https://youtu.be/kPyBvguf1Ug?si=Utq5DcdMZ-sq0xGF
ઓલી એ વાંચી ને કહ્યું.
વાહ પ્રિયે! આ આખો લેખ વાંચીને દિલ ભરાઈ આવ્યું. અનંતના આ મુક્ત, નિખાલસ અને મલંગ સ્વભાવની પાછળ રહેલી વેદના અને એના હૃદયની સચ્ચાઈ તેં બહુ સુંદર રીતે કાગળ પર ઉતારી છે. છેલ્લે જે દોસ્તી અને પ્રેમની વ્યાખ્યા અને પેલી સખીને પૂછેલા સવાલો છે, એ તો સાવ હૃદયને હચમચાવી મૂકે તેવા છે.
ભાઈબંધ અનંત સાથે પણ આવું જ કંઈક થયું હતું.
વર્ષો પહેલાંની વાત છે...
પેલી એક છોકરી અનંતને મનોમન ખૂબ ચાહતી હતી, જોકે બંને વચ્ચે વાતચીત અને મજાક-મસ્તીનો સરસ વહેવાર પણ હતો.
પેલીને અનંતમાં એ તમામ ગુણ હોવાની અનુભૂતિઓ વારંવાર થતી, એ ગુણ જે એક સરેરાશ છોકરી છોકરામાં યા કહો કે નખશીખ સ્ત્રી એક પુરુષમાં ઝંખતી હોય છે!
સામે હોય ત્યારે નિર્દોષ પ્રેમ કરવો, દૂર હોય ત્યારે સુંવાળા, હૂંફાળા શબ્દો અથવા ફીલ્મી ગીતો વડે પ્રેમની ઉત્તમ અભિવ્યક્તિ, હરદમ હસતું વદન, હરક્ષણ નિર્દોષ મજાક-મસ્તી અને એક છોકરીને તથા તેની લાગણીને છેક ભીતરથી સમજવાની સમજશક્તિ, અનંતમાં આ તમામ ચીજ હતી જે એક યુવતી એક યુવાનમાં ઝંખતી હોય...
બસ, અનંતમાં જો કોઈ ખામી કહો (અથવા એ જ કદાચ એની આકર્ષણ પેદા કરતી ખૂબી હતી) તો એ કે તે કોઈ વાતે ગંભીર ન હતો! અનંત હંમેશા ઘોઘા ની જેમ ન સમજાય એવી ઉટપટાંગ અને અટપટી વાતો કરતો રહેતો અનંતને ઘણી છોકરીઓ પ્રેમ કરતી હતી, મગર અનંત ખરેખર કોને પ્રેમ કરે છે એ કોઈ કળી શકતું નહીં. કોઈને એ ખબર ન પડતી કે એનો અસલી પ્રેમ કોણ છે, બની શકે કે ખુદ અનંતને પણ આ વાતની ખબર ન હોય! ક્યારેક એમ લાગે કે એ નર્યો સ્વાર્થી છે જે પોતાના સિવાય કોઈને પ્રેમ નથી કરતો, તો ક્યારેક એવું લાગે કે એ પોતાના સિવાય દુનિયાના તમામ લોકોને પ્રેમ કરે છે. સામાન્ય રીતે અનંત જે છોકરી સાથે વાત કરે, એ ક્ષણે પેલી એમ જ સમજે કે અનંત માત્ર ને માત્ર તેને જ પ્રેમ કરે છે! મગર બીજી જ ક્ષણે એનો એ ભરમ ભાંગી જાય, કારણ કે અનંત હરકતો જ એવી અતરંગી કરતો. એ ક્ષણે પેલી છોકરી કાં તો ગુસ્સે ભરાતી કાં ભીતરથી ભાંગીને ભૂકો થઈ જતી, મગર અનંત એવી માયા હતી કે તેની આવી હરકતો છતાં છોકરીઓ તેને ચાહવાનું છોડી જ ન શકતી!
બે ભઢ્ઢી ના આગ વચ્ચે શેકાતો અનંત લાલઘુમ ચહેરો પરસે નીતરતો હોય અને કામ દરમિયાન મન હ્રદય માં જે ભાવ જે લાગણી ઉભરાય તે જુના ચોપાનીયા ને અર્પણ કરે એ સીવાય એવા ફીલ્મિ ગીતો વખાડે ગાય એ ગીતો દ્વારા પોતાની લાગણી પેલી બધી સામે વ્યક્ત કરતો....
મહોલ્લો આખો દિવસ અનંત ની અટપટી બકબક અને સુંદર ગીતોથી ગુંજતો રહેતો.
ઘટના ૧: ગલીનું એ કસકસતું ચુંબન અને અકળ મૌન
એક દિવસ ઘટના એમ ઘટી કે છેક દૂરથી અનંતની એ ચાહનારી છોકરી (હસલી) એની એક સખી સાથે અનંતને મળવા એ જ ઉબડ-ખાબડ સાંકડી ગલીમાં આવી. અનંત જ્યારે મહોલ્લાની ડેલી બહાર નીકળ્યો ત્યારે તેને આ વાતની ખબર પડી. અનંત પેલીને ઘરની ભીતર આવવાનું પણ નથી કહેતો. પેલી ગલીમાં આવેલા એક મકાનની દીવાલ પાસે ઊભી હતી અને તેની બાજુમાં એની સખી ઊભી હતી. અનંતે પેલી પાસે જઈને સીધું જ તેના હોઠ પર એક કસકસતું ચુંબન કરી લીધું! પેલી તો આંખ નીચી કરીને શરમાઈ ગઈ. બાજુમાં ઊભેલી એની સખી હજુ કંઈ સમજે-વિચારે એ પહેલાં તો અનંતે એને પણ એ જ રીતે હોઠેહોઠનું કસકસતું ચુંબન ચોડી દીધું!
બંને સખીઓ શરમ અને સંકોચ સાથે એકબીજા સામે જોઈ રહી, મગર આશ્ચર્યની વાત એ હતી કે બેમાંથી એકેય છોકરીએ અનંતને તેની આ હરકત બદલ એક હરફ સુધ્ધાં ન કહ્યો! ખબર નહીં કેમ! પછી અનંતે પેલીને કહ્યું, "હું જાઉં છું, મારે કામ છે." અને અનંત ચાલતો થઈ ગયો! બસ, એ પછી ઓલી કે પેલીની કોઈ વાત જ નહીં, ઘણું બધું બની ગયું છતાં જાણે કંઈ બન્યું જ નથી! અનંત પાછો પોતાની એ જ અલૌકિક મસ્તી સાથે બે ભઠ્ઠીની આગ વચ્ચે જાત સેકવા લાગતો.
રોજ મધરાતે જ્યારે અમે ચાની ચુસ્કી ભરતાં-ભરતાં વાતો કરતા, ત્યારે અનંત મહોલ્લામાં દિવસ દરમિયાન બનેલી તમામ ઘટનાઓ વિશે વાત કરતો, પણ ઓલી બે જણીઓને ચુંબન કરવાની વાત અનંતે ઘણા મહિનાઓ સુધી અમને ન કરી. જોકે હું અને અજ્ઞાની એને બરાબર જાણતા હતા. અમને અનંત પર અટૂટ વિશ્વાસ હતો કે અનંત ક્યારેય ઈરાદાપૂર્વક કોઈ વાત અમારાથી છુપાવે નહીં. અસલમાં, પેલી ચુંબન વાળી આખી ઘટના અનંત સાવ ભૂલી જ ગયો હતો! એ તો મને જ્યારે એ છોકરી (હસલી) ભટકાણી ત્યારે ખબર પડી. જ્યારે એ છોકરી મને મળી ત્યારે તેણે કહ્યું, "તારો ભાઈબંધ અનંત તો ગજબ છે!" મેં પૂછ્યું, "કેમ?" ત્યારે એણે મને પેલી ચુંબન વાળી વાત કરી કે તે અનંત ને મળવા ગઈ'તી ત્યારે અનંતે ગલીમાં તેને અને તેની સખી બંનેને ચુંબન કરેલું.
તે રાત્રે ચાની ચુસ્કી ભરતાં-ભરતાં મેં અનંતને કહ્યું, "યાર તું તો ગજબ છે!" અનંતે કહ્યું, "કેમ એવું તે મેં શું કર્યું?" મેં કહ્યું, "ઓલી હસલીને તે ચુંબન કરેલું..." હું હજુ આગળ હસલી સાથે આવેલી એની સખીની વાત પૂછું એ પહેલાં જ તે બોલી ઊઠ્યો, "હા યાર! તે દિવસે તો ખરેખર ગજબ થઈ ગયો મારાથી! જોકે મને માફ કરજો, એ વાત તો સાવ મારા મગજમાંથી જ નીકળી ગયેલી. પણ સાચું કહું પરિયા, મને નથી ખબર કે આવું મેં શું કામ કર્યું, પણ થઈ ગયું! જોકે હસલીની સખીને ચુંબન તો કરી નાખ્યું, પણ પછી મને પણ ધ્રુજારી છૂટી ગયેલી કે હમણાં પેલી લાફો મારશે!"
મેં પૂછ્યું, "માર્યો?"
અનંતે કહ્યું, "ના, એ કાંઈ જ ન બોલી. ઊલટાનું એ તો લજવાતી -લજવાતી મારી સામે જોતી હતી."
અનંતની આ હરકત પરથી એ નક્કી થાય છે કે અનંતના મનમાં એ બાબતે કોઈ ગંભીરતા કે ખોટો ઈરાદો હતો જ નહીં.
ઘટના ૨: બે રૂપિયાની નોટ અને હેતલનું પાકીટ
આવી જ રીતે એક દિવસ લઘરવઘર હાલતમાં અનંત ફાકી લેવા માટે મહોલ્લાની ડેલી બહાર નીકળ્યો હતો. એ જ વખતે મહોલ્લામાં રહેતી એક છોકરી, જેનું નામ તરુલતા હતું પણ સૌ તેને 'તરુ' કહેતા, તે સ્કૂલેથી આવી. એની સાથે એની બહેનપણી હેતલ પણ હતી જે લેડીઝ સાયકલ લઈને આવેલી. સાયકલના કેરિયરમાં હેતલે પોતાનું પર્સ ભરાવેલું હતું. હેતલ જ્યારે તરુના ઘરે જવા માટે સાયકલની આડી ઘોડી ચડાવતી હતી, ત્યારે જ અવળચંડા અનંતે સાયકલના કેરિયરમાંથી એનું પર્સ કાઢી લીધું!
પેલી છોકરીએ અનંતને કહ્યું, "મારું પર્સ આપ." અનંતે કહ્યું, "નહીં આપું."
પેલીએ એની બહેનપણીને ફરિયાદ કરી, "અલી તરુ, આ છોકરાએ મારું પર્સ લઈ લીધું છે!"
તરુએ અનંતને કહ્યું, "અનંત, હેતલનું પર્સ પાછું આપી દે ને!"
અનંતે કહ્યું, "નહીં આપું, જા!"
તરુએ કહ્યું, "અનંત, તું આવો વાયડો કેમ છે? ગમે ત્યારે ગમે તેને હેરાન કરે છે! ચાલ, હેતલને તેનું પર્સ આપી દે."
અનંતે સાવ બેશરમીથી કહ્યું, "પર્સ તો આપી દઉં, પણ મારે ફાકી ખાવી છે. પેલા એને કહે કે મને બે રૂપિયા આપે!"
તરુ આ અવળચંડા અનંતને બરાબર ઓળખતી હતી કે આ જીદ્દી છે અને એમ નહીં માને. છતાં તેણે કહ્યું, "અનંત, તને જરાય શરમ નથી આવતી કે છોકરીનું પર્સ લે છે?"
અનંતે રોકડો જવાબ આપ્યો, "ના!"
તરુ કહે, "બહુ ડાયો ન થા, ચાલ હવે હેતલનું પર્સ આપી દે."
અનંત કહે, "નહીં આપું,
તરુ કહે, "અનંત બહુ હેરાન ન કર, પહેલા તું હેતલનું પાકીટ આપી દે."
અનંતે કહ્યુ." પાકીટ આપુ પણ એક શરત છે"
તરુ એ પુછ્યું." બોલ શું શરત છે તારી? "
" હેતલ ને કે પહેલા મને ફાકી લેવા બે રૂપિયા આપે!"
હવે હેતલ હેતથી બોલી, "હું તને બે રૂપિયા આપીશ, પણ પહેલા તું મને પાકીટ તો આપ."
"પછી નહીં આપે તો?" અનંતે હેતલ પર અવિશ્વાસ કર્યો!
હેતલે તરુને કહ્યું, "લાગે છે આ અનંત એમ નહીં માને."
પછી હેતલે જ અનંતને કહ્યું, "તને મારા પર વિશ્વાસ નથી ને?"
બેશરમ અનંતે કહ્યું, "ના!"
હેતલે કહ્યું, "તો એક કામ કર, તું જાતે જ પાકીટમાંથી બે રૂપિયા લઈ લે, બસ!"
અનંતે સાચે જ પેલીના પાકીટમાંથી બે રૂપિયાની નોટ કાઢી લીધી અને પછી પ્રેમથી હેતલને પર્સ પાછું આપીને ફાકી લેવા હાલતો થઈ ગયો!
આવી અનેક ઘટનાઓ પરથી એ હકીકત સાબિત થાય છે કે મલંગ મીજાજી અનંત મનનો એકદમ સાફ, નિર્દોષ અને નિખાલસ હતો. કદાચ એટલે જ અનંત ગમે તેવી હરકત કરે તો પણ કોઈ છોકરી એના પર વઢતી નહીં કે ન તો એની હેરાનગતિ બદલ કોઈને ફરિયાદ કરતી! બસ, એ પછી પાછો અનંત પોતાની એ જ અલૌકિક મસ્તી સાથે બે ભઠ્ઠીની આગ વચ્ચે જાત સેકવા લાગતો.
અનંતનો મન વલોપાત અનંત સફરનો માણસ હતો.
જ્યાં સુધી તમામ રીતે કલ્પેલી ધારેલી મંજીલ મળે નહીં ત્યાં સુધી સફર કરતા રહેવું એવું કદાચ અનંતે મનોમન નક્કી કરી લીધું હતું.
અનંત હંમેશા ખુદના શબ્દો દ્વારા અને ક્યારેક સુંદર ફીલ્મી ગીતો દ્વારા પોતાની લાગણી બખૂબી વ્યક્તિ કરતો હતો.
અનંત ના અકળ પ્રેમની ભીનાશ
અનંતની અનેક ચાહીતીઓમાં એક એવી પણ છોકરી હતી, જેની થોડા શબ્દો માં ઊંડાણ ભરી વાતચીત કરવાની રીત અનંતને અંદરથી આકર્ષિત કરતી હતી. તેમ છતાં અનંત એ વાત ખુલ્લીને પેલીને કહેતો નહીં. બંને વચ્ચે ખૂબ બધી વાતો થતી રહેતી. જોકે, કોઈના પણ હૃદયની ભીતર થતી હલચલ વાતચીત દરમિયાન વ્યક્ત થયા વગર રહેતી નથી. કદાચ પેલી પણ એવું અનુભવતી કે ઊંડે ઊંડે અનંત તેને ચાહે છે. મગર અનંતની આવી અતરંગી હરકતો અને અધૂરી હકીકતોથી વાકેફ હોવાથી, તે એમ પણ સમજતી કે 'અનંત પોતાને ચાહે છે' એવો કદાચ એને ભ્રમ થાય છે!
જોકે અનંત તેને ચાહે કે ન ચાહે, પણ તે ખુદ તો અનંતને ખૂબ જ ચાહતી હતી, મનોમન પ્રેમ કરતી હતી. કારણ કે એક છોકરી તેના પ્રેમી કે પછી આગળ જતાં પતિ થનારા પુરુષમાં જે તમામ સપનાઓ, ઈચ્છાઓ અને ઝંખનાઓ સેવતી હોય, એ પૂરી કરે તેવો છોકરો અનંત જ હતો! અનંત જ એકમાત્ર એવો છોકરો હતો જે એક છોકરીના તમામ સપનાઓ, ઈચ્છાઓ અને ઝંખનાઓને પૂરી કરી શકે. એ મનોમન વિચારતી કે અનંત અતી સંવેદનશીલ તો છેજ પણ બોલી ને કહીએ તે વાત યા તો સમજાતો નહીં અથવા તો ન મજવાનો ડોળ કરતો મગર કહ્યા વીના પણ અનંત સામે ની વ્યક્તિ ના મનની વાત ખૂબ સારી રીતે સમજી શકતો એવું પણ પેલીએ અનેક વાર અનુભવ્યું હતું મહેસુસ કર્યું હતું.
એટલે ભરમ ન પણ હોય, તો પણ એની ભીતર એક એવો ડર હતો કે અનંત સાથે સંસાર માંડવો કદાચ શક્ય નથી જ! અનંતની વાતો અને અનંતની જીવનયાત્રા પરથી એ હકીકત એકદમ સ્પષ્ટ થતી હતી કે અનંત તો સફરનો માણસ છે, અને 'હું ચાહીશ તો પણ આ સફરમાં અનંત સાથે નહીં ચાલી શકું.'
બંને બહુ બધી વાતો કરતાં. પેલી વાત-વાતમાં અનંતને ઊંડાણથી સમજવાની ખૂબ મથામણ કરતી. વાત-વાતમાં એવા-એવા સવાલો કરતી કે અનંતની ભીતર ખરેખર એવું તે શું છે જે પોતાને આટલી હદે આકર્ષે છે! પેલી જે અનુભવતી કે ઊંડે ઊંડે અનંત તેને ચાહે છે, એ માત્ર ભરમ નહોતો પણ હકીકત જ હતી કે અનંત પણ તેને મનોમન ખૂબ જ ચાહતો હતો! મગર તેમ છતાં, પેલીના હરેક સવાલોનો અનંત બડી સિફતથી જવાબ આપતો અને પેલીને પોતાની વધુ નજીક આવતી રોકી લેતો.
સ્થાયી સંબંધમાં બંધાઈ શકાય તેમ નથી, આ હકીકત કદાચ બંને સમજી ગયા હતા. અને પેલીનો ભય તો બિલકુલ વાજબી હતો; અગર જો તે સતત વાતચીત કર્યા કરશે તો ચિત્તભ્રમ થઈ જશે અને અનંત સાથે જો હૃદયનું આ નાજુક જોડાણ વધુ મજબૂત થઈ જશે, તો બાકીનું જીવન અનંત વગર પસાર કરવું અતિ કઠિન અને પીડાદાયક લાગશે!
આ જ વિચારે, ધીરે-ધીરે સમય જતાં તેણે અનંત સાથે વાતો કરવાનું ક્રમશઃ ઓછું કરી નાખ્યું. બંને વચ્ચેની નિર્દોષ અને નિખાલસ વાતચીત ઘટવા લાગી અને પછી તો પેલીએ અનંત સાથે વાત કરવાનું સાવ જ બંધ કરી દીધું.
સામે પક્ષે અનંત પણ અલગ અને મલંગ મિજાજનો માણસ હતો. પેલી પહેલા જેટલી વાત નથી કરતી કે સાવ વાત નથી કરતી, તો પણ અનંતે પેલીને કોઈ સવાલ ન કર્યો. કારણ કે અનંત તેના વહેવારુ ડરને સમજાતો હતો. પણ આખરે તો અનંત પણ એક જીવતો-જાગતો જીવ હતો અને પાછો પ્રેમથી હર્યા-ભર્યા હૃદયવાળો!
એટલે અનંતે પેલીને એક નાનકડો પત્ર લખ્યો.અને એ પત્રમાં અંતે, હૃદયના ઊંડાણમાંથી પેલીને ઉદ્દેશીને અનંતે તેના અને પોતાના મનની વાત પણ કહે છે અને થોડા નાના નાના નાજુક સવાલો પણ પૂછે છે.
પત્રમાં અનંતે પેલીને લખ્યું:
"હું જાણું છું કે તું મને ચાહે છે, મગર હું ચાહવા છતાં તને ચાહી નથી શકતો, કારણ કે હું ઠામ-ઠેકાણા વગરનો, એક અનંત સફરનો માણસ છું! અને તારા એ વહેવારુ ડરને હું મારી ભીતરના સાવ છેલ્લા ઊંડાણથી સમજી શકું છું. આથી જ તેં મારી સાથે વાતો કરવાનું બંધ કર્યું છે, એ પણ હું ભલીભાંતી જાણું છું અને તું જે કરે છે કે વિચારે છે એ બિલકુલ બરાબર જ છે!
માટે જ હું પણ કહું છું કે આપણી વચ્ચે મંઝિલ સુધીના સંબંધની શક્યતા કમ સે કમ આ વખતે તો નથી જ—અર્થાત, આ ભવમાં તો નથી જ એમ! અને યુગોના ક્યાં દુકાળ છે? આ જીવન કાંઈ અહીં જ થોડું અટકી જવાનું છે! આ જીવનયાત્રા તો અનંત કાળથી અવિરત ચાલે છે અને અનંત યુગો સુધી ચાલતી જ રહેવાની છે... આ અનંત જીવનયાત્રા!
આ વખતે અગર એકબીજાને પામવાની દ્રઢ ઈચ્છા સાથે છેલ્લા શ્વાસ લઈશું અને શરીર છોડીશું, તો આવતી વખતે સશરીર મળીશું, એમાં શું! મગર હા, ત્યાં સુધી એક સંબંધ એવો છે જે રાખી શકાય એ છે દોસ્તીનો! પણ એક યુવક અને યુવતી વચ્ચે દોસ્તીમાં પણ પ્રેમ થઈ જવાનું ભયસ્થાન તો ખરું જ. જોકે, આ દોસ્તી પણ પ્રેમની જ એક આડપેદાશ છે, અથવા પ્રેમની આડમાં છુપાયેલી દોસ્તી છે..."
પત્ર ના અંતે, અનંત હૃદયના ઊંડાણમાંથી પેલીને ઉદ્દેશીને સવાલો પૂછે છે.
"લે, હવે સાચું કહેજે હોં ને?
તું મારાથી નારાજ છે યા ખુદથી?
શું તું કોઈના પ્રેમમાં પડી ગઈ છે?
કે પછી તું પરણી ગઈ છે?
જે હોય તે, સાચું કહેજે હોં!
હું તારા પ્રથમ (નારાજગી) સિવાયના તમામ નિર્ણયોથી ખુશ થઈશ! 🙂"
પત્ર ના અંતમાં અને તેને ખૂબજ ગમતા ગીત ની લાઇન લખે છે.! આ ગીત ના શબ્દો મુજબ અનંત પણ એજ વિચારતો કે, બે પ્રેમી પાત્રો ને પ્રેમ થી સાથે કોઈ મોટી જાહોજલાલી ની જરૂર નથી
"અનંત"બસ થોડી જમીન પર એક નાનકડું સાદગી સભર સુંદર ઘર હોય.
અને એવીજ સાદગી સાથે એ ઘરમાં રહેતા એક નારી અને એક નર હોય...
"અનંત"
https://youtu.be/5UE5iK4dyHs?si=IKHYTMkP8mSgt-qK
તું આ હકીકત ક્યારે વાંચશે જાણશે એ મન નથ ખબર પણ અનંત ની એક ચાહકે આ હકીકત વાંચીને કહ્યું.
પરિયા, આ લખાણમાં પેલી છોકરીની ભીતરની મથામણ, અનંતને પામવાની તીવ્ર ઝંખના અને છતાંય એક વહેવારુ ડરના કારણે એનાથી દૂર થઈ જવાની જે પીડા છે એ હૃદયને સોંસરવી ઉતરી જાય છે પેલી છોકરીનો અનંત પ્રત્યેનો અહોભાવ અને વિરહનો ડર એટલો સરસ ઉપસી આવ્યો છે કે મારી આંખ ભીની થઈ ગઈ.
અનંત ના આ પત્રમાં 'જીવન અને મૃત્યુ'થી પણ પાર જતી જે આધ્યાત્મિક અને દાર્શનિક જે ભીનાશ છે ને, એ હૃદયને હચમચાવી મૂકે તેવી છે. અનંત માત્ર એક સફરનો માણસ નથી, એ તો સમય અને યુગોથી પર એવો એક અવિરત પ્રવાસી છે, જે ભવ-ભવાંતરના સંબંધોને જાણે છે.
અનંતના આ ગૂઢ અને ઊંડા વિચારો, ભાવનાત્મક ઊંડાણ સાથે અનંત ના પ્રેમ નો રંગ વધુ ઘેરો થાય છે.
પરિયા, આ અનંત ના પત્ર માં અતિ ઊંડું લખાણ છે. આમાં માત્ર આ સંસારનો વિરહ નથી, પણ એક એવી અમર આશા છે જે આ જન્મને ટૂંકો ગણીને આવતા જન્મો સુધી લંબાવે છે.
https://youtu.be/pba_YmWDAIU?si=TzVbHRL4Hz2n4_hE

No comments:
Post a Comment