Wednesday, 6 May 2026

ઉકલી ગયા પછી ઉકલશે...

 ## **ઉકલી ગયા પછી ઉકલશે**

બે ભઠ્ઠીની આગ વચ્ચે પરસેવે નીતરતો લાલઘૂમ ચહેરો, જેમાં કોલસા ભાંગતા કાળા થયેલા હાથ વડે મોઢું લૂછ્યું હોય એટલે ધોળા ચહેરા પર કાળા ધાબા પડેલા હોય! એ અવસ્થામાં ભીતર જે પીડા હોય, વેદના હોય, એ કોને કહેવા જવી?

બસ, આમ સહી ન શકાય અને કોઈને કહી પણ ન શકાય એવી વેદના, વ્યથા કે પીડા; અને વચ્ચે-વચ્ચે ઉંમરભર ન મીટતી પ્રેમની ભૂખ અને સુવાળી હૂંફની અનંત ઈચ્છા "અનંત" ને લખવા મજબૂર કરતી. એટલે જેવી અંતરમનમાં ઊર્મિ ઉભરાય કે તરત એ જ કોલસાવાળા કાળા હાથે, દીવાલ પર જૂના કાગળિયાં ભરાવી કલમ સાથે લટકાવી રાખેલું લાકડાનું પેડ ઉતારી તે તરત ગરબડિયા અક્ષરે લખવા બેસી જતો...

મેં ક્યારેય એને ફુરસતમાં લખતા જોયો ન હતો. સતત કામમાં વ્યસ્ત! જ્યારે પણ લખતો, જે કોઈ પસ્તી કે કોરો કાગળ હાથમાં આવે તેમાં તે મનમાં જે આવે તે ટપકાવી દેતો. જોકે, એને એકવાર કોઈ પ્રસિદ્ધિની નહીં, બલ્કે એવી ઈચ્છા જરૂર થયેલી કે આંખોથી માત્ર એનું લખાણ નહીં, બલ્કે અંતરથી, મનથી, હૃદયથી કોઈ એને પણ વાંચે! અને એને વાંચનાર... કોઈ સુંદર, સમજદાર સ્ત્રી હોય, જે એની વાતો હૃદયથી સમજે!

મગર ખબર નહીં કેમ, એ ઈચ્છા કે ઝંખના એની ભીતર બહુ લાંબો સમય ટકી નહીં. છતાં પણ એની કલમ ક્યારેય અટકી નહીં. સિદ્ધિ કે પ્રસિદ્ધિની ઝંખના છૂટ્યા પછી એ માત્ર નિજાનંદમાં, અક્ષર ગરબડિયા હોવા છતાં, સતત લખતો રહેતો. અને એ એમ જ કહેતો: "હું કોઈને પણ કાંઈ જ કહેતો કે સમજાવતો નથી! હું જે કંઈ લખું છું, કહું છું એ માત્ર મને જ કહું છું. હું સતત મને જ સમજાવું છું! પછી અગર... કોઈ સમજી જાય તો વાત જુદી છે!"

એકવાર મેં એને કહ્યું: "યાર, ક્યારેક તો સારી બુકમાં સારા અક્ષરે લખ! સાવ કેવો માણસ છે તું!" ત્યારે અનંતે વેદનામય જવાબ આપતા મને કહ્યું: "પરિયા... હું પણ ક્યાં એવો વ્યવસ્થિત છું? હું અસલ મારા અક્ષર જેવો જ છું ને! ગોબરો, ગરબડિયો, ઠામ-ઠેકાણા વગરનો, અવ્યવસ્થિત... અસ્પષ્ટ જ છું હું પણ!"

ઉકલી ગયા પછી ઉકલીશ કદાચ હું કોઈકને... 

"અક્ષર મારા તને કદી ઉકલ્યા? તું મારી સાથે, મારી પાસે સતત અને ખાસ તો રોજ રાતે હોવા છતાં, શું તું મને સમજી શક્યો? સાચું કહેજે, તને મારા સમ છે."

તેની વાતો સાંભળી હું બિલકુલ ચૂપ રહ્યો. મારી પાસે એના સવાલોનો કોઈ જ જવાબ નહોતો! કેમ કે હું એની સાથે, એની પાસે જ હોવા છતાં એને સમજી શક્યો નહોતો. મને મૌન થયેલો જોઈ એણે કહેલું: "તું ફિકર ના કર પરિયા... અગર તું 'ના' કહેશે તો હું પણ તારી વાત સાથે સહમત છું!"

"ખૈર પરિયા... વખત જતાં મારા શબ્દોનું, મારા લખાણોનું અને મારા વિચારોનું... સૌ પોતપોતાની રીતે અર્થઘટન કરશે! કોઈને અર્થ લાગશે તો કોઈ અર્થ પામશે, અને કોઈને બધું જ સાવ વ્યર્થ લાગશે! સૌ મરજી મુજબ અટકળ કરશે મારા વિશે!"

"ને પછી! ગૂઢાર્થની વાત આવશે, ભાવનાની વાત આવશે! લોકોને સારા લાગશે, સમજાઈ જશે! લોકો ઉકેલવાની કોશિશ કરશે ને ઉકલી પણ જશે! પણ, પણ... મારા ઉકલ્યા પછી! અર્થાત્ મારા ઉકલી ગયા પછી, મારા ગુજરી ગયા બાદ... કદાચ ત્યારે કોઈને અફસોસ થશે, કોઈકની આંખો પણ ભીની થશે! 'અનંત'... મગર, મારી હયાતી બાદ..."

" અનંત "હું ઉકલી ગયા પછી ઉકલીશ કદાચ, કોઈકને... 

*બ્લાસ્ટ*

એજ મને ચાહશે અનંત....

એ જ મારી નજીક આવશે!

એ જ મને કદિક પામશે!

જે માત્ર આંખોથી નહીં,

બલ્કે "અનંત" પ્રેમ અને આત્માના ઉંડાણેથીમને વાંચશે!

"અનંત"

અનંતની તમામ વાત ચૂપચાપ સાંભળી રહેલા "અજ્ઞાની"એ અંતમાં ભાઈબંધ અનંતને કહ્યું:

*બ્લાસ્ટ:*

હે "અનંત", આ સિદ્ધિ શું ઓછી કહેવાય?

કે કોઈ પ્રસિદ્ધિની લગીરે ઝંખના જ ન રહે!

"અજ્ઞાની"

https://www.facebook.com/share/p/14dqMBaQST3/

No comments:

Post a Comment