંધોએ બાળક જેવી વાત કરી નાખી. મેં કહ્યું, "પણ અગર તમારી વાતો વાંચી-સાંભળી કોઈ એમ સમજી બેસે કે તમે તો બહુ આધ્યાત્મિક છો, તો?"

"અનંત": "તો એ એનો વાંક!"

"અજ્ઞાની": "અનંતે બરોબર કહ્યું."

બંને ભાઈબંધોએ એકબીજાની વાતને સમર્થન આપતા કહ્યું, "હકીકત તો એ છે પરીયા કે ખરેખર અમને કાંઈ જ ખબર નથી." પછી બંને વારાફરતી બોલ્યા:

"અનંત": ના તો કોઈ વાંચન છે!

"અજ્ઞાની": ના તો કોઈ અભ્યાસ છે!

"અનંત": ના તો આસ્તિક છું!

"અજ્ઞાની": ના તો નાસ્તિક છું!

"અનંત": ના સંસારી છું!

"અજ્ઞાની": ના સાધુ છું!

"અનંત": ના ધાર્મિક છું!

"અજ્ઞાની": ના આધ્યાત્મિક છું!

"અનંત": હું છું, હું નથી!

"અજ્ઞાની": શું છું, ખબર નથી!

મેં કહ્યું, "તો પછી આ તમે જે વર્ષોથી આ ખંડેરમાં બેઠા-બેઠા ઢગલો કાગળિયામાં આ બધું આવું બધું લખ્યું, એ કઈ રીતે?"

"અનંત": "ઠોકંઠોક જિંદાબાદ!"

"અજ્ઞાની": "અઠ્ઠેગઠ્ઠે સીતારામ!"

જોકે મારા બંને ભુલકણો ભાઈબંધો એ ભૂલી ગયા હતા કે વર્ષો પહેલાં જ્યારે મેં આજ સવાલ કર્યો હતો કે 'આધ્યાત્મ એટલે શું?', ત્યારે તેઓ એનો નીચે મુજબ જવાબ આપી ચૂક્યા હતા. ખેર...

"અધ્યાત્મિકતા એટલે નહીં ધર્મ. અધ્યાત્મિકતા એટલે કર્મ." - અજ્ઞાની

અધ્યાત્મ એટલે—

કેવળ હું જ હું નહીં, બલ્કે તું જ તું!

અધ્યાત્મ એટલે મારું મારું નહીં, બલ્કે મારું બધું જ તારું જ તારું!

હે ઈશ્વર... અનંત આ જીવન તારા સહારે છે!

અનંત તું જ મને ઉગારે છે!

મારું મારું મારે છે, તારું તારું તારે છે!

આ ઊંડી સમજણ એટલે અધ્યાત્મ!

વર્તમાનમાં પરમ ચરમ અખંડ અનંત આનંદ હતો અને ભવિષ્યની કોઈ ખાસ ચિંતા નહોતી ત્યારે પણ, અને અત્યારે પણ! તેથી મૂડ હતો, મોજ હતી, તેથી ઉપલા મજલે એકાંતમાં ભાઈબંધોના કાગળિયાનો થપ્પો લઈને હું તો બેસી ગયો.

એક પછી એક કાગળ ઉથલાવતો જતો હતો અને મારી જાણ બહાર મારો જીવ ખંડેરમાં પહોંચી ગયો... શિયાળાની હાડ થીજાવતી ટાઢ જામતી જતી હતી. ઘોર અંધારી રાત જામતી જતી હતી. અને ચાયની ચુસ્કી ભરતા-ભરતા અમારી વચ્ચે વાત જામતી જતી હતી.

વર્ષો પહેલાં... વાતનો વિષય હતો: ધર્મ, કર્મ અને અધ્યાત્મ.

એ જ સાંકડી ગલીના ઉબડ-ખાબડ રસ્તેથી ઠોકર-ઠેબા ખાતો-ખાતો મધરાતે ચાય લઈને હું ખંડેર પર ગયો. અધખુલ્લા દરવાજેથી શરીર સંકોરી હું ભીતર પ્રવેશ્યો. મારા બંને આત્મસખાઓ મારી રાહ જોતા ખખડધજ ટીપોય આસપાસ રાખેલી ખુરશી પર બેઠા હતા.

મને આવકારતા કહ્યું, "આવ દોસ્ત આવ... તારી જ રાહ જોતા હતા! જલ્દી-જલ્દી ગરમાગરમ ચાય પીવડાવ."

મેં મારી ખાલી ખુરશી પર બેસતા કહ્યું, "યાર્ર, તમે મારી રાહ જોતા હતા કે ચાયની?"

અજ્ઞાનીએ કહ્યું, "તારી."

અનંતે કહ્યું, "ચાયની."

"ભલેએએએ ભાય ભલેએએએ..." એમ કહી મેં ટીપોય પર ઊંધી પડેલી ત્રણેય પિયાલી સીધી કરી તેમાં ચાય રેડી. અમે ત્રણેયે એકસાથે પિયાલી ઉઠાવી સુર્રرરરર... કરતાક ચાયની ચુસ્કી ભરી.

થોડીવારના મૌન બાદ મેં મારા મનમાં ઘણા સમયથી ઘુમરાતો સવાલ કરતા પૂછ્યું, "ભાઈબંધો, મને ઘણા સમયથી એક સવાલ મનમાં ઘુમરાય છે."

"પૂછી જ નાખ! એમાં શું!" ચાયની ચુસ્કી ભરી અનંતે કહ્યું.

મેં કહ્યું, "હાં તો ભાઈબંધો, તમે મને એ કહો કે ધર્મ એટલે શું? કર્મ એટલે શું? અને અધ્યાત્મ એટલે શું?"

અનંતે કહ્યું, "પરીયા... અધ્યાત્મ એટલે પૂજા-પાઠ, એકટાણાં, ઉપવાસ, અગરબત્તી, મંદિર..." મને એમ કે આ બધું જ અધ્યાત્મ એવું અનંત કહેશે, મગર એણે એવું કાંઈ જ કહ્યું નહીં, બલ્કે અનંતે કહ્યું, "એવું કાંઈ જ નહીં."

મેં પૂછ્યું, "તો?"

ત્યારે અજ્ઞાનીએ કહ્યું, "પરીયા, ધર્મ અને અધ્યાત્મમાં બડો તફાવત છે, અને કર્મની તો વાત જ સાવ નોખી છે. પૂજા, પાઠ, માળા, મણકા, મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા, મીણબત્તી, અગરબત્તી, દીવા—આ બધું ધર્મ છે! અને એ પ્રમાણે વિધિ-વિધાન સૌ કોઈ પોતપોતાના ધર્મ અનુસાર કરે છે. કદાચ એ બરોબર છે, એમાં કંઈ જ ખોટું કે ખરાબ નથી! મગર તમામ ધર્મના અલગ-અલગ પંથ હોય છે અને સૌ એના ધર્મ મુજબ એ પંથ પર ચાલે છે, અને તેમ કરતાં તેઓને ક્યારેક-ક્યારેક મંજિલ મળ્યાનો ભ્રમપૂર્ણ અહેસાસ થાય છે. જ્યારે કે અધ્યાત્મ કોઈ મંજિલ નથી. અધ્યાત્મની કોઈ જ મંજિલ નથી. અધ્યાત્મ યુગો-યુગોથી ચાલતી અનંત યાત્રા છે! અધ્યાત્મ એક ઉચ્ચ વિચાર છે. અધ્યાત્મ એક અલૌકિક ચેતના છે! અધ્યાત્મ સૂક્ષ્મ સંવેદના છે! અધ્યાત્મ ઊંડી સમજણ છે. અધ્યાત્મમાં અનંત ઊંડાણ હોય છે! અધ્યાત્મમાં કશું જ ઉપરછલ્લું નથી! આધ્યાત્મ ઊંડું છે, અનંત છે. આધ્યાત્મનો કોઈ જ અંત નથી... આધ્યાત્મ છેક લગી જવાનો સરળ રસ્તો છે! અધ્યાત્મ કોઈ ટૂંકો પંથ નથી! આધ્યાત્મ કોઈનો પણ વિરોધી નથી! આધ્યાત્મિક વ્યક્તિ પણ ક્યારેય કોઈનો વિરોધ નથી કરતી."

આમ અજ્ઞાની બોલતો ગયો, વચ્ચે-વચ્ચે અનંત પણ બોલતો હતો. આમ તો દિવસ દરમિયાન કામ કરતા-કરતા જ્યારે પણ અનંત કે અજ્ઞાનીને કંઈ સ્ફુરણા કે પ્રેરણા થાય ત્યારે... દીવાલ પર ખીલીમાં દોરા સાથે કલમ બાંધેલું લાકડાનું પેડ લટકતું હોય, જેમાં થોડા જૂના ચોપાનિયા ક્લિપ નીચે દબાવેલા હોય. જેવી સ્ફુરણા કે પ્રેરણા થાય કે તુરંત કામ કરતા-કરતા તેમાં ઉપરથી આવેલા વિચારો શબ્દો દ્વારા પકડી લેતા હોય છે. મગર જ્યારે પણ આવી રીતે વાત જામી હોય ત્યારે એ બંને એકધારું બોલતા હોય અને હું એ પેડ લઈને બેસી જાઉં, જેથી એ બંને જે કંઈ પણ બોલે તે તત્કાલ લખાઈ જાય... વરના અનંત કે અજ્ઞાનીને તો લખ્યા-બોલ્યા પછી કંઈ યાદ પણ ન હોય, કારણ કે એ બંને અન્ય લેખકોની માફક વિચારીને લખતા-બોલતા જ નહીં! બસ, અચાનક કોઈ વિચાર ઝબકે, એ પકડે અને કાગળમાં એ ચમકારા કેદ કરી લે, જેના અજવાળે પછી હું જીવું.

ખેર... આજની રાત પણ એવી જ જામી હતી. ઘડીક અજ્ઞાની બોલે, ઘડીક અનંત બોલે. આમ વારાફરતી જેને જેવી પ્રેરણા થાય તે મુજબ ભીતરના ભેદ ખોલતા હતા. અને હું કાગળ-કલમ લઈને એ બંને જે કંઈ પણ બોલતા હતા તે ફટાફટ લખતો હતો. વારાફરતી એ બંનેના મુખેથી શબ્દોની સરવાણી ફૂટતી હતી અને હું કાગળમાં જીવતો હતો. આમ વાત આગળ ચાલે છે. અજ્ઞાની આગળ ચલાવે છે:

"અધ્યાત્મ સૌ કોઈને સ્વીકારે છે! અધ્યાત્મ સૌને સાથે લઈને ચાલે છે! એ સૌને જે અધ્યાત્મના પંથે ચાલવાની ઈચ્છા કરે છે. અધ્યાત્મ કોઈને મજબૂર નહીં કરે! અધ્યાત્મ કોઈને કોઈ જ બંધનમાં બાંધશે નહીં અને ખુદ કોઈ જ બંધનમાં બંધાશે પણ નહીં! કોઈ સાથે ચાલે તો ઠીક છે, અગર કોઈ સાથે ન પણ ચાલે તો પણ! આધ્યાત્મિક વ્યક્તિ કોઈને પણ નડ્યા વગર, કોઈ પણને દુઃખ કે તકલીફ આપ્યા વગર સતત નિજ મસ્તીમાં એકલા સફર કરતો રહેશે! પરમ ચરમ અખંડ અનંત આનંદ એવં સુખની અનુભૂતિ કરતા-કરતા નિજ મસ્તીમાં મસ્ત રહેવું, હરેક ક્ષણ પરમ ચરમ અખંડ અનંત આનંદમાં રહેવું, હર હાલમાં સુખનો જ અનુભવ કરવો એટલે આધ્યાત્મ... અને પરમ ચરમ અખંડ અનંત આનંદ એવં સુખની અનુભૂતિ કરતા-કરતા નિજ મસ્તીમાં જે મસ્ત રહે, હરેક ક્ષણ પરમ ચરમ અખંડ અનંત આનંદમાં જે રહે, હર હાલમાં જે સુખ અનુભવે તે આધ્યાત્મિક વ્યક્તિ."

આટલું કહીને છેલ્લે અજ્ઞાનીએ 'બ્લાસ્ટ' કરતા કહ્યું કે—

બ્લાસ્ટ: "અજ્ઞાની" જે બાંધે તે ધર્મ! અને "અનંત" મુક્ત રાખે તે અધ્યાત્મ!

ઘણા "અજ્ઞાની" આધ્યાત્મિકતાના નામે અવળે માર્ગે ચડે-ચડાવે છે લોકોને.

બ્લાસ્ટ: ચીજવસ્તુઓ ભૌતિક યાને બાહ્ય જગત જે બાહ્ય વ્યક્તિ કે ભૌતિક વસ્તુ પર નિર્ભર હોય છે, તે માત્ર ખુશી આપી શકે છે! એવી ખુશી જેનું આયુષ્ય ખૂબ જ અલ્પ હોય છે! જ્યારે અધ્યાત્મ જગત યાને ભીતરી જગત પરમ ચરમ અખંડ અનંત અલૌકિક સુખ એવં આનંદ આપે છે, જે બાહ્ય વ્યક્તિ કે ભૌતિક વસ્તુ પર નિર્ભર નથી હોતો. તેથી તેનું આયુષ્ય પણ દીર્ધ હોય છે! અને તેથી જ તેના દ્વારા મળતું સુખ એવં આનંદ પરમ ચરમ અખંડ અનંત આનંદ હોય છે! - અજ્ઞાની

તે રાત્રે મારા મગજમાં સતત ઘુમરાતા સવાલનો જવાબ ભાઈબંધોના આત્મમુખેથી સાંભળીને હું ભાવવિભોર થઈ ગયેલો...

જે ધર્મમાં નથી તે અધ્યાત્મમાં છે. જે અધ્યાત્મમાં છે તે ધર્મમાં નથી.

બ્લાસ્ટ: અધ્યાત્મ અજ્ઞાન નથી, જ્ઞાન છે.

અધ્યાત્મ ઘોંઘાટ નથી, શાંત છે.

અધ્યાત્મ ભીડ નથી, એકાંત છે.

અધ્યાત્મ સ્થૂળ નહીં, સૂક્ષ્મ ધ્યાન છે.

અધ્યાત્મ ચેતનાનું મનોવિજ્ઞાન છે.

અધ્યાત્મ અવાજ નથી, સાદ છે.

અધ્યાત્મ કોલાહલ નથી, નાદ છે.

અધ્યાત્મ ના ટોળું છે, ના ઉન્માદ છે.

અધ્યાત્મ આનંદ છે, ઉત્સાહ છે.

અધ્યાત્મ બહાર નથી, અંદર છે.

અધ્યાત્મ ખાબોચિયું નથી, સમંદર છે.

અધ્યાત્મની રેખા આડી-ઊભી નથી, સમાંતર છે.

અધ્યાત્મ બાહ્ય નથી, આંતરિક છે.

અધ્યાત્મ વૈરાગિક નથી, સાંસારિક છે.

અધ્યાત્મને શરીર સાથે આત્માનું વળગણ છે.

અધ્યાત્મનું આત્મા સાથે અલૌકિક સગપણ છે.

અધ્યાત્મ અલગ-અલગ નથી, એક છે.

અધ્યાત્મ તોછડાઈ નથી, વિવેક છે.

અધ્યાત્મ જન્મથી મૃત્યુ સુધી છેક છે.

અધ્યાત્મ ના મારગ અનેક નથી, એક છે.

અધ્યાત્મ અધર્મ કે ધર્મ નથી, કર્મ છે.

અધ્યાત્મ ના સ્વર્ગ છે, ના નર્ક છે.

અધ્યાત્મ 'જે નથી તે નથી' અને 'જે છે તે છે' ના

સહજ સ્વીકાર સાથે ઊંડી સમજણનો અર્ક છે.

અધ્યાત્મ આત્માનો ઊંડો અર્થ છે.

અધ્યાત્મ ગાંડપણ નથી, ડહાપણ છે.

અધ્યાત્મ છીછરી નહીં, ઊંડી સમજણ છે.

અધ્યાત્મ દંભ નથી ના તો ખાલી ખોખલી વાતો છે,

આધ્યાત્મ સમજણભર્યું આચરણ છે.

અધ્યાત્મ ખાઈ નથી, ઊંચાઈ છે.

અધ્યાત્મ લુચ્ચાઈ નથી, સચ્ચાઈ છે.

અધ્યાત્મ બદી નથી, શુદ્ધ નદી છે.

અધ્યાત્મ પ્રસિદ્ધિ નહીં, સિદ્ધિ છે.

અધ્યાત્મ ટીલાં-ટપકાં, ભપકા યા

આડંબર નથી, અધ્યાત્મ સાદગી છે.

અધ્યાત્મ માંદગી નથી, તાજગી છે.

અધ્યાત્મિક અનુભૂતિ અવર્ણિત છે.

અધ્યાત્મની અનુભૂતિ ખાનગી છે.

અધ્યાત્મ અસ્પષ્ટ નથી, સ્પષ્ટ છે.

અધ્યાત્મ કપટ નથી, નિષ્કપટ છે.

અધ્યાત્મ ભ્રષ્ટ નથી, અભ્રષ્ટ છે.

અધ્યાત્મ ત્રસ્ત નથી, સ્વસ્થ છે.

અધ્યાત્મ ભય નથી, અભય છે.

અધ્યાત્મ પ્રલય નથી, લય છે.

અધ્યાત્મ બંધન નથી, મુક્તિ છે.

અધ્યાત્મ અલૌકિક શક્તિ છે.

અધ્યાત્મ ગૂંગળામણ નથી, શ્વાસ છે.

અધ્યાત્મ ભાર નથી, હળવાશ છે.

અધ્યાત્મ કડવાશ નથી, મીઠાશ છે.

અધ્યાત્મ દૂર નથી, આસપાસ છે.

અધ્યાત્મનો પથ કાંટાળો નથી,

અધ્યાત્મનો પથ સુંવાળું ઘાસ છે.

અધ્યાત્મ કરામત નથી, મરામત છે.

અધ્યાત્મ અટૂટ છે, સલામત છે.

અધ્યાત્મ અંધશ્રદ્ધા નથી, વિશ્વાસ છે.

અધ્યાત્મ આત્માની અલૌકિક સુવાસ છે.

અધ્યાત્મ પ્રદર્શન નથી, દર્શન છે.

અધ્યાત્મ જગત સાથે ઘર્ષણ નથી.

અધ્યાત્મ ખુદ ને જાણવા નો સંઘર્ષ છે.!

અધ્યાત્મ માત્ર તન, મન નુ જ નહીં,

બલ્કે અધ્યાત્મ આત્માનું આકર્ષણ છે.

અધ્યાત્મ માત્ર માનસિક નહીં આત્મિક સમર્પણ છે.

અધ્યાત્મ એટલે છીનવવુ નહીં છોડવુ.

અધ્યાત્મ એટલે પકડવુ નહીં છોડવુ.

અધ્યાત્મ માંગવું નહીં આપવુ

અધ્યાત્મ જાતે જ જાતને જાણવાનો

અને પામવાનો સંઘર્ષ એવં અવસર છે.

અધ્યાત્મ બળજબરી નથી, સહર્ષ છે.

અધ્યાત્મ અઘરી વિધિ નથી, સહજ સરળ છે.

અધ્યાત્મ પ્રેમ એવં પ્રકૃતિનું આકર્ષણ છે.

અધ્યાત્મ વમળ નથી, શાંત જળ છે.

અધ્યાત્મ કાવાદાવા નથી, અચળ છે.

અધ્યાત્મનો નિયમ અફર છે, જેને ખબર છે તેને ખબર છે.

અધ્યાત્મ મંજિલ નથી, અનંત સફર છે.

અધ્યાત્મ પ્રચાર નથી, સ્વચાર છે.

અધ્યાત્મ સ્વયં શિષ્ટાચાર છે.

અધ્યાત્મ બદલાની ભાવના નથી.

અધ્યાત્મ દયા, કરુણા, ક્ષમા છે, પ્યાર છે!

અધ્યાત્મ જે છે તેનો સહજ સ્વીકાર છે.

અધ્યાત્મ સમજણભર્યો ઉચ્ચ વિચાર છે.

અધ્યાત્મ સમજાવવું નહીં, સમજવું છે.

અધ્યાત્મ ઈશ્વર પર છોડી બેસી રહેવું નહીં, મગર ઈશ્વરને સાથે રાખી, ઈશ્વરની સાક્ષીએ સતત સત્ય-ઈમાનદારી સાથે અંત સુધી કોઈ પણ કાર્ય કરવા પ્રયાસ કરતા રહેવું છે.

અધ્યાત્મ સમજીને સમજાવવું અને સમજાવતા-સમજાવતા ખુદ પણ સમજવાનો વિવેક છે.

અધ્યાત્મ આચરણમાં મૂક્યા પછી આચરણ કરવા કહેવું અને નિજ મરજીથી કોઈ આચરણ કરે તો જ કરાવવું.

અધ્યાત્મ જરૂરથી વધુ બોલવું નહીં, જરૂર પડ્યે મૌન રહેવું છે.

અધ્યાત્મ જણાવવું નહીં, જાણી જવું કોણ કેવું છે.

અધ્યાત્મ કર્મના સિદ્ધાંતને ઊંડાણથી સમજવું.

અધ્યાત્મ એટલે સમજી-વિચારીને કર્મ કરવું.

અધ્યાત્મ સંસાર છોડી મુક્ત થવું નહીં, મગર સંસારના તમામ બંધનમાં રહીને પણ ભીતરથી તમામ બંધનથી મુક્ત રહેવું.

અધ્યાત્મ સુખ કે દુઃખ જે મળ્યું કે મળે છે તે કર્મના હિસાબ મુજબ મળે છે—આ હકીકત સ્વીકારી તમામ પરિસ્થિતિમાં સ્થિર રહેવું, વિચલિત ન થવું.

અધ્યાત્મ જૂઠના આધારે જૂઠ બોલીને કોઈ પણ બંધનમાં કોઈને બાંધવું કે બંધાવું નહીં.

અધ્યાત્મ સત્યના આધારે સાચું બોલવાથી કોઈ પણ સંબંધ કે બંધન તૂટતો-છૂટતો હોય તો ખુશીથી તૂટવા-છૂટવા દેવો.

અધ્યાત્મ નર્યો નિજ સ્વાર્થ નહીં રાચતા, સ્વાર્થમાં છુપાયેલા પરમાર્થની ભાવના.

આધ્યાત્મ બાંધે તે બંધાય, છોડે તે છૂટે.

અધ્યાત્મ પામવું નહીં, જે મળ્યું તેમાં પામી ગયાની અલૌકિક અનુભૂતિ.

અધ્યાત્મ ક્યાંય પહોંચવું નહીં, બલ્કે જ્યાં હોય ત્યાંથી જ પહોંચી ગયાનો અલૌકિક અહેસાસ છે.

અધ્યાત્મ કોઈનું અનુકરણ નહીં, ખુદના આત્માને અનુસરીને કરાતું આચરણ છે.

અધ્યાત્મ વ્યક્તિ-વસ્તુ લક્ષી ખુશી નહીં, અધ્યાત્મ ભીતરનો નિજાનંદ છે.

અધ્યાત્મ એકાદ ક્ષણમાં નહીં, બલ્કે હરેક ક્ષણ પરમ ચરમ અખંડ અનંત આનંદ છે.

અધ્યાત્મ એક અલૌકિક ક્રિયા છે.

અધ્યાત્મ કોઈને બદલવાની નહીં, બલ્કે ખુદને બદલવાની પ્રક્રિયા છે.

અધ્યાત્મ કેટલું મળ્યું એ નહીં, જેટલું મળ્યું એનો આનંદ છે.

અધ્યાત્મ કાદવ નથી, કમળ છે.

અધ્યાત્મ અકળ નથી, સકળ છે.

અધ્યાત્મ વિવાદ નથી, સંવાદ છે.

અધ્યાત્મ પરમ પ્રેમ છે, પ્રસાદ છે.

અધ્યાત્મ એટલે મનની મોજ.

અધ્યાત્મ એટલે ખુદની ખોજ.

અધ્યાત્મ એટલે જે છોડી દેવાનું છે અને જે ન ઈચ્છવા છતાં છૂટી જ જવાનું છે તેના પર નહીં, બલ્કે જે સાથે લઈ જવાનું છે અને ઈચ્છા ન હોવા છતાં જે અચૂક સાથે આવવાનું જ છે, એવા કર્મો પર સતત સજાગ રહી શું કરવું, શું ન કરવું, કેવું કર્મ લઈ જવું સતત એના પર ધ્યાન ધરવું એટલે અધ્યાત્મ.

સાવ સીધો સરળ અલૌકિક મારગ છે.

અધ્યાત્મ નથી કોઈ વાડા છે, ના કોઈ પંથ છે.

આધ્યાત્મિક વ્યક્તિ ના સાધુ છે, ના સંત છે.

અધ્યાત્મ સનાતન છે, ના આદિ છે ના અંત છે.

અધ્યાત્મ અનંત અનંત અનંત છે.

અધ્યાત્મ જ આત્માનું ખરું અજવાળું છે.

"અનંત": અધ્યાત્મ વિના સઘળે અંધારું છે.

અધ્યાત્મ એટલે:

સુખ-દુઃખ, પીડા, આનંદ જીવનમાં જે કંઈ મળે છે; સારી-ખરાબ જીવનમાં જે કંઈ ઘટના બને છે; પ્રેમાળ કે પીડા આપનાર જીવનમાં જે કંઈ પણ, જે કોઈ પણ સંબંધમાં સામે આવે છે—તે તમામ આપણા જ કોઈ હિસાબ યાની કર્મ મુજબ સામે આવે છે! તે હકીકત એક ઊંડી સમજણ સાથે સ્વીકારવી અને ફરિયાદ ન કરવી. મગર ગમતી કે ન ગમતી તમામ વસ્તુઓ, વ્યક્તિઓ, ઘટનાઓને આધીન થતી તમામ પ્રક્રિયાઓ સામે યા તો શાંતિ અને સમજણ પૂર્વક પ્રતિક્રિયા આપવી યા 'ખુદનો હિસાબ છે' એમ સમજી મૌન રહેવું. અને મૌન મનથી મનની મોજમાં રહેવું, બસ એ જ અધ્યાત્મ.

અલગ-અલગ કાગળમાંથી આટલું મળ્યું. આગળ કાગળ ઊથલપાથલ કરીશ તો હજુ પણ અધ્યાત્મ વિશે કંઈ વિશેષ મળવાની સંભાવના છે.

તે રાત્રે બંને ભાઈબંધોએ ખૂબ જ અદ્ભુત એવં અલૌકિક વાતો કરી હતી, તેથી મેં બીજી રાત્રે જ્યારે હું ખંડેર પર ચાય લઈને ગયો ત્યારે ચાય પીતા-પીતા મેં બંને સામે જોઈ કહ્યું, "ભાઈબંધો, ગઈકાલે રાત્રે તમે ખૂબ જ અદ્ભુત, આધ્યાત્મિક એવં અલૌકિક વાતો કરી છે."

હું આગળ કંઈ બોલું એ પહેલાં વચ્ચે બંને ભાઈબંધો સ્પષ્ટતા કરતા એકસાથે બોલ્યા, "અમે કોઈ અદ્ભુત આધ્યાત્મિક અલૌકિક વાતો કરી નથી પરીયા, બલ્કે થઈ ગઈ છે અનાયાસે!"

મેં કહ્યું, "ઠીક છે એમ રાખો ચાલો. ભલે તમે નથી કરી, થઈ ગઈ છે પણ જે પણ વાતો થઈ ગઈ છે તે ઉત્તમ કક્ષાની થઈ છે તો—"

"તો શું?" બંનેએ પૂછ્યું.

મેં કહ્યું, "તો મને એમ થાય છે કે તમારા કીધે થઈ ગયેલ વાતોને ક્યાંક પ્રસિદ્ધ કરીએ તો..."

"હરગીઝ નહીં!" અનંતે કહ્યું.

અજ્ઞાનીએ કહ્યું, "બિલકુલ નહીં!"

મેં કહ્યું, "પણ એમાં વાંધો શું છે?"

"વાંધો છે પરીયાઆઆઅ... બહુ મોટો વાંધો છે!" અનંતે ગુસ્સામાં કહ્યું.

"પણ—"

"પણ-બણ કંઈ નહીં પરીયા...ના તો અમારે પ્રસિદ્ધ થવું છે ના તો અમારાથી અનાયાસે લખાયેલા, બોલાયેલા શબ્દો પ્રસિદ્ધ કરવા છે, બસ્સ !"

મેં કહ્યું, "પણ એનું કંઈ કારણ ખરું?"

અજ્ઞાનીએ કહ્યું, "હાં, કારણ છે!"

"શું?" મેં પૂછ્યું.

અજ્ઞાનીએ કહ્યું, "કારણ કે અમે લાયક નથી!"

હું દલીલ કરવા જતો હતો પણ હું કંઈ બોલું એ પહેલાં જ, જાણે મારી દલીલ મારા મનમાં ઉઠેલ સવાલ જાણી ગયો હોય એમ અજ્ઞાનીએ કહ્યું, "જો પરીયાઆઆઅ... જે હકીકત અમારી પણ સમજ બહાર છે..! અમારા માટે પણ આશ્ચર્યની વાત છે કે, જે ને તું અદ્ભુત આધ્યાત્મિક એવં અલૌકિક કહે છે! તે મુજબ અમે જીવતા પણ નથી, તેમ છતાં અમારા મુખેથી શા માટે આવી વાતો બોલાય છે? અમારા હાથે શા માટે આવી વાતો લખાય છે? જ્યાં સુધી અમારા કીધે અનાયાસે થઈ ગયેલ વાતો જેને તું અદ્ભુત આધ્યાત્મિક એવં અલૌકિક કહે છે! અમારા માટે પણ આ એક ગૂઢ રહસ્ય છે કે જે અમે વિચારતા જ નથી! એ વાતો, એ વિચારો જેને તું અદ્ભુત આધ્યાત્મિક એવં અલૌકિક કહે છે! જે મુજબ અમે જીવતા પણ નથી, તેમ છતાં અમારા મુખેથી શા માટે આવી વાતો બોલાય છે? અમારા હાથે શા માટે આવી વાતો લખાય છે? એ આજ સુધી અમારી જાણ બહારનું કોઈ ગૂઢ રહસ્ય છે જે અમે આજ સુધી ઉકેલી શક્યા નથી! તેથી જો અમારાથી અનાયાસે થઈ ગયેલ વાતો, અમારા હાથે અનાયાસે લખાઈ ગયેલી વાતો મુજબ અગર જો અમે કમસે કમ એંસી ટકા વાતો-વિચારો જીવનમાં ઉતાર્યા હોય, અમારા કીધે થઈ ગયેલ વાતો-વિચારો મુજબ કમસે કમ એંસી ટકા વાતો અમારા આચરણમાં હોય—તો પણ, જોકે પ્રસિદ્ધિની તો અમને કોઈ જ ઝંખના નથી! મગર અગર ઉપર કહ્યું એમ જો અમારા કીધે અનાયાસે લખાઈ-બોલાઈ ગયેલી વાતો અમારા આચરણમાં વીસ ટકા પણ ન હોય, તો એ તારા કે અમારા કે આપણા સુધી જ સીમિત રહે એ જ ઠીક છે! જ્યાં સુધી કહેલી વાતો આચરણમાં ન હોય ત્યાં સુધી પ્રસિદ્ધિ કરવાની વાત તો બહુ દૂરની છે પરીયા, કોઈને કહેવાનો પણ હક્ક કે અધિકાર નથી."

અનંતે કહ્યું, "એટલું જ નહીં પરીયા, જ્યાં સુધી આચરણમાં ન હોય તેવી કોઈની પણ ઉત્તમ વાતો, જીવનના ઉત્તમ પાઠ સમજાવતી વાતો પણ એક યા બીજી રીતે કોઈને કહેવી કે પ્રસિદ્ધ કરવી એ નરી મૂર્ખતા છે! માત્ર જગતને બતાવવા યા વાહવાહી ઉઘરાવવા કે પોતે ઉત્તમ વિચારવાન છે, દુનિયાના મહાન લોકોના ઉત્તમ વિચાર વાંચે છે—એવું સાબિત કરવાની ચેષ્ટા કરવી એ ઉત્તમ વાત કરનાર મહાન લોકોની મજાક કરવા બરાબર છે! માટે પરીયાઆઆઅ... અમારા કીધે અનાયાસે, અમારા મુખેથી બોલાઈ ગયેલી કે લખાઈ ગયેલી વાતો જે છે, જેમ છે તેમ રહેવા દે!"

જો કે, પછી અજ્ઞાની એ કહ્યું હતું કે, "

પરીયાઆઆઅ...

*બ્લાસ્ટ*
"અજ્ઞાની" આ સિદ્ધિ શું ઓછી કહેવાય ..!?
કે, કોઈ પ્રસિદ્ધિની ઝંખના જ ન રહે !

બંને ભાઈબંધો -

*બ્લાસ્ટ*

"ચાહવા છતાં અને તેમ છતાં, ઈચ્છા ન હોવા છતાં! જે છૂટી જ જવાનું છે, જે છોડી જ જવાનું છે, તે છોડે-છૂટે તે પહેલાં છોડી દેવું. એ જ અનંત અધ્યાત્મ!"

*બ્લાસ્ટ*

આવે તેનો આનંદ હોય

જાય તેનો અફસોસ ન થાય..

તમે ગમે આપો સતત આપતા રહો

મગર સામે મળે ના કૈંજ છતાં ક્ષણ ભર ની પીડા વેદના બાદ હિશાબ કરી યાદ મન હ્રદય રહે શાંત એ અધ્યાત્મ..! " અજ્ઞાની "


*બ્લાસ્ટ*

બંને ભાઈબંધોએ કહ્યું હતું કે મૃત્યુલોકમાં આવ્યા પછી આ સંસારના શરૂઆતના આનંદ બાદ નિજકર્મે મળતી પીડાથી ડરીને આ સંસારમાં પરત ન ફરવાની ઈચ્છા એટલે મુક્તિ યાની મોક્ષ! જેના માટે લોકો જાત-ભાતના ક્રિયા-કરમ કરે છે! ખેર... એ એ લોકોની સમજ, એ લોકોની મરજી. મગર અમને મુક્તિ કે મોક્ષની લગીરે ઝંખના નથી. આ જનમમાં મળેલો આનંદ, સુખ, દુઃખ, પીડા, આંસુ અમારે મન અમૃત સમાન છે! અને એના માટે અમે વારંવાર આ અવની પર આવીશું. સૌ જાય છે, જવું જ પડે છે, અમારે પણ જવાનું નિશ્ચિત છે અને નિશ્ચિત સમયે જઈશું પણ ખરા; ખુશીથી જઈશું મગર કાયમ માટે તો હરગિઝ નહીં! ફરી નિશ્ચિત સમયે પરત આવીશું!

"અનંત" એવં "અજ્ઞાની."

જી હાં, એ જ અમૃત જે મેળવવા અજ્ઞાની દેવો પણ યેનકેન પ્રકારે વલખાં મારતા હતા. દેવો અને દૈત્યો વચ્ચે યુદ્ધ થયા, તે અમૃત માટે સમુદ્રમંથન કર્યું, એના કરતાં મનોમંથન યા આત્મમંથન કર્યું હોત તો? ખેર, શાસ્ત્રો પરથી એક હકીકત એ પણ ઉજાગર થાય છે કે દેવો પણ અમર થવા મથતા હતા અને અમર થવા કાજે અમૃત માટે લડતા હતા. જ્યારે કે અમૃત તો પ્રાણી માત્રની ભીતર જ છે. જે યુગો-યુગોથી છે અને જે મરતું નથી તે અ-મૃત યાની આત્મા! અમૃત જે ઘટ-ઘટમાં છે. ઘૂંટ-ઘૂંટ પીઓ ઔર યુગ-યુગ જીઓ. જે સૌ કોઈની ભીતર છે! જે અનંત અનાદિ કાળથી અમર છે, અમૃત છે!

"અજ્ઞાની": "એ જ આત્મા, એ જ પરમાત્મા!"

*ભયંકર બ્લાસ્ટ*

મૃત શરીરને ગંગાજળ પાઓ કે મૂત્ર, કોઈ જ ફર્ક નથી પડતો! કેમકે જેને ફર્ક પડી શકે એવા મહત્વના બે ઘટક—મન એવં આત્મા—શરીરમાંથી અદ્રશ્ય થઈ ગયા હોય છે. અલોપ થઈ ગયા હોય. મન એવં આત્મા વિનાના મૃત શરીરને ગંગાજળ પાઓ કે મૂત્ર, કોઈ જ ફર્ક નથી પડતો! મારી દ્રષ્ટિએ આ પ્રથા પાછળ માત્ર ગંગાજળનો વેપાર કરવાની વૃત્તિ છે. ગંગાજળના નામે તાંબાની લોટીમાં ગંગાજળ છે કે નળનું પાણી? એ પણ પાનાર કે પીનારને ખબર નથી હોતી. આ મગજ વગરના જગતમાં મોક્ષના નામે મોટો વેપાર ચાલે છે! તમામ બાબતે વેપાર કરવાની વૃત્તિ અનેક પ્રકારની વિકૃતિને જન્મ આપે છે. આવી વિકૃતિ સમય જતાં સમાજ એવં દેશને બરબાદ કરી નાખે છે! - અનંત બ્લાસ્ટ: ધર્મનો સ્વીકાર, અંચળો યા અંગીકાર એટલે અધ્યાત્મ નહીં! બલ્કે કર્મનો સ્વીકાર અને કર્મમાં સુધાર એટલે અધ્યાત્મ. ધર્મને સ્વીકારે એ આધ્યાત્મિક નથી, બલ્કે કર્મને સ્વીકારે એ આધ્યાત્મિક છે! અધ્યાત્મ એટલે માત્ર ડાળ-પાનની દેખરેખ નહીં, બલ્કે છેક મૂળિયાની સાર-સંભાળ રાખવી એ અધ્યાત્મ. - અજ્ઞાની બ્લાસ્ટ: અધ્યાત્મ એટલે માત્ર વાતો, જગત દેખાડો કે આડંબર નહીં, બલ્કે અનુભવના ઊંડાણમાં ઉતરી જીવનમાં ઉતારેલી સ્વીકારેલી હકીકત એટલે અધ્યાત્મ! - અજ્ઞાની વર્ષો પહેલાં મધરાતે ખંડેર મધ્યે બંને ભાઈબંધોએ લખેલા કાગળિયા સારું થયું કે હું સાચવી રાખતો હતો, નહીં તો! ખેર...

*બ્લાસ્ટ*

અધ્યાત્મ વિશે મોટી-મોટી વાતો કરનાર અને પોતે વર્ષોથી ભાગવત, ગીતા, ઉપનિષદ જેવા ગ્રંથોનું પઠન કરે છે, ત્રણ કલાક ધ્યાનમાં બેસે છે—આમ યેનકેન પ્રકારે જે ખુદને આધ્યાત્મિક કહે છે, સમજે છે; એના જ મુખે જ્યારે બદલો લેવાની વાત નીકળે છે અથવા તે પોતાની સાથે ખરાબ વ્યવહાર કરનારની સાથે મનમાં પણ જો અગર ખરાબ વ્યવહાર થાય એવી ઈચ્છા રાખે છે, ત્યારે એનો આધ્યાત્મિકતાનો અંચળો આપોઆપ ઉતરી જાય છે! અને એ વાત સાબિત થઈ જાય છે કે તે માત્ર આધ્યાત્મિક હોવાનો જગત દેખાડો અને આધ્યાત્મિક હોવાનો નર્યો દંભ કરે છે. -

"અજ્ઞાની"

*બ્લાસ્ટ*

"હું રોજ ત્રણ કલાક ગીતા, ભાગવત, ઉપનિષદો વાંચું છું, પછી મગજને થાક લાગે અને વાંચનનો ભાર લાગે ત્યારે મનનો ભાર અને થાક ઉતારવા થોડો સમય અન્ય મનગમતી ભૌતિક પ્રવૃત્તિ કરું છું!" જ્યારે પણ કોઈ આવી વાત કરે છે ત્યારે એ હાસ્યાસ્પદ લાગે છે! અને એને કહેવાનું મન થાય છે કે, "લ્યા ભલા માણસ, તો પછી મનને થાક લાગે, મગજ ભારે થઈ જાય એવા નિરર્થક વાંચન જ શા માટે કરો છો?" હું નથી માનતો કે મનગમતી કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં થાક લાગે! મારી દ્રષ્ટિએ આ ચેષ્ટા, આધ્યાત્મિક વાતો યા વાંચન એટલે જાતને છેતરવાની ચેષ્ટા, માત્ર જગત દેખાડા કરવાની ચેષ્ટા અને કર્મથી છટકવાના ફાંફા સિવાય કંઈ જ નથી! -

"અજ્ઞાની"

મે જોયું જાણ્યું ને અનુભવ્યું કે , અત્ર તત્ર સર્વત્ર દુ:ખ જ દુ:ખ છે બહાર..!
"અજ્ઞાની" મગર પરમ ચરમ અખંડ અનંત અલૌકિક સુખ છે ભીતર..!
"અજ્ઞાની"
વર્ષો પહેલાં સાંકડી ગલી ના છેવાડે આવેલ મહોલ્લાની ભીતર છેક છેવાડે આવેલ ખંડેર મધ્યે મધ રાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા ભાઈબંધ અનંતે અઢળક અનુભવના આધારે કહ્યું હતું કે, *"अनंत" कर्म ही धर्म कर्म ही पूजा।* *"अनंत" कर्म से वडा कोई न दुजा।* *"अनंत"*
જો કે મારા બંને ભાઈબંધો ની મનાઈ હોવા છતાં હું ક્ષમા સાથે બંને ભાઇબંધોએ વર્પષો પહેલા કહેલી વાતો આ ખંડેરની દીવાલ પર લખવાની ગુસ્તાખી કરી રહ્યો છું .!

કારણ કે ,






No comments:

Post a Comment