ફરી આજે "અનંત" ના જ જૂના જરી ગયેલા કાગળિયાં ફેંદતા એક વધુ પત્ર મળ્યો... સાવ એટલે સાવ ટૂંકો...
રચના: પીંજરું!
એક હતું પીંજરું! સુંદર મજાનું, રૂડું-રૂપાળું પીંજરું! જે આમ તો ખુલ્લા જેવું જ હતું, જોકે એના દરવાજાનું ખૂલવું કે બંધ રહેવું એ ક્યાં પીંજરાના હાથમાં હતું? કોઈ ઉઘાડે, કોઈ બંધ કરે! જેને જેમ ફાવે તેમ કરે.
પીંજરાની સાથે સૌ પોતપોતાની રીતે વર્તે. પીંજરું એનું એ જ રહે, બસ પંખી માત્ર બદલાય. એક આવે, એક જાય... આવું એની સાથે જ કેમ થાય? શું એ રૂપાળું છે એટલે? પીંજરાને કંઈ ના સમજાય. સમજાય તો માત્ર એટલું જ કે પોતે રૂપાળું છે એટલે પંખી આકર્ષાય છે, પણ અંતે તો ઊડી જ જાય છે ને! ને પછી નવું ગમતું-નાગમતું જે મળે તેમાં જઈ ભરાય છે.
હા, પહેલાં પીંજરામાં નાનો અમથો દરવાજો હતો! પણ કેટલાક એવા પંખીઓ પણ આવ્યા જે જાતે આવી પુરાયા. મજા આવી, મોજથી રહ્યા. જ્યારે જ્યારે મીઠી ખંજવાળ આવે, ચાંચ ઘસતા. પીંજરાને પણ આ બધું ગમતું, પણ અંતે તો જે ગમતું તે જ પીડા આપતું.
આમ પંખીની ચાંચે-ચાંચે પીંજરું વિખાતું ગયું, પિંખાતું ગયું. પંખી આવતા ગયા, જતા રહ્યા... ને પીંજરાના નાજુક સળિયા ચૂપચાપ પ્રેમથી ધીરે-ધીરે ઘસાતા ગયા! નાજુક પીંજરાનો દરવાજો ધીરે-ધીરે નબળો પડતો ગયો. કોઈ પંખીએ કદી એ ના વિચાર્યું કે પીંજરાને પણ અનંત વેદના થતી હોય છે. પીંજરાનીયે આંખો ભીંજાય!
જાતે આવી બંધાયેલા પંખીઓ પછી મુક્તિ ઝંખતા અને મુક્ત થવા માટે પીંજરાના દરવાજાને ચાંચો મારતા. આમ પીંજરાનો દરવાજો નબળો પડતો ગયો અને પંખી અકળાયા. છૂટવા માટેની મથામણમાં ગુસ્સે થઈ પોતાની તીક્ષ્ણ ચાંચ વડે દરવાજો તોડવાની કોશિશ કરવા લાગ્યા... અને એક દિવસ! પીંજરાનો દરવાજો તૂટી ગયો ને પંખી બધા ઊડી ગયા!
પીંજરાને સાવ એકલું-અટૂલું છોડીને... એ ના વિચાર્યું કોઈ પંખીએ કે પીંજરાને પણ વિરહની વેદના થાય! પંખી ભલે પીડા આપે, પણ જ્યારે ઊડી જાય ત્યારે પીંજરાની આંખોય ભીંજાય. એક પણ પંખીએ એ ના વિચાર્યું કે પંખી વિના પીંજરું પણ સૂનું-સૂનું થઈ જતું હોય છે.
પીંજરું ઘણું રડ્યું, પીડાયું, મૂંઝાયું ને એકલું પડી ગયું. બસ, ત્યાર પછી એણે ક્યારેય દરવાજો ના નાખ્યો! સાવ ખુલ્લું થઈ ગયું પીંજરું. જે આજે પણ સાવ ખુલ્લું જ છે. અને એક દિવસ સમજાય પણ ગયું પીંજરાને કે— પીંજરું ક્યાં કદી પંખીને બાંધતું હતું!
"કર પંખી તું ગૌર, તને બાંધનાર હું કે કોઈ ઔર?"
આજે પીંજરું ભીતરી જ્ઞાન પામ્યું છે. એ સમજી ગયું છે કે બંધન કરતાં મુક્તિનું મહત્વ કેટલું છે! એણે પોતાની ભૂલો સ્વીકારી લીધી છે. આજે એ આવનારને આવકારે છે અને જનારને રોકતું નથી. હવે પીંજરાને પોતાની કોઈ નિજી ઝંખના રહી નથી.
મુક્ત કરવાની ઘટના પીડાદાયક છે, છતાં એ પીડા હવે પીંજરાને 'પરમ આનંદ'નો અહેસાસ કરાવે છે. હવે એ પોતે જ એક નાનકડું પંખી બનીને પોતાના જ ખૂણે બેસી પંખીઓની આવન-જાવન જોયા કરે છે.
*બ્લાસ્ટ*
પીંજરાના દરવાજા કાયમ માટે ખુલ્લા છે... જેને જ્યારે આવવું હોય આવે, મન પડે ત્યાં સુધી રહે અને પછી મુક્ત ગગનમાં ભલે ઊડી જાય. એ મુક્ત ગગનમાં ઊડતાં પંખીઓ, હવે આ ખુલ્લું પીંજરું તમારું છે.
"અનંત", કંઈ જ મારું નથી, બધું તારું-તારું છે, બસ તારું છે...
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
આ એ જ મહોલ્લો છે, જ્યાં અનંતના પીંજરાને કેટલાય પંખી પીંખી ગયા, વીંખી ગયા...