"માણસની ઓળખ અને તેના આતમની ઓળખ"
માણસ કેવા વિચારો ધરાવે છે, કેવા લોકો સાથે એના સંબંધો છે, એના ભાઈબંધો કેવા છે અને કોણ છે, એની આસપાસ કેવા લોકો હોય છે, એ કેવા-કેવા લોકો પાસે આવે-જાય છે, એ શું જુએ છે, એ શું જાણે છે અથવા જાણવાની જિજ્ઞાસા રાખે છે, એ શું વાંચે છે, એ શું સાંભળે છે, શું બોલે છે, અને એની વાણી કેવી છે "અપવાદ બાદ કરતાં"આ બધી બાબતો પરથી મહદંશે એક માણસ અને તેના આતમની ઓળખ થાય છે! ખાસ કરીને એના જોવા, સાંભળવા, વાંચવા, અને બોલવા અને તેની વાણી પરથી માણસ ભીતરથી કેવો છે, એ શું મહેસૂસ કરે છે અને તે અન્યને કેવો અહેસાસ કરે કરાવે છે અથવા કરાવવા ચાહે છે, એ સમજી શકાય છે.
"અપવાદ બાદ કરતાં..."
ખૈર...
ભાઈબંધ અનંતનું વાંચન કંઈ ખાસ નહોતું. જોકે, બે ભઠ્ઠીની આગ વચ્ચેથી ફુરસત મળે તો કંઈક વાંચે ને! અનંતે કદી ગ્રંથ કે કોઈ મોટા પુસ્તકો વાંચ્યા હોય એવું મને યાદ નથી આવતું. બહુ બહુ તો પસ્તીમાંથી મળેલ છાપાની પૂર્તિ વાંચતો. જોવાની વાત કરું તો ફિલ્મો પણ એને જોવાનું નસીબમાં નહીં! મારી સાથે હતો ત્યાં સુધી એણે ગણીને આઠ-દસ ફિલ્મ જોઈ હશે. હા, મગર સાંભળતો ખૂબ અને એ પણ રેડિયો પર આવતા ગીતો!
એ સિવાય એક નાનકડું ટેપ રેકોર્ડર હતું. જેમાં કોઈએ સાંભળી-સાંભળીને ઘસી નાખેલી કેસેટ આપી હોય, એ સાંભળવા જેવી હોય તો સાંભળે; નહીં તો એ જ કેસેટમાં રેડિયો પર ગમતું ગીત આવે કે તરત રેકોર્ડિંગ કરી લે અને પછી બસ એ જ સાંભળતો રહે ને ગાતો રહે!
જોકે, એવા ઘણા ભાઈબંધના પસંદગીના ગીતો મેં આ ખંડેર પર ગુંજતા મૂક્યા છે અનંતની યાદમાં! આજે રેડિયો પર વાગેલું આ ગીત તો મારા કાને પણ વર્ષો પછી અથડાયું, અને હું એક ધડકો ચૂકી ગયો!
વિપરીત સંજોગોમાં લોકો અને લોકી દ્વારા અનંત પર ઘણા ખોટા ઇલ્ઝામ લગાવવામાં આવ્યા હતા. અનંત નિર્દોષ હોવા છતાં પણ એના પર ઘણા દોષના ટોપલા ઢોળવામાં આવતા હતા!
ખૈર....
આજે રેડિયો પર આ ગીત આવ્યું કે તુરંત, તગતગતી આંખે આ ગીત ગાતો અનંત મારી આંખો સામે ઉપસ્થિત થઈ ગયો! આ એ ગીત છે જે અનંત સતત સાંભળતો અને ક્યારેક તો એકાંતમાં ગાતો પણ ખરો ભીની આંખે!
No comments:
Post a Comment