તે દિ ભર બપોરે હું ત્યાં મહોલ્લામાં કઈ કામ સર ગયેલો. ત્યારે, અજ્ઞાની ગેરહાજર હતો અને અનંત અંદર ભઠ્ઠીમાં કામ કરતો હતો. વર્ષો પહેલાની વાત છે! હાં, વર્ષો પહેલાની જ વાત છે! છતાં અગર જો તને શંકા જાય તો, એમાં મારો નૈ, તારો વાંક છે!
જોકે એ સમયે એની એ અવદશામાં જે અવસ્થા હતી તે ખૂબ સારી હતી! એવું ખુદ એણેજ એ પાગલ અવસ્થામાં કહ્યું, લખ્યું 'ને કબૂલ્યું હતું કે,
હતી પાગલસી દશા! નથી પાગલસી મજા!
"હું" છું "હું" નથી! શું છું ખબર નથી!
સાચું શું? ખોટું શું? સાચું-ખોટું હું કઈ ના જાણું!
હું "અનંત" છું, ઈશ્વર નથી!
જોકે પાગલો જે કરી શકે છે, એ ડાયા ક્યારેય નથી કરી શકતા! કેમકે ડાયાને એનું ડહાપણ કહો કે પછી દોઢ ડહાપણ નળે છે! આવી દશામાં એ ક્યારેક ક્યારેક નહીં, પણ મોટા ભાગે એ બારી, દરવાજા કે દિવાલ સાથે પણ વાતો કરતો! હું આ ત્રીજા વિશ્વની દિવારની વાત નથી કરતો. આ દરો-દિવાર તો આજકાલ જન્મી છે અને હવે એના પર અઢળક લોકો-લોકી ચિતરામણ કરે છે! "લોકી" એટલે દૂધી નહીં બલ્કે "લોકી" અર્થાત સ્ત્રીનો સમૂહ. :)
હાં, તો આ ત્રીજા વિશ્વની દરો-દિવાર તો આજકાલની જન્મી છે, પણ "અનંત" વર્ષો પહેલા પણ દિવાલો પર લખ્યા કરતો. આ હકીકત છે, કઈ કાલ્પનિક વાર્તા નથી! હાં, વાર્તા જેવી હકીકત છે, એ વાત નોખી છે અને શંકા કરવાને કોઈ કારણ નથી. (Punit Ruparel)
જીવતો જાગતો અને આ હકીકત જાણતો એક માત્ર બોલતો પુરાવો છે! બીજા કદાચ જાણતા હોય પણ બોલે નૈ એવુય બને! બસ આમ એકાંતે એ પાગલસી દશામાં, આગ આગ, ધૂવા ધૂવા, રાખ રાખથી ભરેલો અને એવા જ બારી, દરવાજા ને દિવારો સાથે એ વાતો કરતો અર્થાત લખતો. પણ બધું ગરબડિયા અક્ષરે, પછી ઉકેલાય કાઈ નૈ.
કોઈ સાજો-સારો માણસ બૌ સમય કોઈ બીમાર સાથે રહે તો એક દિવસ એવો આવે જ કે, એ સાજો પણ બીમાર થઈ જાય! અર્થાત: ચેપ લાગી જ જાય. "મને ક્યારેક એવું લાગે છે!"
"જેના મૂળિયાં ઊંડા ઉતરી ગયા હોય એ કાઢવા વસમાં લાગે, કાઢવા બેસો તો નીકળી જાય! પણ જો એક સાખ રહી જાય ભીતર તો ફરી ઝાડ ઉગવા લાગે."
આમેય કહે છે ને કે, "ભેંસ સાથે ગધેડો રહે તો વાન આવે પણ શાન તો ના જ આવે."
અર્થાત: "કાળા સાથે ધોળો રહે તો વાન આવે પણ શાન તો ના જ આવે."
"મનેય ક્યારેક ક્યારેક એવું લાગે છે!" એમાં તું શું દાંત કાઢે છે!
હાં, તો ઈવડો ઈ અનંત ક્યારેક આમ સાવ એકલો પણ આમ પાણી, પાણીનું માટલું, ગલાસ, આ બધા સાથે હોય એટલે એની સાથે પણ વાતો કરે. પાણી પીતા-પીતા અનંત પાણીને કહે: વાહરે પાણી તારી અજબ કહાણી! મને તારું કામ ગમ્યું, સ્સાલું રંગ છતાં બેરંગ તું! પણ તોય જે રંગમાં ભળે તું એ જ રંગનું તું ભાશે.
પાણી રે પાણી, અજબ તારી કહાણી!
તારો ભૂતકાળ, તારું વર્તમાન,
તારું ભવિષ્ય કોઈ શકે ના જાણી!
તારામાં અનેક રંગ ઉમેરી લોકો કરે ઉજાણી.
અવનવા રંગોમાં ભળી તું એક અનોખો રંગ ધરે,
તારું અસલ રૂપ જાણવા કોઈ કરે તો શું કરે?
બસ આ રીતે અનંત પાણી પીવે તો પાણી સાથે પણ વાતો કરે.
એની વાતો પણ ક્યારેક સમજાય ક્યારેક ના સમજાય એવી ગોળ ગોળ હોય. એકવાર હું ઓચિંતો ત્યાં જઈ ચડ્યો. મારા આગમનથી અજાણ અનંત, ભીતરના રૂમમાં કામ કરતા-કરતા નીજ મસ્તીમાં કઈક બડબડ કરતો હતો. હું રૂમમાં આવેલી બારી પાસે ઊભો રહી ગયો. મને કઈ સમજાતું નહોતું એ શું બબડે છે! થોડીવાર સાંભળવા-સમજવાનો મેં પ્રયાસ કર્યો, પણ કઈ સ્પષ્ટ સમજાયું નહીં!
"લ્યા, શું એકલો એકલો બબડાટ કરે છે!"
ઓચિંતો મારો અવાજ સાંભળી એ પાછો ફર્યો. પાછું ફરી મારી સામે ક્ષણિક જોયું, પછી પાછો પોતાના કામમાં પરોવાઈ ગયો. મેં ફરી કહ્યું, "લ્યા તને કૌ છું, કાઈ સમજાય એવું બોલ!"
"નૈ ફાવે!"
સાવ ટૂંકો જવાબ અને પછી ચૂપ! અને કામમાં પરોવાઈ ગયો, ધુવાણામાં ખોવાઈ ગયો. જોકે આગમાં પરોવાઈ ગયો એમ પણ કહી શકાય અને આગમાં હોમાઈ ગયો એમ પણ! કહું તો વધારે પડતું નૈ ગણાય કેમકે એ કડવું સત્ય છે. અગર એ ત્યાં ના હોત તો ક્યાં હોત એવો વિચાર આવે જ! પણ પરિવારની જવાબદારીને કારણે એ ક્યાંય જઈ જ ના શક્યો ક્યારેય અને બસ આગમાં રાખ ફાંકતો રહ્યો ને ધૂવાણામાં આંખ બાળતો રહ્યો.
મેં જોયું કે દરવાજા પર એણે કઈક લખેલું છે. ચોકની રજ નીચે પડેલી જોઈ હું સમજી ગયો કે તાજું લખાણ છે! કદાચ થોડી વાર પહેલા જ લખેલું હશે. મેં દરવાજા પર લખેલું એ લખાણ વાંચવા પ્રયાસ કર્યો, મને એ પણ સરખું ના ઉકલ્યું. એટલે મેં કહ્યું, "યાર, પણ કાક ઉકલે એવા અક્ષરે લખને!"
એટલે એ મને વઢ્યો. વઢીને એ બોલ્યો, "પરિયા, એ બધું તારે ઉકેલીને શું કામ છે? તું નાહક ઊકલી જઈશ જો તું ઉકેલવા જઈશ!" એણે બે અર્થમાં વ્યંગ કર્યો. પછી ક્યે, "મોડી રાતે ઉકેલશું ને યાર, આ ખરા બપોરે એક તો ભઠ્ઠીની આગ અને માથે ઉનાળાનો સખત તાપ! બાપ રે બાપ!"
ગેરહાજર અજ્ઞાની હાજર થયો અને બોલ્યો, "બાપ રે બાપ! બહાર પણ તાપ ને ભીતર પણ તાપ! પરિયા, સાવ સાચી છે અનંતની વાત. આવા ધોમ ધખતા તાપમાં કઈ જ ઉકલશે નૈ, એના કરતાં મોડી રાત્રે મસ્ત પવનમાં મોજથી આપણે ત્રણેય ઉકેલીશું એકબીજાને!"
મેં કહ્યું, "ઠીક છે ચાલો ત્યારે એ જ ઠીક રહેશે." આમ કહી, હું ત્યાંથી રવાના થઈ ગયો.
"ચાયની ચુસ્કી ભરતા ભરતા, રોજ રાતે અમે ખૂબ વાતો કરતા." આખરે એ શું બબડ્યો? એ જાણવા હું રાતનો ઈંતજાર કરવા લાગ્યો. અંતે ધરતી પર અંધારા ઉતર્યા અને આકાશમાં તારા ટમટમ્યા. અને પછી મધરાતે હું ઝડપભેર લેંઘો-ઝભ્ભો પહેરીને ત્યાં મહોલ્લામાં ચાય લઈને પહોંચી ગયો. મસ્ત ઠંડો પવન વાતો હતો, હવે વાતો કરવાની મજા આવશે! મહોલ્લામાં પહોંચી હું ફટાફટ શરીર સંકોરી અધખુલ્લા દરવાજામાંથી ભીતર પ્રવેશી ગયો.
એ લોકો મને જોઈ ખુશ થઈ ગયા જાણે ચાય સિવાય પણ કઈ ઓર અલૌકિક તલબ લાગી હોય! અને મારી ખાલી ખુરશી બોલી, "આવ પરિયા આવ! બેસ! હું ક્યારની તારી વાટ જોઉં છું!" અને ચાયની કીટલી ટીપોય પર મૂકી હું મારી પ્યારી ખાલી ખુરશી પર બેસી ગયો અને ખાલી ખુરશી મારાથી ભરાઈ ગઈ.
અજ્ઞાની કહે, "લ્યા પરિયા, જલ્દી ચાય ભર! મારે પણ અનંતનું બપોરનું અટપટું સ્પષ્ટ સાંભળવું છે!" ટીપોય પર ઊંધી પડેલી ત્રણેય પિયાલી સીધી કરતા અનંત બોલ્યો, "પરિયા, આજકાલ તું જરા ડાયો થઈ ગયો હોય એવું મને કેમ લાગે છે!"
મેં પિયાલીમાં ચાય રેડતા કહ્યું, "એ તો અજ્ઞાનીએ કહ્યું છે એટલે." અજ્ઞાની કહે, "અચ્છા! એટલે તું હવે કહ્યાગરો થઈ ગયો એમ!" મેં કહ્યું, "કેમ એમ બોલે છે! હું તો પહેલેથી જ ડાયો છું, કહ્યાગરો છું!"
અનંત કહે, "તો પછી આ પાગલપન!" મેં હસીને કહ્યું, "એ તો તમારા બેઉનો ચેપ!" એટલે અજ્ઞાની કહે, "એ સિવાય કોઈ નળતર!" મેં કહ્યું, "હાં, એ સિવાય છે ને કળતર જેવી નળતર." અનંત મને પૂછે છે, "એ વળી કોણ છે પરિયા?"
મેં કહ્યું, "અક્કલ!" "અક્કલ અર્થાત બુદ્ધિ જ ને?" "હાં, આમ તો જોકે એ જ!" મેં કહ્યું, "આ એ જ તો બેર મારી ગઈ છે." અર્થાત અનંત બોલ્યો, "પરિયા તારી મત મારી ગઈ છે! લાગે છે તને કોઈ લત લાગી ગઈ છે!"
અજ્ઞાની કહે, "એ બધું તો સમજ્યા પણ આ અક્કલનું તું શું કહેતો હતો?" મેં કહ્યું, "બીજું મને કઈ કોઈ આડું નથી આવતું, બાકી મને એક આ અક્કલ બૌ આડી આવે છે!"
અનંત કહે, "અક્કલ! એ તો બૌ કામની ચીજ હોય છે યાર. અક્કલનું જીવનમાં હોવું એ તો બૌ સારું કહેવાય. જોને અમારી પાસે નથી એના વાંકે અમે બહાર નથી આવી શકતા." મેં કહ્યું, "હાં યાર, એ સાચું આમ જો કે આંયા આ આપણા ભીતરી ખંડેર જેવી મજા બહાર છે પણ નહીં.! અને એક આ અક્કલ મોટી નળતર યા કળતર લાગે છે મને!"
અજ્ઞાનીએ પૂછ્યું, "એવું તે શું કે તું અક્કલથી આટલો અકળાય છે!" મેં કહ્યું, "એમાં એવું છે ને અજ્ઞાની કે, મને ક્યારેક મારી ઓછી, ક્યારેક કોઈની વધારે અક્કલ આડી આવે!"
સુર્રર્રરર કરતાં ચાયની ચુસ્કી ભરી અજ્ઞાનીએ મને કહ્યું, "યાર, આપણે ક્યારના અર્થ વગરની વ્યર્થ ચર્ચા કરી રહ્યા છીએ અને તું જે મૂળ વાત જાણવા આવ્યો હતો એ તો પૂછતો જ નથી અનંતને!"
મેં કહ્યું, "અરે હાં યાર, એ તો સાવ ભૂલાય જ ગયું. ચાલ ચાલ હવે અનંત, તું જલ્દી જલ્દી એ બતાવ કે તું ખરા બપોરે શું બબડાટ કરતો હતો?" એટલે અનંત કહે, "હવે મૂકને પરિયા એ વાત!" અજ્ઞાની કહે, "તારો આ જ વાંધો યાર, કાયમ અધૂરું શું છોડવાનું?"
મેં કહ્યું, "હું પણ એ જ કૌ છું યાર, વાતનો કોઈ અંત પણ હોય કે નૈ? કે પછી એ પણ તારા નામ પ્રમાણે!" અનંત કહે, "એવું નથી." મેં કહ્યું, "એવું નથી તો કેવું છે યાર, જલ્દી મો માથી ફાટ, મારે મોડું થાય છે!"
અનંત અને અજ્ઞાની બેઉ મારી સામે જોઈને હસવા લાગ્યા. મેં કહ્યું, "કેમ? મારી સામે જોઈને તમે હસો છો?" બેઉ સાથે બોલ્યા, "બસ એમ." પછી અનંત બોલ્યો:
અનંત, ઇશ્કે દરિયામે કબકા બહે ચુકા હોતા.
"અનંત, પહેલે ગર તુને મુજે ટોકા ના હોતા.
અગર તુને પહેલે મુજે રોકા ના હોતા.
" અનંત!"
મેં કહ્યું, "યાર, હું કઈ સમજ્યો નૈ." તો એ નક્ટો કહે, "એ બધી જવાબદારીઓ મારી ના હોય. તું અપની અક્કલ લગા, મેરા દિમાગ મત ખા. અબ ઘર જા ઔર સોજા. રાત ભર સોચના, સુબહ તક કુછ સમજમે આયે તો ફિર રાતમે હમે ભી બતાના."
મેં કહ્યું, "કેમ તને હું શા માટે કહું? તને તો ખબર જ હોય ને તું શું બોલ્યો છે!" જવાબમાં અનંત એટલું જ બોલ્યો, "તો તો જોઈએ શું.!
*બ્લાસ્ટ*
જો કે તેમ છતાં એ ખુશી કે સુખ લાંબુ નથી ચાલતું.!
એ ટકાઉ યા કાયમી નથી.!
એનું આયુષ્ય પણ અલ્પ હોય છે.!
શરૂ માં કે અંત માં એનો અંત નીશ્ચીત છે.!
બહારથી બાહ્ય રીતે ખુશ યા સુખી થવા યા રહેવા કૈં કેટલીયે વ્યક્તિ યા વસ્તુની જરૂર પડે છે! અને તેમ છતાં એના દ્વારા એ પરમ-ચરમ, અખંડ, અનંત, અલૌકિક આનંદની અનુભૂતિ નથી થતી!
"અનંત" મગર ભીતરથી ખુશ યા સુખી થવા! મારા માટે હું એકલો જ કાફી છું! અને મારા એ ભીતરના એકાંતમાં હું પરમ-ચરમ, અખંડ, અનંત, અલૌકિક આનંદની અનુભૂતિ કરું છું!
"અનંત"
https://www.facebook.com/share/p/1J1vQA8uVY/

No comments:
Post a Comment