નિર્દોષ ગુનેહગાર·
"કાશ... આ ઘટના સત્ય હોત!"
અનંતની આત્મકથા
વર્ષો પહેલા જીવતો ભાઈબંધ આજે પણ જીવે છે, અને મેં તેને જીવતે જીવ જોયો છે. તેના ચહેરા પર હાસ્ય છે, પણ ભીતરમાં અનંત વેદના અને પીડાનું આક્રંદ છુપાયેલું છે. અને છતાં, તેના જીવનમાં અનંત આનંદ પણ છે. આવું જીવન જીવતા મારા ભાઈબંધ અનંતે લખેલી આ સત્ય ઘટના, તેની આત્મકથાનો એક ભાગ છે.
સતત, બસ કામ, કામ ને કામ...
આજે મંગળવાર છે, ગુરુવાર છે કે રવિવાર? કે પછી કઈ તારીખ અને કયો વાર છે? મને ક્યારેય ખબર નહોતી રહેતી કે ક્યારે કયો તહેવાર આવ્યો અને ક્યારે જતો રહ્યો. જે તહેવાર આવીને ગયો, તે કયો હતો, તે પણ મને ખબર નહોતી. કારણ કે, મારે બારેમાસ માત્ર મહેનત સાથે જ વહેવાર હતો.
સવારના પાંચ વાગ્યાથી શરૂ થતી મારી અગ્નિપરીક્ષા ક્યારેક રાતના બાર વાગ્યે પૂરી થતી. આખો દિવસ હું ઉબડ ખાબડ સાંકડી ગલી ની ભીતર મહોલ્છેલાની અંદર છેક ભીતર આવેલા એક ખંડેર જેવા ઘરમાં મારું કામ કરતો રહેતો, જ્યાં હું દુનિયાથી સાવ અલગ પડી જતો. બહાર શું ચાલે છે તેની પણ મને ખબર ન પડતી.
બપોરનું ભોજન પણ લગભગ અગ્નિની સાક્ષીએ જ થતું. હું ભઠ્ઠી પાસે જ કામ કરતાં કરતાં થોડું ખાઈ લેતો. કારણ હતું બચત. જો હું કામ અટકાવું તો નુકસાન જાય, કોલસા ફોગટમાં બળી જાય. પગ નીચે અંગારા દબાઈ જાય, લાય-લાય બળતરા થાય, પણ મારું કામ ન અટકે. પગને થોડી ઠંડક મળે એટલે પાણીના તપેલામાં પગ ઝબોળી દેતો, પણ મારું હૈયું તો અંદરથી વલોવાતું રહેતું.
હથેળીમાં છાલા પડી જતા. કામની ધૂનમાં ક્યારેક પતરાં સાથે પગ ઘસાતા, અને લોહીની ધાર નીકળતી. ચારેકોર લોહીના પગલાં છપાઈ જતા, પણ મારું ધ્યાન ન જતું.
એક દિવસ હું બહાર ફળિયામાં ગયો, ત્યારે તેણે મને પૂછ્યું, "અનંત, તને કંઈ થતું નથી?"
હું ચાર-ચાર દિવસથી તેનાથી રિસાયેલો હતો, એટલે ગુસ્સામાં મોં ફેરવીને મેં જવાબ આપ્યો, "શું થવાનું છે મને? અને મને કંઈ પણ થાય, એનાથી તારે શું લેવાદેવા?"
પણ તેણે ફરી પૂછ્યું, "અનંત, સાચું કહે, તને કંઈ થતું નથી?"
મને ખરેખર ખબર નહોતી, પણ તેનું ધ્યાન મારા પગમાંથી નીકળતા લોહી તરફ હતું. મેં ફરી ગુસ્સે થઈને કહ્યું, "થાય છે, ઘણું થાય છે, ન થવાનું થાય છે! પણ એમાં તારે શું?"
મેં તેના ચહેરા સામે જોયા વિના ગુસ્સાથી કહ્યું. ચાર-ચાર દિવસ પછી આજે તેને પૂછવાનું કે મને કંઈ થતું નથી? મને એમ કે તે મને મનાવવા મથે છે. મને ખબર નહોતી કે તે મારા પગમાંથી નીકળતા લોહીને જોઈને કહી રહી હતી.
પછી તે બોલી, "નીચે જો."
જ્યારે તેણે મને નીચે જોવાનું કહ્યું, ત્યારે મેં તેની સામે જોયું અને જોયું તો તેની આંખોમાંથી આંસુની ધાર વહી રહી હતી! મને એમ જ કે ચાર-ચાર દિવસથી હું તેની સાથે સરખી રીતે વાત નથી કરતો એટલે તે આજે પીગળી ગઈ છે અને તેની આંખો ભરાઈ આવી છે.
તેને રડતી જોઈને પણ મેં વ્યંગમાં કહ્યું, "કેમ, ચાર-ચાર દિવસ પછી આજે તને રડવું આવ્યું?"
ત્યારે તે બોલી, "અરે પાગલ! તારા પગમાંથી લોહી નીકળે છે અને તને ખબર પણ નથી! તે જોઈને મારી આંખોમાં આંસુ આવ્યા છે!"
પછી મેં જોયું તો મારા લોહીથી લથબથ પગલાં આખા ઘરમાં અને ફળિયામાં છપાઈ ગયા હતા.
દર્દ પર જ્યાં સુધી નજર નથી પડતી, ત્યાં સુધી પીડા શું છે તેની ખબર નથી પડતી.
મારું ધ્યાન ગયું અને ખરી પીડા ત્યારે શરૂ થઈ. પછી તો અંદર જઈને ઘામાં હળદર દાબવાનો પ્રયાસ કર્યો. પણ ઘા એટલો ઊંડો હતો કે જેમ પાળ તોડીને પાણી વહે, તેમ હળદરની દીવાલ તોડીને લોહી વછૂટ્યું. આવી તો અઢળક પીડા...
પણ હવે હું થાકી ગયો છું. સખત, સખત થાકી ગયો છું હું. રીતસરનો કંટાળી ગયો છું. પણ શું કરું? ફરજ ચૂકીને, પરિવારને પડતો મૂકીને ક્યાં જવું?
આટલી પીડા ઓછી હોય તેમ, તેમાં વધારો કરતી પીડા છે પ્રેમની. જે આવે, જ્યાં સુધી તેને મજા આવે, ત્યાં સુધી મારા ભોળા હૃદય સાથે રમી જાય. જેના સ્પર્શથી હું ક્ષણિક અલૌકિક મસ્તી અને આનંદ અનુભવું, અને પછી લાંબા સમય સુધી પીડા અને આક્રંદ અનુભવું.
તે મારા સ્પર્શથી તરી જાય, સુખી થાય. અને હું? ફરી ફરીને એકલો અટૂલો જ રહી જાઉં. અને પાછી તે મને આશીર્વાદ પણ આપે કે, "અનંત, તારા સ્પર્શથી અમે સુખી થયા, તરી ગયા. તું પણ ખૂબ સુખી થશે!"
હાં હું થયો, ખુબ થયો મગર સુખી નહીં ખૂબ જ દુઃખી થયો. મને તેમના આશીર્વાદ ક્યારેય ફળ્યા નહીં. મારું શું થશે હવે? એ મને કોઈ ના પૂછે, ના વિચારે. અને હું પછીથી તેની યાદમાં રડતો રહું, હિજરાતો રહું. મારા આંસુ તો પરસેવા સાથે ભળી જાય, વહી જાય. જોનારને ચહેરા પર કેવળ પરસેવો જ દેખાય.
હશે! જેવો મારો હિસાબ, એમ મન મનાવું. છતાં હારવું મારું કામ નથી. રોજ મનોમન નક્કી કરું કે હવેથી રોજ સવારે સાઇકલ લઈને એક ચક્કર બજારમાં મારી આવું, ખુલ્લી હવા માણી આવું અને પછી જ કામ શરૂ કરું.
પણ સવાર પડે ને પાછો વગર ચક્કર માર્યે કામ પર ચડી જાઉં, કારણ કે કામ, કામ ને કામ.
પણ આજે તો વહેલી સવારે બસ નીકળી જ પડ્યો. મૌજથી, હળવે હળવે સાઇકલ હંકારતો. પેલું ભજન લલકારતો, "તારા દુઃખને ખંખેરી તું નાખ, તારા સુખને વિખેરી તું નાખ..."
અને હું બધા જ દુઃખ, બધી જ પીડા ખંખેરીને વહેલી સવારનું પ્રકૃતિનું સૌંદર્ય માણતો માણતો એક અલૌકિક મસ્તીમાં સાઇકલ ધીમે ધીમે ચલાવતો હતો. હા, રસ્તાની સાઈડમાં જ રહીને સાઇકલ ચલાવતો હતો.
અને અચાનક એક લાલ કલરની બસે ટર્ન માર્યો અને સીધી જ મારી ઉપર ફરી વળી.
હા...શ... અનંત પીડાઓમાંથી છુટકારો...
પ્રેમ, પ્રેમની પીડા, વ્યથા, એકલતા, સતત કામ, કામનો થાક... બધા જ બધાથી એક ઝાટકે છુટકારો!
પણ આ...! શું...! આંખ ખુલી તો હું હતો ત્યાંનો ત્યાં જ, પથારી પર.
અફસોસ...
કાશ... આ વહેલી પરોઢે આવેલું સપનું પણ હર એક ઘટનાની માફક સત્ય ઘટના હોત!
- અનંત


No comments:
Post a Comment