Saturday, 27 December 2014

અંતિમ પ્રેમ પત્ર



અંતિમ પ્રેમપત્ર...

કાલે રાત્રે અનંતના જૂના ઝર્ઝરિત કાગળિયાં ફંફોસતાં મને ફરી એક પ્રેમપત્ર મળ્યો...

જેનું શીર્ષક વાંચીને મને હસવું આવ્યું! કદાચ તને પણ આવશે... કે પછી ગુસ્સો પણ આવે!

તો સાંભળ, એ પ્રેમપત્રનું શીર્ષક શું હતું ખબર છે?

એ પ્રેમપત્રનું શીર્ષક હતું: "અંતિમ પ્રેમપત્ર..."

આ વાંચીને મને હસવું આવ્યું! સાલો આવા તો કેટલાય પત્રો લખી ચૂક્યો છે, જેનું શીર્ષક "અંતિમ પ્રેમપત્ર..." હોય! પાગલ હતો એ... પ્રેમનો તે ભલા કદી અંત આવતો હશે?

માણસનો અંત આવી જાય, પણ એના પ્રેમનો ક્યારેય અંત નથી આવતો. એ કારણે જ એ વારંવાર આ પૃથ્વી પર અવતાર લે છે...

પ્રેમ અનંત છે, પ્રેમ સનાતન છે, પ્રેમ જ સત્ય છે!

આ દુનિયામાંથી એક દિવસ નફરત ખતમ થઈ જશે, પણ પ્રેમ ક્યારેય ખતમ નહીં થાય. કેમ કે પ્રેમ ક્યારેય ખતમ થયો જ નથી, પ્રેમ ક્યારેય ખતમ થતો જ નથી!

પ્રેમ બધાની ભીતર છે. જેની પાસે છે, તે બીજાને આપે છે. જે આપે છે તે પામે છે, જેટલો આપે છે તેટલો પામે છે.

(આમાં અપવાદ હોઈ શકે, ક્યાંક આનાથી ઊલટું પણ થાય!)

જેની પાસે નથી એ પણ પ્રેમ ઝંખે છે, જેની પાસે છે તે પણ પ્રેમ જ ઝંખે છે.

પ્રેમ અનંત છે. પ્રેમની તાકાત પ્રચંડ છે! એટલે જ તો અનંતે લખ્યું હતું કે:

"ઉમ્રભર નહીં મીટતી 'અનંત' યે દો ભૂખ,

એક પ્રેમકી ઈચ્છા ઔર દૂજી પ્રેમીસે હૂંફ."

અહીં અનંતે પોતાના નામ સાથે જ ખૂબીપૂર્વક કહી જ દીધું છે કે—હૂંફ અને પ્રેમની ભૂખ અનંત છે. છેક સુધી માણસ પ્રેમ અને હૂંફ ઝંખે છે. દુનિયાનો અંત છે, પણ પ્રેમનો કોઈ જ અંત નથી! અને એનો પુરાવો બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી...

પ્રેમ હતો, છે અને રહેશે...

પ્રેમ હતો એના પુરાવા રૂપે હું, તું, તે, તમે, આપણે બધા જ છીએ!

અંતમાં પ્રેમ જ બચશે એના પુરાવા રૂપે એ પછી પણ કોઈ આવશે—પ્રેમ થકી જ તો!

અને જ્યારે કોઈ નહીં રહે, ત્યારે પણ પ્રેમ જ રહેશે! અને જેમ વારંવાર થયું છે તેમ ફરી નવી દુનિયાનું સર્જન થશે... પ્રેમ થકી જ!

પ્રેમ અનંત છે, જેનો કોઈ જ અંત નથી; તેમ છતાં અનંતે અનેક પત્રોમાં લખ્યું છે: "અંતિમ પ્રેમપત્ર..."

એટલે મને કે તને હસવું આવવું સ્વાભાવિક છે. તને કદાચ ગુસ્સો પણ આવી શકે આવા ખોટાળા માણસ પર! પણ મને એના પત્રો ગુસ્સો નહીં, બલ્કે વિચારવા મજબૂર કરતા. મને પ્રશ્ન થાય કે એવું તે શું હતું? તે આ પત્ર કોને સંબોધીને લખતો? જ્યારે લખતો ત્યારે શો ભાવ હશે? કોના માટે હશે? આ કલ્પવું મારા માટે મુશ્કેલ છે.

આજે પણ હું એ જ મુશ્કેલી અનુભવું છું. મને પ્રશ્ન પણ થાય છે કે—અનંતનો પ્રેમ કે પત્ર કદી અંતિમ કેમ ન થયા?

હર એક અંત એક નવી શરૂઆત હોય છે, એમ એના અંતિમ પત્રો વાંચીને થતું કે એ પોતાના પ્રેમને એક નવી ઊંચાઈ પર લઈ જતો!

હા, પહેલાંના અંતિમ પત્રમાં અને આ અંતિમ પત્રમાં થોડોક ફર્ક હતો...

પહેલાંના પત્રોમાં ફક્ત આટલું જ લખ્યું હતું: "અંતિમ પ્રેમપત્ર..."

અને આ અંતિમ પ્રેમપત્ર, જે કાલે રાત્રે મને મળ્યો છે, અત્યારે મારા હાથમાં, મારી સામે છે, તે પત્રમાં એણે લખ્યું છે:

"અંતિમ પ્રેમપત્ર..."

અને એની નીચે લખ્યું છે: "અંતિમ સવાલ..."

જોઈએ હવે કેવો સવાલ છે?

એ પહેલાં અનંતની પ્રકૃતિની થોડી વાત કરું તો એ સાવ પાગલ જેવો જ હતો. એનામાં ભરપૂર પ્રેમ હતો, એટલે જ તો એ હંમેશાં કહેતો:

"હું જો ગળે પડીશ તો ગૂંગળાવી નાખીશ... અને જો કદી તું મને છોડી દઈશ કે હું તને છોડી દઈશ, તોપણ તું ગૂંગળાઈ જઈશ..."

પણ એ બંને વાક્યો બોલ્યા મુજબ વર્તતો નહીં. આમેય જગતમાં ક્યાં કોઈ બોલેલું નિભાવે છે?

આમાં પહેલું વાક્ય તે ખરેખર સાર્થક કરતો, પહેલું વાક્ય બોલ્યા મુજબ વર્તતો. પણ બીજા વાક્ય મુજબ વર્તવું શક્ય ન હતું અનંત માટે. કેમ કે એક વાર હૃદયથી હૃદયના સંબંધ બંધાયા પછી ક્યારેય તે તૂટતા કે છૂટતા નથી!

હા, સંજોગોવશાત્ ભુલાય છે જરૂર, પણ ભુલાયેલું તો પાછું ક્યારેક યાદ પણ આવે ને?

ગળે પડીને ગૂંગળાવી નાખવાની આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે તે મારી નાખવાની નહીં, ભરપૂર આલિંગવાની વાત કરે છે! જરા કલ્પના કરો, એનામાં પ્રેમનો કેટલો પ્રચંડ પ્રવાહ વહેતો હશે! એનું આલિંગન કેટલું તીવ્ર હશે! જેનામાં પ્રેમનો આવો પ્રચંડ પ્રવાહ વહેતો હોય અને કોઈ બીજું એ પ્રવાહને ઝીલનાર ના મળે, ત્યારે એ વ્યક્તિ ખૂબ અકળાય નહીં તો બીજું શું થાય?

પ્રેમી પીડાય છે ઘૂઘવતા દરિયાની માફક...

દરિયો જાણે પ્રેમથી ભરેલો! દરિયાનો પ્રેમ મોજાં રૂપે ઊછળે છે, ખડક સાથે અફળાય છે, માથાં પછાડે છે... ધસમસતો આવે છે ને જાણે થાકીને પરત જાય છે. પણ ત્યાં એ સ્થિર નથી રહી શકતો, પ્રેમ તેને સ્થિર નથી રહેવા દેતો... ને ફરી તે ધસમસતા પ્રચંડ મોજાના રૂપમાં આવે છે!

દરિયાનો પ્રેમ ઝીલનાર દરિયાને જ્યારે નથી મળતો, ત્યારે ક્યારેક એનો પ્રેમ સુનામી રૂપે પ્રગટ થાય છે! અને પછી ક્યારેક એ ક્રોધમાં ને ક્રોધમાં કેટલાયને પોતાની સાથે ભીતર તાણી જાય છે...

એક સાચો પ્રેમી પ્રેમમાં માત્ર પ્રેમ અને હૂંફ જ ઝંખતો હોય છે. આમેય પ્રેમમાં પ્રેમ અને પ્રેમની હૂંફ જ પ્રથમ સ્થાને આવે છે, સેક્સ તો છેક છેવાડે આવે છે. સેક્સ એ તો માત્ર પ્રેમની આડપેદાશ હોય છે... કદાચ એનાથી ઊલટું પણ હોઈ શકે! જે હોય તે, શું ફર્ક પડે છે? આખરે બંને છે તો પ્રકૃતિને આધીન જ ને? પછી કોઈ માટે આ બંને આગળ-પાછળ હોઈ શકે.

પ્રેમ એક અલૌકિક સફર જેવો હોય છે. પ્રેમમાં જીવાતી હરેક ક્ષણ અલૌકિક હોય છે, ત્યાં સુધી કે પ્રેમમાં મળતી પીડા પણ અલૌકિક હોય છે... આવું અનંત સતત કહેતો.

પ્રેમની કોઈ જ મંજિલ નથી હોતી. ઘણા નાદાનો એવું સમજે છે કે સેક્સ એ પ્રેમની મંજિલ છે, પણ એવું બિલકુલ નથી! પ્રેમ સફર છે અને સેક્સ માત્ર પડાવ છે, એક વિસામો છે... જેમ યાત્રા દરમિયાન કોઈ મુસાફિર થાકીને કોઈ ઘેઘૂર વૃક્ષની શીતળ છાયામાં થોડો પોરો ખાય છે, વિશ્રામ કરે છે અને પછી આગળ વધે, બસ અસલ એટલું જ અને એવું જ પ્રેમમાં સેક્સનું હોય છે—માત્ર એક પડાવ, એક વિશ્રામ... અને ફરી આગળની જીવનસફર!

એકધારી યાત્રાથી માણસ જેમ થાકે છે, તેમ એક જ જગ્યા પર કાયમી પડાવ પણ કંટાળો જ આપે છે. આ પ્રેમની યાત્રા બહુ લાંબી છે, અનંત યાત્રા છે આ! પણ તેમ છતાં માત્ર પડાવ માટે કોઈ સફર ના કરી શકે. એનાથી હજુ આગળ એવું ઘણું છે જે અનંત છે, જ્યાં પરમ આનંદ છે... એ તમને એ પ્રેમ, એ આનંદ આપવા ચાહે છે, જે અનંત છે, તે મારી-તમારી રાહ જોઈને બેઠું છે!

માત્ર સેક્સ માટે કોઈ પ્રેમ ના કરી શકે, અને એવું જે ઈચ્છે તે પ્રેમી નથી. એ સિવાય જે કંઈ બને, જે કંઈ આપ-લે થાય, એમાં કોઈ મજબૂરી હોઈ શકે, પ્રેમ તો નહીં જ! પણ અંતે તો આ બધું પ્રકૃતિગત જ હોય છે ને?

અનંતને મંજિલની તમન્ના નહોતી, કેમ કે એને સફરમાં મજા આવતી. એનું લક્ષ્ય પ્રેમ અને હૂંફ માત્ર હતું.

અનંત ક્યારેક આવું અટપટું કહેતો:

"પ્રેમથી પેટ ભરાય ના,

ભરાય પેટ ભોજનથી.

એ જે પાસે છે તે જો ના આપે પ્રેમ, તો—

કોઈ આપે હૂંફ 'અનંત' દૂર જોજનથી!"

તારાથી ઉકેલાય તો આ કોયડો પછી તું નિરાંતે ઉકેલજે...

તેં કહ્યું હતું કે તારી ઈચ્છા છે અનંતના પ્રેમપત્રો વાંચવાની, એટલે હું આજે માત્ર તને અનંતના જૂના ઝર્ઝરિત કાગળિયાં ફંફોસતાં ફરી મળી આવેલો એક પ્રેમપત્ર જ સોંપું છું!

લે, વાંચ હવે તું પ્રેમથી... અનંતનો એક ઓર "અંતિમ પ્રેમપત્ર"!

હજુ આ પત્ર પણ અંતિમ છે એમ ના સમજવું, કેમ કે એના અંતિમ પત્રોનું પહેલા પ્રેમ જેવું હોય છે. પ્રેમ ક્યારેય પ્રથમ કે અંતિમ ના હોઈ શકે. એ જ્યારે પણ થાય, જેટલી વાર થાય, જેની પણ સાથે થાય... પહેલી, બીજી, ત્રીજી કે ચોથી વાર પણ—કેમ પ્રેમ નથી થતો? છેલ્લી વારનો પ્રેમ હોય તોપણ એ આનંદ હંમેશાં પ્રથમ પ્રેમ જેવો જ આપે છે! કેમ કે હર વખતે પ્રેમી કે પ્રેમિકા બદલાય છે, પ્રેમ નથી બદલાતો. અને એ બદલાયેલાં બંને એકબીજા માટે તો પ્રથમ જ હોય છે... એટલે આનંદ પણ!

તો અનંતનો આ અંતિમ પ્રેમપત્ર સાવ ટૂંકો છે, પણ એમાં છુપાયેલો અનંતનો પ્રેમ ઊંચો છે! પત્રમાં પૂછાયેલો સવાલ પણ આમ તો સાવ નાનો, પણ તીરની નોક જેવો ઝીણો, વેધક સવાલ છે...

એની સાથે વાતે-વાતે મીઠા ઝઘડા કરતી એની પ્રિયતમા એક દિવસ સાચે જ ગુસ્સે થઈને ઝગડી પડી, સાચે જ! અનંત પણ અડિયલ હતો, મચક ના આપી! પેલી જે વાત કાયમ જ્યારે મીઠા ઝઘડા થતા ત્યારે મજાકમાં કહેતી કે—

"જા, જા હવે! તારા હોવા-ના હોવાથી મને કશો જ ફર્ક નથી પડતો કે નથી પડવાનો..."

આ જ વાત તે દિવસે એણે અનંત સાથે બબાલ થતાં ગુસ્સામાં આવી સાચેસાચ કહી દીધી, અને પગ પછાડતી "હવે ક્યારેય મને બોલાવતો નહીં" આમ કહી ધમકી દઈને ચાલ્યા ગઈ...

આ બધી વાતો અનંતે મને કહેલી, જે હું તને કહું છું. અને પછી એને મનાવવા અનંતે પણ જાણે ધમકી દેતો હોય એમ "અંતિમ પ્રેમપત્ર" આવું શીર્ષક આપીને જે પત્ર લખ્યો, તે આ રહ્યો:

પત્ર:

હશે તારી પણ મજબૂરી કંઈ,

કે પછી... તારે જવું હતું અને તું ગઈ!

તારા શીખે મને છોડીને જનારી કેટલામી થઈ?

મને ખબર નથી...

હા, એ વાત નક્કી છે! એ વાત ખરી છે કે મેં તને હદથી વધુ તંગ કરી છે.

ખેર, કરી તો કરી, હવે હું માફી તો હરગિજ નહીં જ માગું!

પણ મને તું એ કહે કે, જ્યારે તું મને એમ કહીને ગઈ કે—

"તારા હોવા કે ના હોવાથી મને કોઈ જ ફર્ક નહીં પડે!"

તો પછી મોટા ઉપાડે પગ પછાડી જતાં-જતાં...

તું આંખો કેમ લૂછતી હતી...?

હું જાણું છું કે જતાં-જતાં તું રડતી હતી!

મારે વધુ કશું જ નથી જાણવું, બસ તું મને મારા આ નાનકડા સવાલનો જવાબ દઈ દે કે—

તું સાચી કે તારી આંખો...???

"અનંત"

બ્લાસ્ટ ("અજ્ઞાની"):


"જેની કોઈ શરૂઆત નથી, તેનો કોઈ અંત નથી...

જેનો કોઈ અંત જ ના હોય, એની શરૂઆત કેવી!

જે આવ્યું કે ગયું નથી,

તે આવતું કે જતું નથી...

એ તો હોય જ છે 'અજ્ઞાની',

બસ તેં શોધ્યું કે જોયું નથી!"

"અજ્ઞાની"









    
   





No comments:

Post a Comment