કેટલીક જૂની યાદો: અનંતની જ રચના અને 'કાલ્પનિક સત્ય ઘટના'
રાત જેમ-જેમ ઢળતી હતી, ઠંડી એટલી જ વધતી હતી...
હું ખંડેર તરફ ધાબળો ઓઢીને એ બંને માટે ચા લઈને રોજની જેમ નીકળી પડ્યો.
એ એ દિવસોની વાત છે, જ્યારે અનંત મગજથી પાગલ જેવો થઈ ગયો હતો. સામે કોઈ ન હોય તોપણ એ કંઈક ને કંઈક એમ બડબડતો રહેતો હતો—જેમ કે સામે કોઈ બેઠું હોય!
એ દિવસે હું ઠંડીમાં થરથરતો જ્યારે ત્યાં ગયો, ત્યારે મેં ખંડેરની અંદર જોયું તો અજ્ઞાની આંખો બંધ કરીને પોતાની ખુરશી પર લેટેલો હતો, અને અનંત પોતાની ખુરશી પર બેસીને સામે પડેલી ટીપાઈ પર રાખેલા દીવા સામે એકલો-એકલો કંઈક બડબડતો હતો...
હું જાણતો હતો કે આ હાલતમાં એ જે બોલશે, એ રચના બની જશે! એટલા માટે હું મારી ખુરશી પર કાગળ-કલમ લઈને બેસી ગયો, પણ એને એ ખબર ન હતી... એ તો બસ દીવા સામે જોઈને બડબડતો હતો, અને હું લખતો ગયો:
અનંતની ગઝલ:
હાં, એ ખરું કે તું પણ રૂપાળી છે, ને હું પણ ઠીક-ઠીક રૂપાળો છું,
પ્રથમ રૂપથી જ ઘાયલ થાય છે સૌ, હું પણ રૂપથી ઘવાણો છું.
બહુ બીક લાગે છે હવે તો મને આ ચણાના ઝાડથી, સાચું કહું છું!
બહુ ચડાવ્યો છે લોકોએ મને, અને પછી? જવા દો, ફરી પટકાણો છું.
હું સારો છું, હું સાચો છું—ખોટે-ખોટે પણ મેં આવું ક્યારેય કહ્યું છે?
આજે પણ સાચે-સાચું કહું, તો હું સાવ કરતાં સાવ ખોટાળો છું!
સીધા-સરળ માણસને પણ અહીં ઉકેલવો મુશ્કેલ છે, ત્યાં—
તું મને કેમ કરીને ઉકેલશે? હું તો મસમોટો ગોટાળો છું!
ભઈ, પ્રેમથી ડર કેમ ના લાગે મને? આખરે હું પણ માણસ છું!
એકાદ વારની વાત હોય તો ઠીક છે, પણ હું અનેક વાર દુભાણો છું.
હાં! મંજિલ તો હાથવેંતમાં જ છે, પણ મને ભટકવામાં મજા આવે છે!
જોને! તેથી જ તો હું ભટકું છું, અને મારાથી પણ હું છુપાણો છું.
જાણું છું, હવે મનાવવા પણ કોઈ નહીં આવે, છતાં જો હું રિસાણો છું!
ભૂલ કરી છે તો ભોગવ હવે! આમ આજે હું મને ખૂબ ખીજાણો છું.
રે મન! પ્રેમ નથી, પ્રેમ નથી... એવું સતત રટ્યા કરે છે, તો પછી બોલ—
એવું તે શું છે કે રોજ આમ અડધી રાતે જાગી જાય છે સફાળો તું?
નિકટ આવીને તું મારા બદનને સ્પર્શ ના કરી શકે, તો શું થયું!
તારાથી દૂર રહીને પણ મેળવી લઉં છું સતત સ્પર્શ તારો હૂંફાળો હું.
પાગલ છું! મારામાંથી જ મને છૂટો કરી, હવે સતત હું શોધું છું મને!
હું ક્યાં છું હવે? કંઈ ખબર જ નહીં મને, કેવો મસ્ત મજાનો ગૂંચવાણો છું!
હવે તું પણ શોધશે મને! આસપાસ, ચોપાસ પણ હું નહીં મળું ક્યાંય તને.
"અનંત", ચાલ હવે રડ નહીં! તારી ભીતર જો, હું ત્યાં જ છુપાણો છું.
"અનંત"
એ બોલતાં-બોલતાં ચૂપ થઈ ગયો, પછી એકલો-એકલો હસવા લાગ્યો...
અજ્ઞાની આંખો બંધ કરીને હજુય લેટેલો હતો. હું ક્યારેક એને તો ક્યારેક અનંતને જોઈ રહ્યો હતો. હવે મેં કાગળ-કલમ ટીપાઈ પર રાખ્યા અને અનંતની પીઠ પર હળવી થાપ મારીને કહ્યું:
"શું વાત છે યાર! આજે તો તું બહુ ખુશ લાગે છે?"
એણે મારી વાત અણસાંભળી કરી દીધી અને એ હસતો જ રહ્યો...
મેં અજ્ઞાનીને જગાડ્યો: "યાર, ઊઠ તો! જો આજે અનંત કેટલો ખુશ છે, અને તું એની ખુશીમાં શામેલ થવાના બદલે આરામથી ઊંઘે છે...?"
અજ્ઞાનીએ ધીમેથી આંખ ખોલીને મારી સામે જોતાં કહ્યું: "યાર, એ આજે સવારથી આ રીતે પોતાની મસ્તીમાં બડબડે છે અને હસી રહ્યો છે... કદાચ આજે ફરી એને પાગલપનનો દૌરો પડ્યો છે!"
હવે જઈને અનંત કંઈક બોલ્યો: "અરે પરિયા, તું ક્યારે આવ્યો?"
અને પછી હસતાં-હસતાં બોલ્યો: "યારા, કેવા દોસ્ત છો તમે... આજે જ્યારે હું હોશમાં આવ્યો છું, ત્યારે તમે કહો છો અને સમજો છો કે મને પાગલપનનો દૌરો પડ્યો છે...!"
મેં કહ્યું: "અને નહીં તો શું! જ્યારથી હું આવ્યો છું ત્યારથી જોઈ રહ્યો છું... તું દીવા સામે જોઈને કંઈક બડબડે છે અને હસે છે! અહીં સુધી કે તું પોતાની જાતમાં એટલો ખોવાઈ ગયો હતો કે હું અંદર આવીને તારી સામે બેસી ગયો અને તને ખબર પણ ન પડી! જો, તું જે બડબડ્યો એ બધું મેં લખી પણ લીધું છે."
મેં એની સામે એ કાગળ ધરતાં કહ્યું.
"ઠીક છે, ઠીક છે... તારે લખવું હતું, લખી લીધું! હવે એને તું તારી પાસે જ રાખ." અનંત ખુરશી પરથી ઊઠીને આખા રૂમમાં ઝૂમતાં-ઘૂમતાં ચક્કર કાપતાં બોલ્યો "પણ યાર, તમે બંને ખોટું સમજી રહ્યા છો પાગલપન... જ્યારે સચ્ચાઈ તો એ છે કે આજે મને હોશ આવ્યો છે!"
અજ્ઞાની બોલ્યો: "તો પછી તું એકલો-એકલો હસતો હતો, એ શું હતું? મારી આંખો ભલે બંધ હતી, પણ છતાં હું ક્યારનો તારી હરકતો જોઈ રહ્યો હતો. હવે બતાવ...?"
અનંત ફરી હસતાં-હસતાં બોલ્યો: "અરે યાર, કેવી વાત કરે છે તું, હાં? શું એકલામાં ફક્ત રડાય જ? જો ક્યારેય કોઈ વાત પર હસવું આવે, તો એકલામાં હસી ન શકાય?"
હું અને અજ્ઞાની એકબીજા સામે જોતાં બંને સાથે બોલી ઊઠ્યા: "યાર અનંત, તારી વાત તો બિલકુલ સાચી છે... ઠીક છે, ઠીક છે, ચાલ હવે ચા કાઢ!"
હું ચાનો કપ ભરવા લાગ્યો. અનંત ફરી ચક્કર કાપતાં બડબડવા લાગ્યો:
"જાણું છું... હું બધું જાણું છું, પણ હવે કંઈ બોલીશ નહીં..." પોતાનું માથું ધૂણાવતાં "નહીં, હરગિજ નહીં બોલું! હા, પણ હું જાણું જરૂર છું... આ દુનિયા તો જુઓ કેટલી અજીબ છે!
રડે તો રડવા પર સવાલ,
હસે તો હસવા પર બવાલ.
મોઢું ખોલે તોપણ તકલીફ,
કંઈ બોલે તોપણ તકલીફ!
"અનંત" ચૂપ રહે તોપણ હંગામો,
કમાલ છે રે દુનિયા, કમાલ!
અનંતના મોઢેથી નીકળેલી વાત સીધી મારા દિલ સાથે અથડાઈ! ચાનો કપ ભરવાનું છોડી, મેં જલ્દીથી એ જે બોલ્યો એ લખી લીધું. પછી હું એની પાછળ-પાછળ જ ચાલવા લાગ્યો, કારણ કે એ બહુ ધીમેથી બોલી રહ્યો હતો.
પછી એ ચાલતાં-ચાલતાં એક આંગળી પોતાના ગાલ સાથે અથડાવતાં બોલ્યો:
"હજુ તો અડધું સચ્ચાઈ બોલ્યા ને આટલો હંગામો! "અનંત" પૂરી સચ્ચાઈ બોલશે તો જાણે શું-શું થશે! મારા રડવા પર તેં આંસુ વહાવ્યા, આજે જ્યારે મલકાયો તો તું પરેશાન કેમ થઈ? અરે ભાઈ, મારી હસીને સમજી શકવું તારા બસની વાત નથી, એમાં પણ ક્યાંક..."
આટલું બોલીને એ અટકી ગયો... એ જેટલું બોલ્યો, મેં એટલું લખી લીધું.
હવે અજ્ઞાની ઊભો થયો અને અનંતને પકડીને ખુરશી પર બેસાડી દીધો. મને અજ્ઞાની પર ગુસ્સો આવ્યો અને મેં ગુસ્સાથી જ એને કહ્યું: "શું યાર તું પણ, સરસ મજાનો માહોલ બન્યો હતો!"
અજ્ઞાની પણ ધીમેથી હળવા ગુસ્સામાં બોલ્યો: "અરે યાર, તું જાણતો નથી આમને... પૂરા નોટંકી છે આ! સાલા એમની લીધે આજે ચા પણ ઠંડી પીવી પડશે. ચાલ-ચાલ, હવે જલ્દી ચા ભર!"
મેં ચા ભરતાં-ભરતાં કહ્યું: "અરે, પણ શેર કેટલા ગરમાગરમ હતા યાર! છાતીમાં બળતરા પેદા કરી દે એવા શેર બોલ્યા છે એણે, અને તને ચાની ચિંતા પડી છે!"
અજ્ઞાની સાથે વાતો કરતાં-કરતાં મેં ચાનો કપ ભરી દીધો. એક મેં અને એક અજ્ઞાનીએ ઉપાડ્યો. અનંત હજુય પોતાની જ મસ્તીમાં લીન હતો.
અજ્ઞાનીએ અનંતને કહ્યું: "ચાલ બે નોટંકી, તારી ચા ઉપાડ!"
અનંત પોતાનો કપ ઉપાડીને ફરી ઊભો થઈને ચાલવા લાગ્યો. ચાલતાં-ચાલતાં જ ચાની ચૂસકી ભરવા લાગ્યો...
ચા પીતાં-પીતાં અજ્ઞાનીએ અનંતને કહ્યું: "અનંત, ક્યાં સુધી આમ કોઈ પારકાનું દિલ દુભાવીશ? સાલો નરકમાં જઈશ, નરકમાં...!"
અનંત ચાલતાં-ચાલતાં થોભી ગયો. અજ્ઞાની તરફ મોઢું ફેરવતાં વ્યંગમાં બોલ્યો: "અચ્છા...! ભાઈ વાહ, શું કહેવું અજ્ઞાની તારી અક્કલનું! આનાથી મોટો નરક બીજો કોઈ હોઈ પણ શકે શું...? બાકી મને તો આ નરક પણ સ્વર્ગથી કમ નથી લાગતું!"
આટલું બોલીને એ ફરી ચાલવા લાગ્યો અને જોરથી ચાની ચૂસકી મારતાં કંઈક બોલવા જઈ રહ્યો હતો ત્યાં મેં એને રોક્યો: "બસ હવે! આજે બીજું કંઈ ન બોલતો, મને ઊંઘ આવે છે. એટલે હું લખી નહીં શકું... હું જાઉં છું, તમે પણ સોઈ જાઓ."
અજ્ઞાની બોલ્યો: "સારું કર્યું પરિયા, તેં સમજદારીથી કામ લીધું! નહિતર આ પોતે જાગત અને મને પણ ઊંઘવા ન દેત..."
અનંત ગુસ્સે થયો અને બોલ્યો: "અરે ભાઈ, જાઓ-જાઓ! ઊંઘણસી સોઈ જાઓ તમે બંને... તમને કોણ કહે છે જાગવાનું! પણ મારી ચિંતા ના કરો, હું તો જાગતાં-જાગતાં જ સોઈ લઈશ..."
મેં કહ્યું: "હા ભાઈ હા, તારે જે કરવું હોય એ કર, હું તો ચાલ્યો!"
અજ્ઞાની પાસે વિદાય લઈને, ધાબળો ઓઢીને હું ખંડેરમાંથી બહાર નીકળી ગયો...
એક દિવસ મેં એને પૂછ્યું: "તું કેવી છોકરી પસંદ કરે છે...?"
એણે કહ્યું...
એણે કહ્યું...
એ વાત ફરી ક્યારેક...
