Wednesday, 7 January 2026

મારે બસ આટલું જ કહેવાનુ હતું કે,



તે દિવસે ભરબપોરે હું મહોલ્લામાં કોઈ કામ અર્થે ગયેલો... ત્યારે અજ્ઞાની ગેરહાજર હતો અને અનંત અંદર ભઠ્ઠીમાં કામ કરતો હતો. વર્ષો પહેલાંની આ વાત છે! હા, વર્ષો પહેલાંની જ વાત છે! છતાં જો તને શંકા જાય, તો એમાં મારો નહીં પણ તારો વાંક છે! જોકે એ સમયે તેની એ અવદશામાં જે અવસ્થા હતી, તે ખૂબ સારી હતી! એવું ખુદ તેણે જ એ પાગલ અવસ્થામાં કહ્યું, લખ્યું કે કબૂલ્યું હતું:

હતી પાગલસી દશા! નથી પાગલસી મજા! "હું" છું, "હું" નથી! શું છું, ખબર નથી! સાચું શું? ખોટું શું? સાચું-ખોટું, હું કંઈ ના જાણું! હું "અનંત" છું, ઈશ્વર નથી!

જોકે પાગલો જે કરી શકે છે, તે ડાહ્યા લોકો ક્યારેય નથી કરી શકતા! કારણ કે ડાહ્યાઓને તેમનું ડહાપણ કે પછી દોઢ ડહાપણ નળે છે. આવી દશામાં તે ક્યારેક ક્યારેક નહીં, પણ મોટે ભાગે બારી, દરવાજા કે દીવાલ સાથે પણ વાતો કરતો. હું આ ત્રીજા વિશ્વની દીવાલની વાત નથી કરતો; આ 'દરો-દીવાલ' તો આજકાલ જન્મી છે. અને હવે એના પર અઢળક લોકો/'લોકી' ચિતરામણ કરે છે. ('લોકી' એટલે દૂધી નહીં, પણ સ્ત્રીઓનો સમૂહ... :) )

હું પણ અહીં મારી આ દીવાલ પર ચિતરામણ કરું છું, પણ ભાઈબંધના એ જ શબ્દોથી, જે વર્ષો પહેલાં ભાઈબંધે પોતાની મસ્તીમાં ખંડેરની દીવાલો અને જૂની પસ્તીમાં લખ્યા હતા. હા, તો આ ત્રીજા વિશ્વની દીવાલો તો આજકાલની જન્મી છે, પણ 'અનંત' વર્ષો પહેલાં પણ દીવાલો પર લખ્યા કરતો. આ હકીકત છે, કોઈ કાલ્પનિક વાર્તા નથી. હા, વાર્તા જેવી હકીકત છે, એ વાત નોખી છે! અને શંકા કરવાને કોઈ કારણ નથી. પુનિત રૂપારેલ (Punit Ruparel) જીવતો-જાગતો અને આ હકીકત જાણતો એકમાત્ર બોલતો પુરાવો છે! બીજા કદાચ જાણતા હોય પણ બોલે નહીં, એવું પણ બને..!

બસ આમ એકાંતે એ 'પાગલસી દશા'માં... આગ, ધુમાડો અને રાખથી ભરેલો... તે બારી, દરવાજા ને દીવાલો સાથે વાતો કરતો. અર્થાત લખતો, પણ બધું ગરબડિયા અક્ષરે, જે પછી ઉકેલાય નહીં. કોઈ સાજો-નરવો માણસ બહુ સમય કોઈ બીમાર સાથે રહે, તો એક દિવસ એવો આવે જ કે તે સાજો પણ બીમાર થઈ જાય. અર્થાત, ચેપ લાગી જ જાય. મને ક્યારેક એવું લાગે છે!

"જેના મૂળિયાં ઊંડા ઊતરી ગયા હોય એ કાઢવા વસમા લાગે. કાઢવા બેસો તો નીકળી જાય! પણ જો એક સાખ રહી જાય ભીતર, તો ફરી ઝાડ ઊગવા લાગે."

આમેય કહે છે ને કે, "ભેંસ સાથે ગધેડો રહે તો વાન આવે પણ શાન તો ના જ આવે." અર્થાત: "કાળા સાથે ધોળો રહે તો વાન આવે પણ શાન તો ના જ આવે." મને પણ ક્યારેક ક્યારેક એવું લાગે છે. એમાં તું શું દાંત કાઢે છે! હા, તો એ અનંત... ક્યારેક સાવ એકલો પણ હોય. પાણીનું માટલું, ગ્લાસ, કોલસાની ભઠ્ઠી અને તેની આગ - આ બધા તેની સાથે હોય, એટલે તે એની સાથે પણ વાતો કરે. પાણી પીતાં પીતાં અનંત પાણીને કહે: "વાહ રે પાણી, તારી અજબ કહાણી! મને તારું કામ ગમ્યું; રંગ હોવા છતાં તું બેરંગ છે. પણ તોય જે રંગમાં ભળે, એવો જ તું દેખાય."

પાણી રે પાણી, અજબ તારી કહાણી. તારો ભૂતકાળ, તારું વર્તમાન, તારું ભવિષ્ય... કોઈ શકે ના જાણી. તારામાં અનેક રંગ ઉમેરી લોકો કરે ઉજાણી, અવનવા રંગોમાં ભળી તું એક અનોખો રંગ ધરે, તારું અસલ રૂપ જાણવા કોઈ કરે તો શું કરે...

બસ, આ રીતે અનંત પાણી પીવે તો પાણી પણ તેની સાથે વાતો કરે. તેની વાતો પણ ક્યારેક સમજાય અને ક્યારેક ના સમજાય એવી ગોળ-ગોળ હોય. એકવાર હું અચાનક ત્યાં જઈ ચડ્યો. મારા આગમનથી અજાણ અનંત ભીતરના રૂમમાં કામ કરતાં કરતાં પોતાની મસ્તીમાં કંઈક બડબડ કરતો હતો. હું રૂમની બારી પાસે ઊભો રહી ગયો. મને કંઈ સમજાતું નહોતું કે તે શું બબડે છે! થોડીવાર સાંભળવાનો અને સમજવાનો પ્રયાસ કર્યો, પણ કંઈ સ્પષ્ટ સમજાયું નહીં.

"લ્યા, શું એકલો એકલો બબડાટ કરે છે?" અચાનક મારો અવાજ સાંભળી તે પાછો ફર્યો. મારી સામે ક્ષણભર જોયું અને પછી ફરી પોતાના કામમાં પરોવાઈ ગયો. મેં ફરી કહ્યું, "લ્યા, તને કહું છું, કંઈ સમજાય એવું તો બોલ!" "નહીં ફાવે!" સાવ ટૂંકો જવાબ, અને પછી ચૂપ! તે ફરી કામમાં પરોવાઈ ગયો, ધુમાડામાં ખોવાઈ ગયો. જોકે આગમાં હોમાઈ ગયો એમ કહું તો પણ વધારે પડતું નહીં ગણાય, કારણ કે એ કડવું સત્ય છે! જો તે ત્યાં ના હોત તો ક્યાં હોત? એવો વિચાર આવે જ, પણ પરિવારની જવાબદારીને કારણે તે ક્યાંય જઈ જ ના શક્યો. બસ, આગમાં રાખ ફાંકતો રહ્યો અને ધુમાડામાં આંખો બાળતો રહ્યો.

મેં જોયું કે દરવાજા પર તેણે કંઈક લખેલું છે. ચોકની રજ નીચે પડેલી જોઈ હું સમજી ગયો કે આ તાજું લખાણ છે. મેં તે વાંચવાનો પ્રયત્ન કર્યો, પણ મને સરખું ઉકેલાયું નહીં. એટલે મેં કહ્યું, "યાર, કંઈક ઉકલે એવા અક્ષરે તો લખ!" ત્યારે તે મને વઢ્યો, "પરિયા, એ બધું તારે ઉકેલીને શું કામ છે? તું નાહક ઊકલી જઈશ જો આ ઉકેલવા જઈશ!" તેણે બે અર્થમાં વ્યંગ કર્યો. પછી કહે, "મોડી રાતે ઉકેલીશું ને યાર! આ ખરા બપોરે એક તો ભઠ્ઠીની આગ અને માથે ઉનાળાનો સખત તાપ! બાપ રે બાપ..."

એટલામાં ગેરહાજર અજ્ઞાની હાજર થયો અને બોલ્યો, "બાપ રે બાપ... બહાર પણ તાપ ને ભીતર પણ તાપ! પરિયા, અનંતની વાત સાવ સાચી છે. આવા ધોમધખતા તાપમાં કંઈ જ ઉકલશે નહીં. એના કરતાં મોડી રાત્રે મસ્ત પવનમાં, મોજથી આપણે ત્રણેય ઉકેલીશું એકબીજાને..." મેં કહ્યું, "ઠીક છે, એ જ યોગ્ય રહેશે." આટલું કહી હું ત્યાંથી રવાના થયો.

"ચાની ચુસ્કી ભરતાં ભરતાં, રોજ રાતે અમે ખૂબ વાતો કરતાં..." આખરે તે શું બબડ્યો હતો? એ જાણવા હું રાતની રાહ જોવા લાગ્યો. અંતે ધરતી પર અંધારું ઉતર્યું અને આકાશમાં તારા ટમટમ્યા. મધરાતે હું લેંઘો-ઝભ્ભો પહેરીને મહોલ્લામાં ચા લઈને પહોંચી ગયો. મસ્ત ઠંડો પવન વાતો હતો. મહોલ્લામાં પહોંચી હું અધખુલ્લા દરવાજામાંથી ભીતર પ્રવેશી ગયો. મને જોઈને તેઓ ખુશ થઈ ગયા. મારી ખાલી ખુરશી જાણે બોલી: "આવ પરિયા, આવ! બેસ! હું ક્યારની તારી વાટ જોઉં છું!" હું મારી પ્યારી ખાલી ખુરશી પર બેસી ગયો.

અજ્ઞાની કહે, "લ્યા પરિયા, જલ્દી ચા ભર! મારે પણ અનંતનું બપોરનું અટપટું લખાણ સાંભળવું છે." ટીપોય પર ઊંધી પડેલી પ્યાલીઓ સીધી કરતાં અનંત બોલ્યો, "પરિયા, આજકાલ તું જરા ડાહ્યો થઈ ગયો હોય એવું મને કેમ લાગે છે?" મેં ચા રેડતાં કહ્યું, "એ તો અજ્ઞાનીએ કહ્યું છે એટલે..." અજ્ઞાની કહે, "અચ્છા, એટલે તું હવે કહ્યાગરો થઈ ગયો એમ?" મેં કહ્યું, "હું તો પહેલેથી જ ડાહ્યો અને કહ્યાગરો છું!" અનંત કહે, "તો પછી આ પાગલપન?" મેં હસીને કહ્યું, "એ તો તમારા બેઉનો ચેપ!" અજ્ઞાની કહે, "એ સિવાય કોઈ નડતર?" મેં કહ્યું, "હા, એ સિવાય છે 'કળતર' જેવી 'નડતર' - અક્કલ!"

અનંતે પૂછ્યું, "એ વળી કોણ છે?" મેં કહ્યું, "બુદ્ધિ!" અનંત હસીને બોલ્યો, "પરિયા, તારી મતિ મારી ગઈ છે! લાગે છે તને કોઈ લત લાગી ગઈ છે!" મેં કહ્યું, "બીજું કંઈ આડું નથી આવતું, પણ આ 'અક્કલ' બહુ આડી આવે છે!" અનંત કહે, "અક્કલ તો બહુ કામની ચીજ છે યાર! જોને, અમારી પાસે નથી એના વાંકે અમે બહાર નથી આવી શકતા." મેં કહ્યું, "હા યાર, પણ મને તો એ જ નડતર લાગે છે. મને ક્યારેક મારી ઓછી અને ક્યારેક કોઈની વધારે અક્કલ આડી આવે છે!"

ચાની ચુસ્કી ભરી અજ્ઞાનીએ કહ્યું, "યાર, આપણે વ્યર્થ ચર્ચા કરી રહ્યા છીએ. તું જે જાણવા આવ્યો હતો એ તો પૂછ!" મેં કહ્યું, "અરે હા! ચાલ અનંત, જલ્દી કહે કે બપોરે તું શું બબડતો હતો?" અનંત કહે, "હવે એ વાત મૂકને!" અજ્ઞાની કહે, "તારો આ જ વાંધો, કાયમ અધૂરું શું કામ છોડવાનું?" મેં કહ્યું, "વાતનો કોઈ અંત હોય કે નહીં? કે પછી તારા નામની જેમ બધું અનંત જ રહેશે?" મેં જીદ કરી, "જલ્દી બોલ, મારે મોડું થાય છે!"

અનંત અને અજ્ઞાની મારી સામે જોઈને હસવા લાગ્યા. પછી અનંત બોલ્યો:

"અનંત" પહેલે ગર તુને મુજે ટોકા ના હોતા... મેં "અનંત" ઇશ્કે દરિયામે કબકા બહે ચુકા હોતા... અગર તુને પહેલે મુજે રોકા ના હોતા... "અનંત"

મેં કહ્યું, "યાર, હું કંઈ સમજ્યો નહીં." તો તે કહે, "એ બધી જવાબદારીઓ મારી ના હોય! તું અપની અક્કલ લગા... મેરા દિમાગ મત ખા... અબ ઘર જા ઔર સોજા... રાત ભર સોચના... સુબહ તક કુછ સમજમે આયે... તો ફીર રાતમે હમે ભી બતાના..."

મેં કહ્યું, "તને તો ખબર જ હોય ને કે તું શું બોલ્યો છે!" જવાબમાં અનંત એટલું જ બોલ્યો: "તો તો જોઈએ શું...!"

*બ્લાસ્ટ* 

"અનંત" મારે બસ આટલું જ કહેવાનું હતું કે, 

સમજાય એ જરૂરી નથી, તને ન પણ સમજાય...

"અનંત"


No comments:

Post a Comment