Saturday, 9 August 2025

"અજ્ઞાની" કોઈ ગુનાહ માફ નહીં થાય...

 


"અજ્ઞાની" કોઈ ગુનાહ માફ નહીં થાય..

હીશાબ છે, હીશાબમાં બાદ નહીં થાય.. "અજ્ઞાની"

વર્ષો પહેલાં, મારા ભાઈબંધ અજ્ઞાનીએ અડધી રાત્રે ખંડેર મધ્યે ચાય પીતા પીતા આમ કહ્યું ત્યારે, ચાયની ચુસ્કી ભરી હંમેશની માફક મેં સવાલ ભરી નજરે અજ્ઞાની સામે જોઈ પૂછ્યું, "અર્થાત્.?"

અને અજ્ઞાની સામે જોઈ અનંત ખડખડાટ હસ્યો... એ રાતનું અનંતનું હાસ્ય નિર્દોષ નહોતું, મગર એ ભેદી અને અટ્ટહાસ્ય જેવું હતું... ખબર નહીં, અનંત આવું કેમ હસ્યો! પણ દાઢી પર હાથ ફરાવી મૂછ પર બાઝેલી ચાયના બુંદ લૂછી અજ્ઞાની મારી સામે જોઈ ગંભીર છતાં હળવું હસ્યો... અને મારા સવાલનો જવાબ આપતા કહ્યું,

"પરીઆ..., મોટા ભાગના લોકો એમ જ સમજે છે કે અજાણતા થયેલા ગુનાહ સજા મુક્ત હોય છે, મગર એવું હરગીઝ નથી હોતું. ભૂલમાં થયેલી ભૂલ, ભૂલમાં બોલાયેલું જૂઠ કે અજાણતા થયેલું કોઈ પણ પાપ, હત્યા, કોઈ પણ ગુનાહ માફ નથી..."

લોકો એમ જ સમજે છે કે એક વ્યક્તિના હાથે બીજી વ્યક્તિનું ખૂન થવું એને જ માત્ર હત્યા કરી કહેવાય... એક વ્યક્તિ બીજી વ્યક્તિને જાનથી મારી નાખે એને જ હત્યા થઈ કે એક વ્યક્તિએ બીજી વ્યક્તિની હત્યા કરી નાખી એમ કહેવું સમજવું ઘણું ભૂલ ભરેલું છે.

કરપીણ હત્યા આને પણ કહી શકાય...
કોઈનો પ્રગાઢ વિશ્વાસ તોડવો, અર્થાત્ વિશ્વાસઘાત કરવો, એ પણ એક રીતે કરપીણ હત્યા જ કરી કહેવાય... 

જે હત્યા કરતાં પણ ભયાનક પાપ છે! કારણ કે હત્યા થતાં કોઈ એક જ વાર મરે છે! મગર જેનો વિશ્વાસઘાત થાય છે તે વારંવાર પારાવાર મરતો હોય છે!

એક ઊંડો શ્વાસ લઈ આગળ અજ્ઞાનીએ કહ્યું,

"પરીયા..."

જાણી જોઈને કે અજાણતા થયેલું સાચું, ખોટું, સારું, ખરાબ જે કંઈ પણ કોઈ કરે છે, યા કોઈના થકી થાય છે તે બધું જ..! હિસાબ મુજબ થાય છે.! હિસાબ ચોખ્ખો થાય છે.! હિસાબમાં કંઈ જ બાદ થતું જ નથી.!

દશરથે ક્યાં જાણી જોઈને શ્રવણની હત્યા કરી હતી? એણે તો હરણ છે એમ જાણીને તીર છોડેલું ને!? તો પણ દશરથના પ્રાણ પણ રામના વિયોગમાં તરફડીને મરી ગયેલા શ્રવણના મા-બાપની માફક જ છૂટેલા... અજાણતા થયેલા ગુનાહની સજા પણ દશરથને ભોગવવી પડેલી... અજાણતા થયેલ ગુનાહની સજા રૂપે રામને વનવાસ થયો અને દશરથના પ્રાણ રામના વિયોગમાં તરફડીને છૂટ્યા હતાં...

અજ્ઞાનીની વાત સાંભળી મને એ અંધારી રાતના અનંતે કરેલા ભેદી અટ્ટહાસ્યનો ભેદ સમજાય ગયો...

બ્લાસ્ટ

સંતો, ગ્રંથો યુગોથી ચેતવે છે, સમજાવે છે કે, "અજ્ઞાની" સત્ય બોલો, સાચા માર્ગે ચાલો, જૂઠથી બચો, પાપથી બચો, જાણીને કે અજાણતા પણ જો કોઈને દુભાવશો તો સમય જતાં ખૂબ દુઃખી થશો... 

"અજ્ઞાની" તો પણ ક્યાં લગીરે સમજાય છે આપણને? 

તો પણ ભોગવવું પડ્યું રામ વિયોગનું દુઃખ દશરથને... 

નહીં તો દશરથે ક્યાં જાણી જોઈને માર્યો હતો શ્રવણને!?

"અજ્ઞાની"
https://www.facebook.com/katira.paresh/posts/pfbid02jQusfm1C7uWPAatd1q5MwVHxUST43YighbTvt5mcAkn8J9BdRzzh9ajmBK4299R5l?__cft__[0]=AZXPU1bfL5Y-fV5ykiKBoT2OxBrR7tIj1OfZGj5b3vxB09f_8hAeIUcfeCtN1z5Z6dp3UPY0aGkidqLg259W_JWPrzfa1OhNGFmomwg0VfBulyuZZNqjzc-U3_xeuP1KBxubZ0h_y1VJ2mcZ_VkfYqVQghEIwZL8dCTQeWaPvm63Hw&__tn__=%2CO*F

No comments:

Post a Comment