Saturday, 2 May 2026

મંજિલ સુધી પહોંચવા, મંજિલને પામવા..

 



*બે-મતલબ કી બાતેં*

થાક લાગે, કંટાળો પણ આવે,

માથું પણ પાકી જાય,

અરે! આખે-આખું શરીર પણ થાકી જાય,

તો પણ...

મંજિલ સુધી પહોંચવા, મંજિલને પામવા,

મંજિલ માટે લાંબી મજલ કાપવી તો પડે,

તો જ સફર ફળે,

અને તો જ મંજિલ મળે!

ઘણા દિવસો પછી, ઘોઘી હસતી-હસતી ઘોઘાના આંગણે આવી. ઘરમાં પ્રવેશી અને ટીપોય પર લંબાવેલા ઘોઘાના પગને ઉપાડીને નીચે મૂકી, પોતે ટીપોય પર બેસી ગઈ ઘોઘાની સામે. કેટલાય દિવસથી ઘોઘા-દર્શનની પ્યાસી આંખો ઘોઘીએ ઘોઘાની આંખોમાં પરોવી અને હળવેકથી કહ્યું:

"ઘોઘા! એક વાત પૂછું?"

ઘોઘાએ કહ્યું, "હાં! પણ તું કંઈ પૂછે એ પહેલાં હું તને કહું એ સમજ."

"બોલ!"

"જો ઘોઘી, પૂછવાનું હોય એને સવાલ કહેવાય, વાત તો કહેવાની હોય!"

"ઓહ! સોરી! પણ તું શબ્દોમાં આટલો ઊંડો!!! ક્યારથી?" ઘોઘીએ આશ્ચર્ય સહ કહ્યું.

પોતાના વધી ગયેલા જીથરાં જેવા વાળ પાછળ કરતાં ઘોઘાએ કહ્યું, "તારા પનારે પડ્યો ત્યારથી!"

આંખો નચાવતા ઘોઘી બોલી, "ઠીક છે, ઠીક છે હવે બહુ મલાઈ ના માર!"

ઘોઘાએ કહ્યું, "હાં તો બોલ હવે, કંઈ કહેવું છે કે પૂછવું છે?"

"એક સવાલ પૂછવો છે, પૂછું?"

"હવે બીજો પૂછ!"

"અરે પણ બીજો કેમ? હજુ પહેલો તો પૂછ્યો નથી!"

ઘોઘાએ સીધું જ ટૂંકમાં કહ્યું, "ત્રીજો પૂછ!"

અકળાયેલી-મૂંઝાયેલી ઘોઘીએ કહ્યું, "અરે પણ ઘોઘા, હજુ તો પહેલો પણ..."

ઘોઘી આગળ કશું કહે એ પહેલાં ઘોઘાએ કહ્યું, "ઘોઘી, એક સવાલ પૂછવાનું કહીને તું સવાલ પર સવાલ કરે છે! જે પૂછવું હોય એ ઝટપટ પૂછી નાખ, મને તરસ લાગી છે!"

ઘોઘી ગુસ્સાભરી એક નજર ઘોઘા પર નાખી "હુહ!" એમ છણકો કરતી ઊભી થઈ. પગની પેનીએથી ટીપોયને હડસેલો મારી બબડાટ કરવા લાગી: "સવાલને અને તરસને શું લાગે-વળગે છે, ખબર નથી પડતી!"

એમ બબડાટ કરતી પાણીયારે ગઈ અને પાણીનો ગ્લાસ ભરી ઝડપભેર પરત આવી. તરત જ પાણીનો ગ્લાસ ઘોઘાના મોં પાસે ધરીને કહ્યું, "લે, પી જલ્દી!"

ઘોઘો એક શ્વાસે આખે-આખો ગ્લાસ પાણી ગટગટાવી ગયો, જાણે ભવ-ભવનો તરસ્યો હોય! ઘોઘાએ પાણી એમ પીધું કે પા ભાગનું પાણી શર્ટ પર ઢોળાયું! તીવ્ર તરસની એ જ તો મજા છે, કંઈ ભાન ના રહે!

પાણી પી ટીપોય પર ગ્લાસ મૂકતા તૃપ્ત થયેલો ઘોઘો, શર્ટ સોંસરવું છાતીમાં ઉતારેલ પાણીને હથેળીથી લૂછતાં બોલ્યો: "હાશ્શ! મજા આવી ગઈ હોં બાકી!"

પણ ઘોઘી ગુસ્સે થઈ, "પાણી પીતાય નથી આવડતું અક્કલ વગરનાને! શર્ટ પલાળી નાખ્યો, જાણે શર્ટનેય પાણી પાયું હોય!"

"લેતા જો આવડે તો પાણી પીવામાં પણ અલૌકિક આનંદ આવે! શરત બસ એટલી જ કે તરસ સખત, **'અનંત'** તીવ્ર હોવી જોઈએ!"

તરસ ઘોઘાને લાગી અને મને ભાઈબંધનો વર્ષો પહેલાં લખેલો શેર યાદ આવી ગયો....

મનમાં અકળાયેલી-ગુસ્સાયેલી ઘોઘીએ અકળામણ અને ગુસ્સો મનમાં જ દાબી ઘોઘાને કહ્યું, "હવે શાંતિ થઈ હોય તો હું કાંઈક પૂછું!"

"શાંતિ તો મને પહેલાં પણ હતી!" ઘોઘાએ હસતા-હસતા કહ્યું.

ઘોઘીને લાગ્યું કે ઘોઘો ચાઈ-ચાઈને મને ચીડવવા વાત ખેંચે છે, એટલે એની સાથે ખોટી જીભાજોડી કરવામાં માલ નથી. મારે જે પૂછવું છે તે પૂછી નાખું એમાં જ સમજદારી છે! એમ પોતાને મનોમન સમજદાર સમજી ઘોઘીએ ઘોઘાને પૂછ્યું:

"ઘોઘા, તું કોઈ હસ્તીને ઓળખે છે?"

"ના ઘોઘી! હસ્તી નામની કોઈ યુવતી આજ સુધી મારા જીવનમાં આવી જ નથી!"

"અક્કલ વગરના, હું કોઈ યુવતીની વાત નથી કરતી!"

"અચ્છા, તો અગર જો મારી ગેરસમજ ના થાતી હોય અને તું હાથી વિષે પૂછતી હોય, તો હું હાથી નામના પ્રાણીને જોયાભેરો ઓળખી જાઉં. આમ જોકે મારે એની સાથે કોઈ નજીકની ઓળખાણ નૈ, પણ જોઉં એટલે ઓળખી જાઉં કે આ હાથી છે. એનું એક કારણ છે, કારણ કે બચપનમાં જ્યારે હું નાનો હતો, ત્યારે શેરીમાં બાવાઓ હાથી લઈને આવતા જેના ગળામાં ઘંટડી બાંધેલી હોય. એટલે જ્યારે પણ ઘંટડીનો અવાજ આવે ત્યારે બીજા બાળકો સાથે હું પણ શેરીમાં દોડી જતો હસ્તીને જોવા. અને ક્યારેક પાંચિયું સૂંઢમાં મૂકતો એટલે હાથી એ પાંચિયું સૂંઢ ઊંચી કરી માથે બેઠેલા બાવાને આપતો. એ જોવાની મને બૌ મજા આવતી!"

પોતાની વાતના તાનમાં ગુલતાન ઘોઘાએ વાતના અંતે ઘોઘી સામે જોયા વિના જ કહ્યું, "એ તો બધું ઠીક ઘોઘી, પણ તેં આવો સવાલ કાં પૂછ્યો મને?"

ખરેખર ઘોઘી કોના વિષે પૂછવા માંગે છે એ પૂરું સાંભળ્યા-સમજ્યા વગર ઘોઘાએ પોતે હાથીને સારી રીતે ઓળખે છે એ સાબિત કર્યું! ઘોઘો લવારી કરતો હતો એ દરમિયાન ઘોઘી તો બે હાથે માથું પકડી, નીચું ઘાલીને જ બેઠી હતી! ભલભલા કે ભલી નીચું જ ઘાલી જાય ને! આવી ફાલતુની લવારી કોણ સાંભળે? ઘોઘી તો મજબૂર હતી, ક્યાં જાય!

ઘોઘાએ વાતના અંતે પૂછેલા સવાલનો જવાબ ના મળતા ઘોઘો ભાનમાં આવ્યો અને જોયું તો ઘોઘી તો હજુ એમનેમ બે હાથે માથું પકડીને નીચી મૂંડી કરીને બેઠી છે! આ જોઈ ઘોઘાએ ઘોઘીને કહ્યું:

"કાં, કંટાળી ગઈ? તને પૂછું છું! માથું પકડીને શું બેઠી છે?"

ઘોઘા સામે તીણી આંખે તાકીને, પોતાની હથેળી કપાળ પર ઠોકતાં ગુસ્સે થઈ ઘોઘી બોલી, "તો શું કરુંઉઉઉ! તું ક્યારનો એકધારો મારું માથું પકવે છે!"

"લે બોલ! એક તો તું ગમે ત્યારે ગમે તેવો સવાલ કરે એનો હું તને પ્રેમથી જવાબ આપું તોય મારો વાંક્ક!"

"અક્કલ વગરના, સરખું સાંભળ્યા-સમજ્યા વગર લવારી કરે છે ક્યારનો! પેલા પૂછતો ખરો કે હું શું પૂછવા માંગું છું!"

"લે! એમાં પૂછવાનું શું હોય? તેં હસ્તી વિષે પૂછ્યું તો મેં હસ્તી વિષે કહ્યું. પેલા મને એમ કે તું કોક હસ્તી નામની છોકરી વિષે પૂછે છે, તો મેં તને ના પાડી કે હું હસ્તી નામધારી કોઈ છોકરીને નથી ઓળખતો."

ઘોઘો વળી માથું પકાવવા લાગ્યો એટલે ઘોઘીએ ઘોઘાની વાત વચ્ચેથી કાપીને કહ્યું, "અને પછી તું હાથી વિષે લવારી કરવા માંડ્યો નૈ!"

"લે, પણ મને એમ કે ઓલું ખોટું પડ્યું તો આ સાચું પડશે. તું આ હસ્તી એટલે કે હાથી વિષે પૂછતી હોઈશ, એટલે મેં તને હાથીને કઈ રીતે ઓળખું હું એ કહ્યું. એમાં મેં શું ખોટું કર્યું કે તું મારા પર કારણ વગરનો આટલો ગુસ્સો કરે છે!"

ઘોઘીએ ઊંચા અવાજે કહ્યું, "ડોબા! ના તો મેં તને હસ્તી નામની છોકરી વિષે પૂછેલું, ના તો હાથી વિષે..."

"તો? તો તું કોના વિષે પૂછતી હતી એ શાંતિથી કહે ને! એમાં આટલી રાડો શું પાડે છે!"

"ઊભો રહે, હમણાં કહું! હવે પહેલાં મને પાણી પી લેવા દે!" એમ કહી ઘોઘી પાણિયારે ગઈ. "ઊભો રહે હમણાં કહું" એમ કહ્યું એટલે ઘોઘાને સાથળમાં ફાળ પડી કે હવે સાથળનું આવી બનશે! પણ એવું કશું બન્યું નહીં અને ઘોઘી સાચે પાણિયારા તરફ ગઈ. એટલે ઘોઘો મનોમન હાશકારો અનુભવતા બોલ્યો, "હાશ! સાથળ બચી તો લાખો પાયે. ઘોઘી! મારા માટે પણ એક ગ્લાસ ભરતી આવજે!"

પાણી પીતા-પીતા ઘોઘી ઓતરાઈ ગઈ. "ઉહફ ઉહફ ફૂર ફર ફૂરરર..." ઉધરસ ખાતા-ખાતા ઘોઘી બોલી, "કીધા વગર હાલતું નથી! તરસ્યા, મને ખબર છે તને પાણી પીધા વગર હાલતું નથી!"

પછી ઘોઘી પાણીનો ગ્લાસ ભરી પેલાની જેમ જ ઘોઘાને પાણીનો ગ્લાસ પકડાવી પાછી ઘોઘા સામે ટીપોય પર બેસી ગઈ. અને ઘોઘાએ પણ પેલાની જેમ જ શર્ટ ભીંજવી પાણી પીધું. 'ખાધું-પીધું ને રાજ કીધું' એમ કહું તો ઘોઘી નારાજ થઈ જાય, એટલે નથ કહેતો.

અને પછી ઘોઘીએ કહ્યું, "ઘોઘા!"

"હાં, બોલ."

"હસ્તી એટલે હું એવી વ્યક્તિ વિષે વાત કરું છું જે આ દુનિયામાં મહાન થઈ ગઈ હોય. ઘોઘા, શું તું એવી કોઈ મહાન હસ્તી યાને વ્યક્તિને ઓળખે છે?"

ગોઠણના ટેકે કોણી અને હથેળીના ટેકે હડપચી ટેકવી ઘોઘો યાદ કરવા લાગ્યો એવી હસ્તી જેને તે ઓળખતો હોય. ઘોઘી રાહ જોતી હતી ઘોઘાના જવાબની. થોડી વાર વિચારી ઘોઘાએ કહ્યું:

"નજીકથી તો હું કોઈ પણ હસ્તીને નથી ઓળખતો ઘોઘી!"

"મેં ક્યાં તને એવું કહ્યું કે પૂછ્યું છે ઘોઘા કે તું નજીકથી કોઈ હસ્તીને ઓળખે છે?"

"ખોટું બોલમાં ઘોઘી, તેં એવું જ કહ્યું હતું કે— ઘોઘા, શું તું એવી કોઈ મહાન હસ્તી યાને વ્યક્તિને ઓળખે છે?"

"હશે બાપ! મારી ભૂલ થઈ ગઈ. હવે હું એમ પૂછું છું, તું કોઈ હસ્તી વિષે કંઈ જાણે છે?"

"ના હો! હું કોઈ વિષે કશું જ જાણતો નથી! કારણ કે ઘોઘી, હું પુસ્તકો વાંચતો નથી! છતાં હું થોડી-ઘણી હસ્તીને ઓળખું છું ખરો."

ઘોઘી ખારી થઈ ગઈ, "અક્કલ વગરના! એ જ તો મેં તને પહેલાં પૂછેલું, ત્યારે તો તું..."

ઘોઘીની વાત કાપી ઘોઘાએ વચ્ચે જ કહ્યું, "હાં, પણ એ તો હજુ પણ કહું છું કે હું નજીકથી..."

ઘોઘાની વાત કાપી ઘોઘીએ ગુસ્સે થઈ કહ્યું, "હવે બંધ થા અને બોલ, કોને-કોને ઓળખે છે તું!"

"એ ચમકે છે પણ હીરો નથી હોતો, પરપોટો હોય છે. પાણીના પરપોટામાં એટલી શક્તિ નથી હોતી ઘોઘી, એટલે એ જરાક અમથી હવા ભરાય કે પટ્ટ કરતા ફૂટી જાય છે. શું સવાલો કરીને ઘોઘી, તેં આવો સવાલ કેમ પૂછ્યો? તને પૂછું છું ઘોઘી, તેં આવો સવાલ કેમ પૂછ્યો?"

ઘોઘાએ ઘોઘીને મૂંઝવી નાખી.

ચમકે પણ ટકે નહીં એવી,

અસ્સસલ પરપોટા જેવી,

એને હસ્તી કેમ કહેવી?

સવારે હસ્તી હોય 'ને સાંજે પસ્તી!

પહેલાં ભણેલા ઓછા હતા અને અભણ જાજા, અને ભણેલામાં થોડું વધુ ભણેલા અને વિચારશીલ એટલે ઊભરી આવતા. પહેલાં વસ્તી પણ ઓછી હતી.

એક હસતી તું...

અરીસામાં જો!

https://www.facebook.com/share/p/18nectDUTg/

વાંચી ને, ઓલીએ કહ્યું. 

પ્રિયે, ઘોઘા-ઘોઘીની આ "બે-મતલબ કી બાતેં" ખરેખર મજેદાર છે! તેં જે રીતે સંવાદોમાં રમૂજ અને જીવનનું તત્વજ્ઞાન વણી લીધું છે, એ વાંચતા-વાંચતા ક્યારેક હસવું આવે છે તો ક્યારેક ગંભીરતાથી વિચારતા કરી દે છે. પેલો પાણી પીવાનો પ્રસંગ અને હસ્તી (વ્યક્તિ) અને હસ્તી (હાથી) વચ્ચેની ગેરસમજ—આ બધું જ તેં બહુ સચોટ રીતે આલેખ્યું છે.

તારીજ પ્રીયે... 


 


No comments:

Post a Comment