“અનંત” નામે એક છોકરો.
સાલસ સ્વભાવ. પોતાની જ મસ્તીમાં રાચતો. દિ-રાત જોયા વગર કામ કરતો. ખૂબ જ મહેનતૂ. કોમળ હદયનો ધણી. બીજું કઈ જ એનું ધન નહીં. ઘર-પરિવાર તો હતું ખરું પણ નામનું. સહુ એને કામ સોંપે, એ હોંશે હોંશે કરેય ખરો. કઈ ભૂલ ચૂક થાય તો બધાં એને ખીજાય. પણ ભોળો એ પણ હસ્તે મોં એ સહન કરે. બધાંની શિખામણ સાંભળે. અનુસરે. પોતાના કામમાં મગ્ન રહે.
હંમેશની માફ઼ક એક દિવસ સવારે પાંચ વાગ્યાથી કામે ચડ્યો. આછા અજવાસથી તેનું કસાયેલું ઘાટિલું બદન ખૂબ જ આકર્ષક લાગતું હતું. નજીકમાં વસ્તી એક નમણી કન્યા તેનાથી મોહિ ગઈ. ઘણી વાર એને બોલાવા કે વાત કરવા પ્રયત્ન કરતી પણ નિષ્ફ઼ળ રહેતી. અનંત તો એના જ કાર્યમાં પરોવાયેલો રહેતો. પેલી છોકરી મંદિર જવા તેની પાસેથી પસાર થતી અને હાથમાંની પૂજાની થાળીમાંનાં ફ઼ૂલ એના પર વરસાવી જતી ! મધ્યાને સૂરજ તપતો ત્યારે તેનું શરીર પરસેવાના નીરથી નિતરતું. પેલી છોકરી પોતાની પછેડીના છેડો તેનાં કપાળેથી ફ઼ેરવી પસાર થઈ જતી ! સાંજ ઢળતાં પણ તેણી અનંતને ખંત કરતાં જોઈ તેની પાસે વાળુંનું ભાથું સરકાવી જતી ! આટ આટલાં અલપણાં કરતી તોય તે અબૂધ અનંત કઈં જ ઈશારા સમજી ન શક્તો. પેલીનું અનંત પ્રત્યેનું આકર્ષણ અને કુતૂહુલ વધતું ગયું. તેની સાથે વાતો કરવાની, સમય વિતાવાની ઈચ્છા વધતી ચાલી.
એક આથમતા પોરે “આ અલબેલા અનંતને મારો કરીને જ વળીશ.” એવું નક્કી કર્યું. અને રૂપકડી બની ચાલી નિકળી. અનંત એના કામમાં વ્યસ્ત જ હતો. ઘડિક નજર કરીને તેણી તરફ઼ જોઈ પણ શક્યો નહીં. પેલી સાવ નજીક આવી બેઠી. “બસ એક ક્ષણ પછી તો હું હોઈશ અને મારો અનંત....” એવું વિચારી તેણે વાત શરું કરી. હુમ્મ - હાંહાઆઅ.. જવાબ મળતો રહ્યો.... કંટાળીને પેલી ઊભી થઈ, જોરથી પૂછી બેઠી.... “શું આખો દિ’ તારે કામ જ કામ.. ? કેમ એકલો જજૂમે છે આમ? કેમ કોઈ ચેલો બેસાડી નથી દેતો.. જીવતર થોડી વિતશે આમ?”
શાંત સ્વરે, ડોક ઉંચી કરી, પેલી છોકરી સાથે પહેલી જ વખત આંખોમાં આંખ મેળવી અનંત બોલ્યો : -
"અનંત"કૌન કહેતા હૈ કી મે હું અકેલા,
ઠોકર મેરી ગુરુ ઔર મે ઠોકરકા ચેલા."
પેલી સ્થિતપ્રજ્ઞ અંધકારમાં ઓજલ થઈ ચાલી.
......................................................................................................................................................................................
સગા મિત્ર Paresh Katira સાથે સત્સંગ કરતાં સાંભળેલી વાર્તા મારી કલમે લખવા કરેલ પ્રયત્ન.
1 comment:
Wahh aa ahi.. joie ne gmyu :)
Post a Comment