અંતિમ પ્રેમ...
"અંતિમ પ્રેમ... અંતિમ પ્રેમ પત્ર... અંતિમ ક્ષણ... અંતિમ શબ્દ... અંતિમ સત્ય... અંતિમ શ્વાસ... અંતિમ જન્મ... અંતિમ મૃત્યુ... અંતિમ યાત્રા... આવું કશું જ નથી હોતું."
દરવાજે ઊભી ઊભી જ ઘોઘીએ ઘોઘાને સવાલ કર્યો, "તો કેવું હોય છે?"
આમ તો કાયમ ઘોઘી સીધી જ ઘોઘાના ઘરમાં આવતી રહેતી. આજે પણ એમ જ કાયમ માફક આવવા જતી હતી, પણ... ના આવી. કારણ કે આંગણે આવતા જ ઘોઘીએ જોયું કે, આદત મુજબ સોફાને ટેકે માથું અઢેલી, સામે પડેલી ટીપોય પર પગ લંબાવીને ઘોઘો બેઠો હતો. ઘોઘાના હાથમાં એક ઝર્ઝરિત કાગળ હતો. અને એ કાગળ ઘોઘો બોલી બોલીને વાંચી રહ્યો હતો!
આ જોઈ ઘોઘી દરવાજે જ ઊભી રહી ગઈ અને સાંભળવા લાગી. પણ, ઘોઘો જ્યારે "એવું કશું જ નથી હોતું" એ વાક્ય બોલ્યો, ત્યારે ઘોઘીએ સવાલ કર્યો, "તો કેવું હોય છે?"
ત્યારે ઘોઘાને ખબર પડી કે ઘોઘી ક્યારની આવીને દરવાજે ચૂપચાપ ઊભી હતી. ઘોઘી સામે જોઈ ઘોઘાએ કહ્યું, "શું કેવું હોય છે?"
"અરે, તે હમણાં કાગળ વાંચતા વાંચતાં અંતમાં કહ્યું ને કે..." એમ કહી ઘોઘી, ઘોઘો કાગળમાંથી જોઈ જોઈને જે બોલેલો તે ફરી બોલી (ઘોઘીની યાદ શક્તિ બહુ તેજ હતી).
"એ જ... અંતિમ પ્રેમ... અંતિમ પ્રેમ પત્ર... અંતિમ ક્ષણ... અંતિમ શબ્દ... અંતિમ સત્ય... અંતિમ શ્વાસ... અંતિમ જન્મ... અંતિમ મૃત્યુ... અંતિમ યાત્રા... આવું કશું જ નથી હોતું."
આમ કહી ઘોઘી હળવેકથી સોફા પર ઘોઘાની બાજુમાં બેસી ગઈ. ઘોઘીનો સવાલ કાગળ સંબંધી હતો એ જાણી ઘોઘાએ કહ્યું, "અચ્છા... હાં હાં એ... એ તો આગળ કાગળ વાંચું પછી ખબર પડે ને!"
"હાં તો વાંચ ને! પણ જલ્દી!" ઘોઘી કાગળમાંની આગળની વાત જાણવા અધિરી થઈ ગઈ.
આ જોઈ ઘોઘાએ ઘોઘીને કહ્યું, "હાં વાંચું છું ભૈ! પણ કઈ ઉકલવું તો જોઈએ કે નહીં... એક તો કાગળ જૂનો ઝર્ઝરિત અને ઉપરથી ગરબડીયા અક્ષર..."
"હાં પણ તારી પાસે આ કાગળ આવ્યો ક્યાંથી, પહેલા તું મને એ કહે."
"ભૈ, એ તો આપણો ભાઈબંધ કાલે રાતે આવેલો અને અમે બન્ને સાથે બેસીને આપણા ભાઈબંધના ભાઈબંધનો કાગળ ઉકેલતા હતા. પણ પછી એને ઊંઘ આવવા માંડી એટલે એ આ કાગળને તકિયા નીચે મૂકી ચાલ્યો ગયો... અને પછી હુંય સૂઈ ગયો... ખોટું શું!"
"હૂહ! બેઉ સરખા ઊંઘણસી! કોણ જાણે કેટલા ભવના ઉજાગરા આંખમાં લઈને જાગો છો ખબર નહીં!" ઘોઘી ‘હૂહ’ એમ છણકો કરતાં ઘોઘાને વઢી.
આ જોઈ, આંખો ચોળતા ચોળતા ઘોઘાએ કહ્યું, "લે તો સવાર પડ્યે ઊંઘ તો આવે જ ને!"
"હાં હવે બહુ લપ ના કર અને કાગળમાં આગળ શું લખ્યું છે એ વાંચ! પછી ચાય લઈ આવીશ."
"તો પહેલા લઈ અવાય ને!"
"લઈ જ આવી હતી!"
"તો ક્યાં છે, લાવ!"
"મારા પેટમાં!"
"પણ રોજ તો તું કપ-રકાબીમાં ચાય લઈ આવે છે!"
"અક્કલ વગરના! સાવ ઘોઘો જ છે તું!"
"હાં હાં ખબર છે! તું બહુ હોશિયાર છે એ!"
"હાં પણ તો એટલી ખબર ના પડે કે કોઈ પેટમાં ચાય લઈને થોડી ના આવે!"
"લે પણ હું ક્યાં એમ કહું છું! એ તો મેં ‘ચાય ક્યાં?’ એમ તને પૂછ્યું ત્યારે તે જ તો કહ્યું કે 'મારા પેટમાં'!"
"ડોબા! હું ચાય લઈને જ આવેલી પણ તું કાગળિયો વાંચતો હતો એટલે હું તને સાંભળવા ઊભી રહી ગઈ. પછી મેં વિચાર્યું કે આમેય ચાય ઠરી જશે એના કરતાં અત્યારે હું ચાય પીય જાઉં. પછી તારા માટે પાછી ગરમા ગરમ ચાય લેતી આવીશ. એમ વિચારી તારી ચાય હું પીય ગઈ એટલે મારા પેટમાં વઈ ગઈ!"
"હાં તો જા હવે પહેલા મારા માટે ચાય લેતી આવ!"
"અહં, પહેલા કાગળ આગળ વાંચ! પછી કરજે ચાયની વાત!"
"ના! એક તો આમેય ઉકલતું નથી! અને હવે તો સાવ નૈં ઉકલે ચાય પીધા વગર!"
ઘોઘીએ પોતાની નાજુક આંગળી અને અંગૂઠો ભેગા કર્યા અને ઘોઘાની સાથળ તરફ લઈ ગઈ. ઘોઘાએ ઘોઘીના ભર્યા પછી વર્ષો સુધી થતા ચિંતિયાના ચચરાટના ડરને કારણે, ઘોઘીની બાજુમાંથી આઘો ખસતા ઘોઘીને કહ્યું, "અહહ રેવા દે... રેવા દે ઘોઘી... તું આ તારો હાથ છેટો રાખ!" એમ કહેતા કાંડેથી ઘોઘીનો હાથ પકડી પોતાની સાથળ પર હુમલો થાય એ પહેલાં ખસેડી લીધો.
"હાં તો પહેલા કાગળ વાંચ્ચ!"
"વાંચું છું શાંતિ રાખ્ખ! રાડો ના નાખ્ખ!"
અને પછી ઘોઘો અટક્યો ત્યાંથી શરૂ થયો. (જો કે ઘોઘીએ જ વચ્ચે સવાલ કરીને અટકાવેલો નહીં તો તારે કે મારે આટલું ખેંચાવું ના પડત).
"હાં તો, આવું કશું જ નથી હોતું."
"કેવું કશું જ નથી હોતું?"
"લે પણ, એ જ તો ઉકેલું છું..."
"એમ અડધેથી નથી ઉકેલવું, પહેલેથી વાંચ!"
"શું યાર તું પણ સવાર સવારમાં..."
"ચૂપચાપ વાંચ્ચ! પહેલેથી..." ઘોઘીએ આદેશ કર્યો.
આ જોઈ ઘોઘો ચૂપચાપ વાંચવા માંડ્યો.
"આ શું ઘોઘા, તું ખાલી હોઠ ફફડાવે છે."
"વાંચું છું કેમ!?"
"હાં પણ જરા ઊંચા અવાજે મને સંભળાય એમ તો વાંચ!"
"જો ઘોઘી, તને કહી દઉં છું, તું મને બહુ પરેશાન ના કર, કોઈ પણ એક વાત કર."
"એક જ વાત તો કરી કે તું કાગળ વાંચ!"
"હાં તો એ જ તો કરતો હતો!"
"પણ મને સંભળાય એમ!"
"જો! વળી... ઘોઘી, ઘડીક તું કહે છે ચૂપચાપ વાંચ, ઘડીક કહે છે ઊંચા અવાજે મને સંભળાય એમ વાંચ!"
"ઓહો જાણે મારી બધી વાત તું કાયમ માને છે કેમ!"
"હાં તો તું ચિંતિયાનો ડર બતાવે તો હું શું કરું, માનું જ ને!"
અંતે ઘોઘી કંટાળી અને બોલી, "ભૂલ થઈ ગઈ બાપ! હવે એક જ વાત કહું છું ધ્યાનથી સાંભળ..."
"હાં બોલ હું..." ઘોઘાને આગળ બોલતો અટકાવી ઘોઘીએ કહ્યું, "તું કાઈ બોલમાં! બસ તું મને સંભળાય એ રીતે આ ક્યારનો હાથમાં ઝાલીને બેઠો છે એ કાગળમાં આગળ શું લખ્યું છે એ પહેલેથી વાંચ, બસ!"
"હાં પણ તો તું પણ વચ્ચે કાઈ બોલજે નહીં કે ના સવાલ કરજે." શરારતી ઘોઘાએ પણ ઘોઘી સામે શરત રાખી.
કે તરત ઘોઘી માની ગઈ. "ભલે ચાલ, હું સવાલ પણ નહીં કરું કે કાઈ જ નહીં બોલું, બસ!"
"ઓકે" એમ કહી, સંભાળીને કાગળ સરખો કરતાં ઘોઘાએ ફરી પહેલેથી શરૂ કર્યું.
"અંતિમ પ્રેમ... અંતિમ પ્રેમ પત્ર... અંતિમ ક્ષણ... અંતિમ શબ્દ... અંતિમ સત્ય... અંતિમ શ્વાસ... અંતિમ જન્મ... અંતિમ મૃત્યુ... અંતિમ યાત્રા... આવું કશું જ નથી હોતું."
"તો કેવું હોય છે...?" સવાલ થયો. ઘોઘી ભૂલથી વચ્ચે બોલી.
અને ઘોઘી સામે ક્ષણભર તાકી ઘોઘો ચૂપ...!
"સોરી... સોરી સોરી સોરી સોરી..." એક કાન પોતાનો અને બીજો ઘોઘાનો પકડી ઘોઘીએ અંગ્રેજીમાં ચાર પાંચ વાર ઘોઘાની માફી માંગી. અને કહ્યું, "ઘોઘા પ્લીઝ પ્લીઝ ઘોઘા પ્લીઝ, આજે કાયમની માફક તું અધૂરું ના છોડતો."
"હા, ક્યારેક આપણે ધારી લઈએ છીએ, ક્યારેક માની લઈએ છીએ... ક્યારેક જાતે તો ક્યારેક કોઈ કહે ત્યારે... પણ અંતિમ કશું જ હોતું નથી.... ના અંતિમ પ્રેમ... ના અંતિમ પ્રેમ પત્ર... ના અંતિમ ક્ષણ... ના અંતિમ શબ્દ... ના અંતિમ સત્ય... ના અંતિમ શ્વાસ... ના અંતિમ જન્મ... ના અંતિમ મૃત્યુ... ના તો અંતિમ યાત્રા..."
થોડી ક્ષણ તો ઘોઘી મૂંઝાઈ ગઈ. ઘોઘીને લાગ્યું કે ઘોઘો 'મેં અધૂરું છોડતો નહીં' એમ કહ્યું એનો જવાબ આપે છે. પણ પછી સમજાઈ ગયું એટલે અપલક ઘોઘા સામે તાકી... અને કાન શબ્દો તરફ રાખી ચૂપચાપ સાંભળવા લાગી.
ઘોઘો ઘોઘીને એક હરફ પણ કહ્યા વગર, ઘોઘી તરફ જોયા વગર... બસ કાગળ વાંચે છે...! કાગળમાં જોઈને ઘોઘો એકધારો આગળ બોલે છે...!
"હું આજે નક્કી કરું કે હવે પછી હું ક્યારેય જૂઠું નહીં બોલું."
"છતાં તું તો રોજ બોલે જ છે ને!" ઘોઘી વચ્ચે બોલે છે. પણ ઘોઘો એની વાત પર ધ્યાન આપ્યા વગર સળંગ વાંચે છે.
"હું આજે બોલ્યો કે બોલાઈ ગયું એ અંતિમ જૂઠ...!"
"હૂહ, તારા પર ભરોસો કેમનો કરવો!" ઘોઘી ફરી વચ્ચે બોલે છે. પણ, ઘોઘો એની વાત પર ધ્યાન આપ્યા વગર સળંગ વાંચે છે.
"પણ તો પણ હું જૂઠ બોલીશ... મારી કોઈ મજબૂરી યા તો લોકો મને જૂઠ બોલવા મજબૂર કરશે... હું જીવતો હોઈશ તો પણ હું મરી જઈશ... હું મરી જઈશ તો પણ હું જીવતો હોઈશ..."
ઘોઘીની આંખમાં ઝળઝળિયા આવી ગયા... અને કાંપતા હોઠે ઘોઘી ઘોઘાને કહે છે, "ઘઘઘ ઘોઘા... અઅઆ તું શું બોલે છે, કકક કેમ તું આજે આવું આવું બોલે છે!"
ઘોઘો લગીરે ના તો ઘોઘી તરફ જુએ છે કે ના તો સાંભળે છે! ઘોઘો બસ કાગળમાં માથું ઘાલી વાંચે છે, એકધારું અવિરત...
"હજારો વાર, લાખો વાર, કરોડો વાર હું મરીશ મનથી... સેંકડો મરે છે, જીવે છે, જીવે છે, મરે છે એ જ રીતે મનથી... શરીરની વાત તો હું સાવ છેલ્લે કરીશ... હજુ પ્રેમ બાકી છે, હજુ પ્રેમ પત્ર બાકી છે, હજુ ક્ષણ બાકી છે, હજુ શબ્દ બાકી છે, સત્ય બાકી છે, અને હજુ શ્વાસ બાકી છે... એ પ્રેમ જે પ્રથમ હોય છે, કોઈને પણ કોઈની પણ સાથે... અને બસ એ જ પ્રેમ અંતિમ પ્રેમ છે એવું કોઈ માને તો, છો માને હું નથી માનતો..."
ઘોઘીના મનમાં ફાળ પડે છે, એ વચ્ચે કંઈક બોલવા ચાહે છે, એ ઘોઘાને કંઈક સવાલ પૂછવા ચાહે છે... પણ ખબર નહીં કેમ...! એ કાઈ જ બોલી નથી શકતી... ભીની આંખે એ બસ સાંભળે છે...
હજુ પણ ઘોઘાનું ઘોઘી તરફ લગીરે ધ્યાન નથી... ઘોઘો લીન છે, તલ્લીન છે ઝર્ઝરિત કાગળમાં... અને એકધારો અવિરત અટક્યા વગર ઘોઘો કાગળ વાંચે છે...
"ડાળી પર કોઈ ફૂલ અંતિમ ફૂલ નથી હોતું. ડાળી પર રોજ અનેક ફૂલ ખીલે છે, ખરે છે. ખરીને ફરી અનેક નવા ફૂલ ખીલે છે... એ જ રીતે પ્રેમ પણ ક્યારેય અંતિમ નથી હોતો... તો તું જ કહે ભલા, પ્રેમ પત્ર અંતિમ કેવી રીતે હોઈ શકે...!" (ઘોઘાને કાગળ વાંચતા એવું લાગતું હતું કે વર્ષો પહેલા ભાઈબંધના ભાઈબંધે એની કોઈ ચહિતીએ (કોઈ એ ખબર નથી) કરેલા સવાલનો જવાબ લખેલો હશે.)
"તો પછી કોઈ પણ ક્ષણ અંતિમ કેમ હોઈ શકે...!? એક પછી એક ક્ષણ જન્મે છે. હરેક ક્ષણ અલગ, અલૌકિક, અદભૂત અનુભૂતિ લઈને આવે છે અને કંઈક નવો જ અનુભવ દઈને જાય છે... શબ્દો પણ ક્યાં કદિ ખૂટે છે...? અનંત કાળથી હજારો, લાખો, કરોડો ગ્રંથો લખાઈ ચૂક્યા છે... હજુ અનંતકાળ સુધી ગ્રંથો લખાતા જ રહેશે... અને ગ્રંથોમાં અઢળક અનંત શબ્દો... જેનો કોઈ હિસાબ નથી.... હરેક શબ્દ ભ્રમ, અનેક બ્રહ્મ યુગોથી ચાલતો આવતો આ ક્રમ... કે ક્રમશઃ બાદ ફરી થાય છે શરૂઆત નવા શબ્દોની... હાં તો સમજાયું ને તને કે કોઈ પણ શબ્દ અંતિમ શબ્દ નથી...!"
"અને, એ સત્ય જેને લોકો અંતિમ માને છે યા તો કોઈ મનાવે છે... કહો ને કે ઠસાવે છે સૌ પોત પોતાનું સત્ય એકબીજાને... પણ, કોઈ પણ સત્ય અંતિમ સત્ય નથી જ નથી... તે પણ નહીં, આ પણ નહીં, આના પછી પણ, કોઈએ કહેલું કે કોઈનું પણ કહેલું સત્ય અંતિમ સત્ય નથી... હાં, સત્ય પળ પળ બદલાતું જરૂર હોય છે, પણ અંતિમ તો હોતું જ નથી...!"
"અને રહી વાત શ્વાસની તો એ તો અવિરત ચાલે છે.... અનંત અનંત અનંત કાળથી.... શરીરમાં રહીને પણ અને શરીરથી છૂટીને પણ...."
"પ્રેમ અનંત છે... પ્રેમ પત્ર અનંત છે... ક્ષણ અનંત છે... શબ્દ અનંત છે... સત્ય અનંત છે... શ્વાસ અનંત છે... જન્મ અનંત છે... મૃત્યુ અનંત છે... યાત્રા અનંત છે..."
"સમજાય એટલો તું સમજ આ જન્મ અનંત.... ના તો મૃત્યુ અંતિમ હોય, ના જન્મનો અંત..."
"સાલ્લું આ આ શું લખ્યું છે..? ઉકલતું નથી..." એમ ઘોઘો સ્વગત બોલ્યો... "હઅ, હવે થોડું ઉકલ્યું, કેટલા ગરબડીયા ને આછા થઈ ગયા છે આ અક્ષરો પણ!"
વળી ઘોઘાને થોડું ઘણું ઉકલ્યું. "હમ, અંત તરફ આગળ વધતાં ભાઈબંધે લખ્યું છે કે, ચાલ 'અનંત' હવે તું અંતહીન અંતિમ યાત્રા માટે તૈયાર થઈ જા..."
એકધારો બોલતો ઘોઘો કાગળના અંતે, ઝાંખા પડી ગયેલા અક્ષરો/શબ્દો ના ઉકલતા ફરી અટક્યો... અને પછી, "અને પછી..." એમ ઘોઘો બે વાર બબડ્યો.
ના ઉકલતા શબ્દો ઉકેલવા મથતા ઘોઘાએ અંતે ઘોઘીને કહ્યું, "અને પછી, આ આ આ નીચે ખબર નહીં શું લખ્યું છે... લે ઘોઘી, આ જોતો જરા તને આમાં કંઈ ઉકલે છે!"
એમ કહી ઘોઘી તરફ કાગળ ધર્યો. અને છેક ત્યારે ઘોઘાએ ઘોઘી સામે જોયું તો જોયું કે... ઘોઘી તો ક્યારની ઘોઘા સામે જ તગતગતી આંખે તાકી તાકીને જોતી હતી... અને રોતી હતી ખબર નહીં કેમ...!
બ્લાસ્ટ:
પીળા પડી ચૂકેલા ઝાંખા અને ઝર્ઝરિત કાગળિયાના અંતમાં લખ્યું હતું કે,
"હે, 'અનંત'! હોય છે બધું જ અનંત... શરૂઆત પણ ક્યાં, શરૂઆત હોય છે..? ના અંતિમ, અંતિમ હોય છે...! ના શરૂઆત, શરૂઆત હોય છે...!"
"અનંત"
બ્લાસ્ટ
અંતમાં એટલું જ કહેવાનું "અનંત" કે, બધું અનંત છે! શરૂઆત જ નહીં અંત કે અંતિમ જેવું પણ કંઈ જ હોતું નથી.
અર્થાત્ :
"અનંત "શરૂઆત એ શરૂઆત નથી હોતી.!
અને અંત પણ "અનંત"હોતો નથી અંત.!
"અનંત"
https://www.facebook.com/share/p/198MUpSevQ/
No comments:
Post a Comment