Tuesday, 8 July 2025

નાજુક વેલ ને જોઈતી હોય છે વડલાની ઓથ...

 



શું તને યાદ છે?

વર્ષો પહેલાં ભાઈબંધે લખેલું સત્ય...

"શું તને યાદ છે?"

કેટલાંય વર્ષો બાદ આજે હું એ વડલા પાસેથી પસાર થયો...

અને મારી આંખો સમક્ષ એ હર એક ક્ષણ તરવરી ઊઠી, અને હું એ ક્ષણમાં સરી પડ્યો... 

હા, મને યાદ આવે છે કે, આ જ વડલાની ઓથે એક દિવસે મને તું મળી હતી. ત્યારે ભીતર ભીતર કૈં કેટલીયે ઝંખનાઓ એક સામટી ઉમટી પડી હતી... 

જરાક અમથા તારી આંગળીના ટેરવાના સ્પર્શ માત્રથી...

'હું' આખેઆખો ઝણઝણી ઊઠ્યો હતો, અને તું પણ પગથી માથા સુધી મારા ટેરવાના સ્પર્શથી ઝણઝણી ઉઠી હતી... 

તે દિવસે મારી વાટ જોતી તું વડલા ઓથે ઊભી હતી, અને મેં સંતાઈને પાછળથી આવી તારો લાંબો લચક ચોટલો જ્યાં પૂર્ણ થતો ત્યાં, હા, બસ ત્યાં જ મેં હળવેકથી એક હળવી ચુટકી ખણી હતી!

પહેલાં તો સફાળી તું મારા પર ગુસ્સે થઈ ગયેલી....

પણ પછી પાછું ફરીને તેં જ્યારે મને જોયો ત્યારે....

તું ઝીણું ઝીણું મલકાઈ હતી, કેવું સુંદર લજવાઈ હતી...

જોકે પછી તારો ચહેરો ગુસ્સાથી ગુલાબી થઈ ગયો 'તો....

અને સાવ ધીમેકથી તેં મને કહ્યું હતું, "હટ રે... લુચ્ચા..! શરમાતો નથી..!" એવું તું બબડી હતી!

આપણે જે વડલાની ઓથે મળતા, એ વડલાને એક નાજુક વેલ વીંટળાયેલી હતી.

બસ એ વેલની જેમજ ! પછી તું મને વીંટળાઈ હતી.

એક એક ક્ષણમાં આપણે કેવુ મસ્ત જીવતા હતા જાણે એક આખો ભવ...

યાદ છે તને? પછી થોડા દિવસ આપણે મળી નહોતા શક્યા....

એ દિવસે તને અને મને એક ક્ષણ પણ એક ભવ જેવી લાગી હતી....

અને પછી જ્યારે મળ્યા ત્યારે મને જોઈને તું, અસલ પેલા વડલામાં વીંટળાયેલ વેલની જેમ જ તું મને છાતી સરસો ચાપી કેવી વળગી હતી....

મે પણ તારા ખભે માથું ઢાળી દીધુ હતું 

અને ત્યારે તારા આંસુથી મારા શર્ટનું ખિસ્સું ભીનું ભીનું થયું હતું....

એકબીજા વગર આપણું જીવવું કેટલું અસહ્ય...

અને ત્યારે તારો ખભો તારીય ઓઢણી ક્યાં કોરી રહી 'તી?

"પ્રેમ જ્યારે ખૂબ આગળ વધે છે ને, પછી મનમાં એક ડર પેદા થાય છે કે, આ સાથ કદી છૂટી તો નહીં જાય ને?"

"અને જો એવું થાય તો?"

એ કલ્પના માત્રથી હું ધ્રુજી જતો હતો.

અને તું પણ કેવી ડરી જતી હતી...

અને એક દિવસ ખરેખર એવું જ થયું!

જેનો મને ડર હતો..!

મને ડર હતો કે હવે આભ ફાટશે...

કારણ કે તે દિવસે મારા પહેલાં તું આવીને એ વડલાની ઓથે ઉદાસ બેઠી હતી...

આખરે એ જ થયું જેનો મને ડર હતો..!

મેં હળવે રહી તારા ખભે હાથ મૂકી તને પ્રેમથી પૂછ્યું હતું, "કેમ આજે તું ઉદાસ છે...?"

અને તું, મને ગળે વળગી ગઈ હતી... 

તારી આંખોય ચોધાર વરસી હતી... 

અને તું ધ્રુસકે ધ્રુસકે કેટલું બધું રડી હતી...

મને વળગીને મારી છાતીમાં માથું ઘાલીને, 

બસ તું રડતી રહી, કશું જ ના બોલી શકતી હતી ના કશુંજ કહી શકતી હતી... 

મગર હું સમજી ગયો હતો!

કે, તે દિવસ આપણા મિલનની અંતિમ ઘડી હતી... 

તું વેલ હતી, તારે વિસ્તરવું હતું!

ને સ્થિતિ મારી હતી વડલા સમી..!

વડલો ચાહે તો પણ ક્યાં ખસી શકતો?

વડલાના મૂળ હતા ઊંડા !!!

તે વિસ્તરી શકતો હતો માત્ર ઊંડે ઊંડે જ!

એ બંધાયેલો હતો તડકે તપીને પણ બધાને છાંયો આપવા...!

એના છાયે ઘણા આવતા ને જતાં!

ઘણા એની વડવાઈએ હિંચકા ખાતા!

કેટલીયે વેલ એને વીંટળાઈ જતી ને પછી છોડી જતી!

શું તું એમ માને છે કે વડલાને વેદના નહીં થતી હોય?

થતી હોય છે..! ખૂબ વેદના થતી હોય છે વડલાને પણ...

જ્યારે જ્યારે તેને પ્રેમથી વીંટળાયેલી વેલ છોડી જાય છે... 

બસ મારી સ્થિતિ અસલ એ વડલા જેવી જ હતી. 

પણ આજે કેવો સંયોગ થયો!

તું પણ પ્રેમના એ દિવસો યાદ આવતા...

એ એકલા અટૂલા વડલાને મળવા આવી હતી અને, હું પણ,

વડલો તો આજે પણ એની એ જ જગ્યાએ ઊભો હતો...!

એ ચાહે તો પણ ક્યાં કશે જઈ શકે એમ હતો?

પણ એ જોઈ વડલો રડી પડ્યો કે, કોઈ સમયે એને વીંટળાઈને રહેતી, લીલીછમ વેલ સાવ કેવી સુકાઈ ગઈ હતી...

સાવ કરતાં સાવ કરમાઈ ગઈ હતી....

વડલાના વિયોગમાં....

"અનંત"

*બ્લાસ્ટ* 

નાજુક નમણી વેલને જોઈતી હોય છે એક ઘેઘૂર વડલાની ઓથ.! 

" અનંત" વડલાની પણ ઈચ્છા કે નાજુક નમણી વેલ તેને કાયમ વીંટળાઈને રહે.!

" અનંત " 

https://www.facebook.com/share/15rY9myqjP/

No comments:

Post a Comment